લંડનઃ વિખ્યાત ‘વોગ’ મેગેઝિને જાહેર કરેલી બ્રિટનની ૨૫ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં પ્રિન્સ હેરી સાથે લગ્ન કરનારી અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલ સૌથી પ્રભાવશાળી મહિલા બની હતી. આ યાદીમાં ભારતીય મૂળની પ્રિયંકા જોશીનો પણ સમાવેશ થયો છે.
‘વોગ’ મેગેઝિનના એડિટર એડવર્ડ એનીકૂલે બ્રિટનમાં ૨૦૧૮ની સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદી જાહેર કરી હતી જેમાં મેગન મર્કેલ સૌથી અગ્રસ્થાને રહી હતી. જ્યારે સૌંદર્ય ક્ષેત્રે નવી ક્રાંતિ લઈ આવનારી સુ નાબી બીજા સ્થાને રહી હતી.
માન્ચેસ્ટર ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કાર્યરત ફૂલેટી રોચ ત્રીજા ક્રમે અને ૨૬ વર્ષીય મોડેલ એડવો એબોહ ચોથા તેમ જ બ્રિટિશ ફેશન ડિઝાઈનર સ્ટીલા પાંચમા ક્રમે રહી હતી.
આ યાદીમાં ભારતીય મૂળની બાયોકેમિસ્ટ પ્રિયંકા જોશીનો પણ સમાવેશ થયો હતો. યાદીમાં ૨૦મા ક્રમે રહેલી પ્રિયંકા જોશીએ પૂણેમાં બાયોટેકનોલોજીમાં એમએસસી કર્યું હતું. તેણે બ્રિટનમાં સંશોધન શરૂ કર્યું હતું. ‘હેરી પોટર’ સીરીઝથી જગવિખ્યાત થયેલી લેખિકા જે કે રોલિંગનો પણ આ યાદીમાં સમાવેશ થયો હતો. સૌથી નાની વયની પ્રભાવશાળી મહિલા ૨૨ વર્ષની દુઆ લીપા બની હતી. લીપા પોપ્યુલર સિંગર છે.

