તાજેતરમાં પ્રેસ્ટનની ગુજરાત હિંદુ સોસાયટીના ૫૦મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાસ અતિથિઓએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. સાઉથ મેડો લેન ટેમ્પલ અને કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમADVERTISEMENTમાં યુવા કલાકારો દ્વારા રજૂ કરાયેલા ભારતીય શાસ્ત્રીય નૃત્ય, બોલિવુડ અને ફ્યુઝન ડાન્સથી ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ પ્રસંગે એક્ઝિબિશન, વીડિયો પ્રેઝન્ટેશન યોજાયા હતા. સોસાયટીની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે મહાનુભાવોના હસ્તે સ્પેશિયલ બર્થ ડે કેક કટિંગ પણ કરાયું હતું. સ્વાદિષ્ટ રિફ્રેશમેન્ટનો સૌ કોઈએ આસ્વાદ માણ્યો હતો. તેના માટે હેરિટેજ લોટરી ફંડ દ્વારા ફંડિંગ કરાયું હતું. હેરિસ મ્યુઝિયમ દ્વારા ગુજરાત હિંદુ સોસાયટીના ભવ્ય ઈતિહાસની નોંધ લેવામાં આવી હતી.
ગુજરાત હિંદુ સોસાયટીની શરૂઆત એક નાની સંસ્થા તરીકે થઈ હતી. પહેલા તો સાઉથ મેડો લેન પર આવેલી સેન્ટ સ્ટીફન્સ સ્કૂલનું બિલ્ડિંગ ખરીદવામાં આવ્યું હતું. તેમાં ફેરફાર કરીને ત્યાં એક મંદિર અને બેઠક સ્થળ તૈયાર કરાયું હતું. પાછળથી તે જગ્યામાં સુધારા વધારા કરીને લાખો પાઉન્ડના ખર્ચે મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનું નિર્માણ કરાયું હતું. સુવર્ણ જયંતીની ઉજવણીને અનુલક્ષીને તૈયાર કરાયેલી પત્રિકામાં સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ એ સમુદાયના સભ્યોએ સ્પેશિયલ વર્કશોપમાં ભાગ લઈને સોસાયટીની ૫૦ વર્ષની સફર વિશે તૈયાર કરેલી સ્મૃતિઓની ગાથા વિશે જણાવ્યું હતું. તેમણે લખ્યું છે, ‘ ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાથી અત્યાર સુધીના સોસાયટીના ઘટનાક્રમના આલેખન માટે વિવિધ વર્કશોપનું આયોજન કરાયું હતું. હિંદુ સમુદાય સંગઠિત થયો હતો અને કોઈ જૂની સ્કૂલ ખરીદવાની યોજના તૈયાર કરી હતી. સોસાયટીના સભ્યોમાં સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાનું વિઝન અને મહત્ત્વાકાંક્ષા વધતા ગયા અને મિલેનિયમ કમિશને બિલ્ડિંગ અને પુનઃવિકાસ કાર્યમાં નાણાંકિય સહાય પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું કે ૧૯૭૭માં ૩.૨૮ મિલિયન પાઉન્ડના કુલ પ્રોજેક્ટ ખર્ચની સામે ૧.૬૪ મિલિયન પાઉન્ડની ગ્રાન્ટ મંજૂર થઈ ત્યારે સ્વપ્ન સાકાર થશે તેમ લાગ્યું હતું. સોસાયટીના આ પ્રેરણાદાયક પ્રવાસમાં જેમણે યોગદાન આપ્યું હતું તે સૌને યાદ કરીને તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

