અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાનું નામ રૂ. ૨૦૦૦ કરોડના બિટકોઈન કૌભાંડમાં જોડાતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાંચમી જૂને રાજની પાંચ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. રાજ કુન્દ્રા આ પહેલાં ક્રિકેટની સટ્ટાખોરીમાં સંડોવાયા હતા અને એમને ક્રિકેટને લગતી તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની ટીમ રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બિટકોઈન કૌભાંડના કેસમાં પકડાયેલા અમિત ભારદ્વાજની પૂછપરછ કરતાં રાજ કુન્દ્રાનું નામ બહાર આવ્યું હતું. દરરોજ રૂ. એક કરોડ કે તેથી વધુની કિંમતના બિટકોઈન્સનો વેપાર કરનાર બિટકોઈન યુઝર્સને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવે છે. એ નામની યાદી ઈડી એજન્સીને અપાય છે. આ પ્રકારના કેસમાં મની લોન્ડરિંગ અને છેતરપિંડીની સંભાવના વિશે ઇડી તપાસ કરે છે. કહેવાય છે કે તપાસ દરમિયાન ઘણી જાણીતી વ્યક્તિઓ, ખાસ કરીને બોલિવૂડની સેલિબ્રિટીઝના નામ ચમક્યા છે. રાજ કુન્દ્રા પર આઈપીએલ સટ્ટાખોરી કૌભાંડના સંદર્ભમાં તો આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો જ છે અને તેઓ ક્રિકેટ સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે નથી. હવે તેનું નામ બિટકોઈન કેસમાં સંડોવાયું છે. કુન્દ્રા જેના સહ-માલિક છે તે રાજસ્થાન રોયલ્સ ટીમે જોકે આઈપીએલમાં પુનરાગમન કર્યું છે અને આ ટીમે હાલમાં જ રમાઈ ગયેલી આઈપીએલમાં ભાગ પણ લીધો હતો.

