લંડનઃ ૩૩ વર્ષીય માઈકલ એડેબોલાજોએ પહેલી વખત બ્રિટિશ સૈનિક લી રિગ્બીની હત્યા બદલ માફી માગી હતી. તેણે જણાવ્યું હતું કે તેનું ‘બ્રેઈનવોશ’ કરવા ઉપરાંત, કુરાનનું ખોટું અર્થઘટન કરાયું હતું. એડેબોલાજોએ ૨૨ મે ૨૦૧૩ના રોજ લંડનના વુલવિચમાં રોયલ આર્ટીલરી બેરેક બહાર લી રિગ્બી પર હુમલો કરીને હત્યા કરી હતી.
એડેબોલાજોએ હત્યા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને તેના પરિવારની માફી માગતો એક પત્ર લખશે. સૂત્ર દ્વારા જણાવાયું હતું કે એક મહિના અગાઉ તેણે અન્ય એક કેદી અને પ્રિઝન પેસ્ટોરલ સ્ટાફનો સંપર્ક એમ કહેવા માટે કર્યો હતો કે આ હત્યા બદલ તેને ખૂબ પસ્તાવો થાય છે. પોતે નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હોવાનું તેણે તેમની સમક્ષ પહેલી વખત કબૂલ્યું હતું. પોતાના ભયંકર કૃત્યને વાજબી ઠેરવવાના પ્રયાસમાં કુરાનનું ખોટું અર્થઘટન કર્યું હોવાનું પણ તેણે કબૂ્લ્યું હતું.

