બ્રેક્ઝિટને પગલે બ્રિટિશ નાગરિકત્વ છોડવાની ફીમાં તીવ્ર વધારો

Saturday 09th June 2018 07:00 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટના પરિણામે યુકેની બહાર વસતા બ્રિટિશ નાગરિકો દ્વારા અન્ય યુરોપિયન દેશોની નાગરિકતા સ્વીકારવામાં થયેલી વૃદ્ધિના પગલે હોમ ઓફિસે બ્રિટિશ નાગરિકત્વ છોડવા માટેની ફીમાં ચૂપકીદીથી જોરદાર વધારો કર્યો છે. ત્રણ સભ્યના બ્રિટિશ પરિવારે બ્રિટિશ નાગરિકત્વ છોડવા માટે હવે ૧૦૦૦ પાઉન્ડથી વધુ ફી હોમ ઓફિસને ચુકવવી પડશે.

ઈયુ રેફરન્ડમ પછી યુકે દ્વારા યુરોપિયન બ્લોક છોડવાના નિર્ણયથી સર્જાયેલી અનિશ્ચિતતાના પગલે ઈયુ દેશોમાં વસતા ૧.૩ મિલિયન બ્રિટિશ લોકોમાંથી ઘણાએ વિદેશી નાગરિકતાને પસંદ કરી છે. જોકે, નેધરલેન્ડ્સ અને ઓસ્ટ્રીયા જેવાં ઘણા ઈયુ દેશોએ બેવડું નાગરિકત્વ નિયંત્રિત અથવા સમગ્રતયા પ્રતિબંધિત કર્યું છે ત્યારે કેટલાક બ્રિટિશ નાગરિકોએ બેવડી ચુકવણી કરવાની ફરજ પડી છે, એક તો ખર્ચાળ વિદેશી નાગરિકત્વ માટે અરજી કરવા અને ફરી બ્રિટિશ નાગરિકત્વ છોડવા ચુકવણી કરવી પડે છે.

એપ્રિલ મહિનામાં હોમ ઓફિસે નાગરિકત્વ રદ કરવાની વ્યક્તિદીઠ ફી ૩૨૧ પાઉન્ડથી વધારી ૩૭૨ પાઉન્ડ કરી હતી, જેનાથી વિદેશમાં વસતા સિંગલ, કપલ અને પરિવારો માટે હજારો પાઉન્ડનો બોજો વધ્યો છે. બીજી તરફ, વિદેશી પાસપોર્ટ માટે અરજી કરનારા બ્રિટિશરોની સંખ્યામાં પણ ભારે ઉછાળો આવ્યો છે. બેવડા નાગરિકત્વ પર પ્રતિબંધ ધરાવતા દેશોમાં આવી અરજી કરનારામાં મોટો વધારો થયો છે. ૧૬૬ બ્રિટિશરોએ વર્ષ ૨૦૧૫માં ડચ પાસપોર્ટ મેળવવા અરજી કરી હતી, જે રેફરન્ડમ પછી વધીને હવે ૬૩૬ થઈ છે. ડચ સરકાર બ્રિટનમાં વસતા તેના નાગરિકો માટે બેવડી નાગરિકતાના કાયદામાં સુધારો કરવાની છે, પરંતુ નેધરલેન્ડઝમાં વસતા બ્રિટિશ નાગરિકો માટે આવી માફી અપાવાની નથી.


comments powered by Disqus