લંડનઃ હર્ટફર્ડશાયરના ૧૧ વર્ષીય રાજેને બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ કેન્સરમાં રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કાર્ય કરતી નથી. ગયા નવેમ્બરમાં તેનું કાઉન્ટી ક્રિકેટ ટીમમાં જોડાવાનું સ્વપ્ન સાકાર થવાનું હતું. કેમોથેરાપીના પ્રારંભિક તબક્કાની સારવારમાં તેની પ્રતિક્રિયા સારી હતી. જોકે, ગયા માર્ચમાં તેની ૧૧મી વર્ષગાંઠના થોડા દિવસ અગાઉ તેની તબિયત ફરી બગડી હતી. ડોક્ટરો એવા તારણ પર આવ્યા કે આ તબક્કે માત્ર નિયત સારવાર જ પૂરતી નથી અને રાજે માટે સ્ટેમ સેલ ડોનર જ એક તક છે. જોકે, હજુ સુધી તેને મેચીંગ થાય તેવા ડોનર મળ્યા નથી.
રાજેને ક્રિકેટનો ભારે શોખ છે. તેના મિત્રો અને પરિવાર તેને મોટા મનનો અને સદાય હસતો રહેતો કિશોર ગણાવે છે. સ્ટેમ સેલ અથવા તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનૂ જરૂરતવાળા બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીસીટી (BAME) લોકો પૈકી માત્ર ૨૧ ટકાને જ યોગ્ય ડોનર મળે તેવી તક રહે છે. જીવન બચાવવા પૂરતું જરૂરી આંશિક મેચીંગ મળવાની ૬૦ ટકા તક હોય છે. બાળપણમાં લ્યુકેમિયાની અસર દરેક વંશીય જૂથમાં જોવા મળે છે પરંતુ, સ્ટેમ સેલ રજિસ્ટર પર હાલ માત્ર ૧૬ ટકા એશિયન અથવા અન્ય વંશીય લઘુમતિના ડોનર નોંધાયેલા છે.
તા. ૨૬ મેએ વેમ્બલીમાં એસએસઈ અરેના ખાતે પોતાના કોન્સર્ટ ‘કોન.ફિ.ડેન.શિયલ‘માં અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝે યુકેમાં લ્યુકેમિયાથી પીડાતા BAME બાળકો માટે રજૂઆત કરીને અરેનામાં ઉપસ્થિત ૬,૦૦૦ પ્રેક્ષકોને બ્લડ કેન્સરના દર્દીઓને મદદ કરતી DKMS અથવા એન્થની નોલમ સંસ્થાઓમાં સ્ટેમ સેલ ડોનર તરીકે નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો. ઘણાં લોકોએ તરત જ નોંધણી કરાવી હતી.
આ રોગથી પીડાતા બાળકોનું જીવન બચાવવા માટે સાઉથ એશિયન કોમ્યુનિટીના લોકોને NHS, DKMS અથવા એન્થની નોલમ ખાતે બોન મેરો રજિસ્ટ્રી સાથે નોંધણી કરાવવા અનુરોધ છે.

