માના દૂધથી કેન્સરનો ઇલાજ, ટ્યુમર સેલ્સ ખતમ કર્યા

Wednesday 06th June 2018 06:13 EDT
 
 

સ્ટોકહોમઃ અત્યાર સુધી અનેક અભ્યાસમાં માતાના દૂધમાં રહેલા ગુણોનું શારીરિક સ્વાસ્થ્ય માટે મહત્ત્વ પુરવાર થતું રહ્યું છે. હવે સ્વિડનની એક વિજ્ઞાનીએ અભ્યાસના આધારે તારવ્યું છે કે માના દૂધમાં એક એવું તત્વ હોય છે જે ટ્યુમર સેલ્સને નષ્ટ કરે છે. તેમણે આ તત્વનું નામ હેમલેટ રાખ્યું છે. આમાં ખાસ વાત છે કે તે ફક્ત શરીરની ખરાબ કોશિકાઓને નષ્ટ કરે છે. સારી કોશિકાઓને તે કોઈ નુકસાન કરતું નથી. એક પ્રયોગ દરમિયાન અકસ્માતે જ તેની શોધ થઇ છે.
વિજ્ઞાનીના કહેવા મુજબ કેન્સરપીડિત દર્દીને હેમલેટ ઈન્જેક્શન લગાવાયું તો જોવા મળ્યું કે અમુક દિવસમાં તેના ટ્યુમર સેલ્સ નષ્ટ થવા લાગ્યા હતા. પ્રયોગ સૌથી પહેલાં બ્લેડર કેન્સરના દર્દી પર કરાયો હતો. આ પછી આંતરડાં અને સર્વાઈકલ કેન્સરના દર્દીઓ ઉપર પણ તેનો પ્રયોગ કરાયો જે સફળ રહ્યો હતો. કીમોથેરાપીની પણ કોઈ સાઈડ ઈફેક્ટ જણાઇ નથી. હેમલેટની શોધ સ્વિડનની લુન્ડ યુનિવર્સિટીમાં ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર કેથરીન સ્વાનબોર્ગે કરી છે. તેઓ એન્ટિબાયોટિક વિકસાવવા માટે પ્રયોગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને માતાના દૂધમાં એક એવું તત્વ મળ્યું હતું, જેણે ટ્યુમર સેલ્સને નષ્ટ કરી નાખ્યા હતા.
કેથરીન કહે છે કે અમને એક પ્રયોગ માટે માનવકોશિકા અને બેક્ટેરિયાની જરૂર હતી. આથી અમે ટ્યુમર સેલ્સ પસંદ કર્યા. ખરેખર અમે નોબેલ એન્ટિ-માઈક્રોબાયલ એજન્ટ્સ શોધી રહ્યાં હતાં. દરમિયાન માના દૂધમાં એક ખૂબ સારું તત્વ દેખાયું. હું તે સમયે અચરજ પામી ગઈ, જ્યારે અમે તેને અમારા પ્રયોગમાં સામેલ કર્યું તો જોયું કે ટ્યુમર સેલ્સ નષ્ટ થઈ ગયાં હતા. આ એકદમ અચરજ પમાડતી આકસ્મિક શોધ હતી. હેમલેટ ખૂબ ચમત્કારી છે. તે સીધા ટ્યુમર સેલ્સને નિશાન બનાવીને તેને નષ્ટ કરે છે. માતાના દૂધમાં અલ્ફા-લેક્ટલબુમિન નામનું પ્રોટીન મળે છે, જેને દવા તરીકે રૂપાંતરિત કરી કેન્સર સારવાર શક્ય છે.
આ રીતે હેમલેટ કામ કરે છે
હેમલેટ કેન્સર પર અનેક રીતે હુમલો કરે છે. તે પહેલાં કોશિકાઓના બાહ્ય સુરક્ષાતંત્રને નષ્ટ કરે છે. પછી પાવરસ્ટેશન માઈટ્રોકાન્ડ્રિયા અને ઈન્સ્ટ્રક્શન મેન્યુઅલ કેન્દ્રને નિશાન બનાવે છે. તેનાથી ટ્યુમર સેલ્સની તાકાત ખતમ થઇ જાય છે અને તે આપમેળે નાશ પામવા લાગે છે. આ સમગ્ર પ્રક્રિયા એપોપટોસિસ કહેવાય છે.


comments powered by Disqus