નવી દિલ્હીઃ નવ હજાર કરોડ રુપિયાનું ફુલેકુ ફેરવી બ્રિટન ભાગી ગયેલ વિજય માલ્યાને હજુસુધી ભારત લાવવામાં આવ્યો નથી.માલ્યા પહેલા આઇપીએલ કૌભાંડમાં સંકળાયેલ લલિત મોદી પણ બ્રિટન ભાગી ગયેલ છે. આ બન્ને કૌભાંડીઓને ભારતમાં લવાયા નથી ત્યારે હવે નિરવ મોદી અને મેહુલ ચોક્સી પણ વિદેશ ભાગી ગયા છે. આ સ્થિતિ વચ્ચે મોદી સરકાર પર કૌભાંડીઓને ભારતમાં લાવવા પર દબાણ વધી રહ્યું છે. જેને પગલે બ્રિટન પર પણ ભારતે દબાણ વધાર્યું હતું. ભારતે વધુ એક વખત વિજય માલ્યા અને લલિત મોદીને ભારતને સોંપવા માટે બ્રિટન સમક્ષ માગણી કરી હતી.
નવી દિલ્હીમાં ભારત અને બ્રિટનના અધિકારીઓ વચ્ચે આ મુદ્દે બેઠક યોજાઇ હતી. બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ભારતે વિજય માલ્યા અને લલિત મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયાને ઝડપી બનાવવાની માગણી કરી હતી. કેટલાક મુદ્દાઓને લઇને બ્રિટન પણ ભારતની માગણી સ્વીકારવા તૈયાર થઇ ગયું હતું. ભારતીય ડેલિગેશનની આગેવાની કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ જ્યારે બ્રિટનની આગેવાની બ્રિટનના સેકન્ડ પરમેનન્ટ સેક્રેટરી પેટ્સી વિલકિન્સને લીધી હતી.
આ પહેલા બ્રિટનની કોર્ટમાં પણ માલ્યા પોતાનો કેસ હારી ચુક્યો છે. જોકે માલ્યાને ભારતમાં કઇ જેલમાં રાખવામાં આવશે તેને લઇને બ્રિટનની કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા. જેથી ભારે વિવાદ પણ થયો હતો અને ભારતે બ્રિટનને પોતાનો ભુતકાળ યાદ અપાવીને આવા સવાલો ન કરવા કહ્યું હતું. વિજય માલ્યા, લલિત મોદી ઉપરાંત ભારતે અન્ય એક કૌભાંડી અને ક્રિકેટ બુકી સંજીવ કપુર મુદ્દે પણ ઝડપી કાર્યવાહીની માગણી કરી હતી.

