લંડનઃ ઓક્સશોટની સામાજિક કાર્યકર ૨૩ વર્ષીય નેહા ધલ પ્રથમ બ્રિટિશ ઈન્ડિયન ‘મિસ ઈંગ્લેન્ડ’ બનવાની સ્પર્ધામાં છે. કિંગ વોરેનમાં રહેતી નેહા આગામી ૩જી જુલાઈએ કેલ્હામ હોલ ખાતે યોજાનારી ‘મિસ ઈંગ્લેન્ડ’ની સેમિફાઈનલમાં ભાગ લેશે. ગત ૨૨ એપ્રિલે તેની પસંદગી આ સ્પર્ધાની સેમિફાઈનલિસ્ટ તરીકે થઈ હતી.
હાલ નેહા ખાસ કરીને જાતીય શોષણ અથવા જાતીય હેરાફેરીનો ભોગ બનેલી યુવતીઓ તથા નબળા બાળકોના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે. નેહાએ જણાવ્યું હતું કે તેણે બાળકો અને યુવાનોને મદદ કરવા પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે કારણ કે તે માને છે કે બાળકો આપણું ભવિષ્ય છે.
ધલનો જન્મ અને ઉછેર ઈંગ્લેન્ડમાં થયો છે. પરંતુ. તેના માતાપિતા ભારતીય છે. યુકેની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તે હિંદુ સમાજનો એક ભાગ બની હતી. નેહાએ એશિયન યુવતીઓના સશક્તિકરણ અને લૈંગિક અસમાનતા અટકાવવાના અભિયાનમાં ભાગ લીધો હતો. તેણે ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી હતી. તે ભારતની એક સ્કૂલમાં પછાત બાળકોને ભણાવવાની પ્રવૃત્તિમાં પણ સંકળાયેલી છે.
તેણે જણાવ્યું કે પહેલી વખત સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવામાં ડર લાગે છે પણ ખૂબ આનંદદાયક અનુભવ ગણી શકાય. નેહાએ જણાવ્યું હતું, ‘ હું ખૂબ નર્વસ હતી. મારા પેરન્ટ્સનો ખૂબ સહયોગ છે. લોકોએ પણ મને સ્પર્ધામાં ભાગ લેવા સમર્થન આપ્યું. મિસ ઈંગ્લેન્ડ ઓર્ગેનાઈઝેશન પણ ખૂબ મદદરૂપ છે અને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું. સંસ્થા રિસાયકલિંગનું મહત્ત્વ અને પર્યાવરણની જાળવણી વિશે જાગૃતિ વધારવા માગે છે. નેહાએ ઉમેર્યું હતું, ‘અગાઉ કોઈ બ્રિટિશ ઈન્ડિયન યુવતીએ ક્યારેય મિસ ઈંગ્લેન્ડનો ખિતાબ જીત્યો નથી. તેથી આ વખતે કદાચ પરિવર્તન આવે.’

