મુંબઈથી લંડનની એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટને ૭૦ વર્ષ પૂર્ણ થશે

- રુપાંજના દત્તા Sunday 10th June 2018 06:55 EDT
 
 

એર ઈન્ડિયાની મુંબઈથી લંડનની પ્રથમ ફ્લાઈટને ૮મી જૂને ૭૦ વરપ્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે એર ઈન્ડિયાએ યુકેમાં રહેતા ડાયસ્પોરાને શરૂઆતના દિવસોમાં એર ઈન્ડિયા સાથેના તેમની પ્રથમ ઉડાનની સ્મૃતિઓ અને અનુભવો રજૂ કરવા આમંત્રણ આપ્યું છે. યુકેમાં ખૂબ નોંધપાત્ર યોગદાન આપનાર ભારતીય સમાજના ઘણાં લોકો એર ઈન્ડિયા દ્વારા ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં દેશમાં આવ્યા હતા. તે પછીના વર્ષોમાં એરલાઈન્સમાં ધરખમ ફેરફાર થયા છે. તેનું આધુનિકરણ થયું છે. હવે નવા બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર સાથે તે ભારત અને યુકેનું અંતર ૧૦ કલાકથી ઓછા સમયમાં પૂરું કરે છે.

ભારતીય નાગરિક ઉડ્ડયનના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ પ્રથમ ડાયરેક્ટ ફ્લાઈટ ૮ જૂન,૧૯૪૮ના રોજ ઉપડી હતી. ‘મલાબાર પ્રિન્સેસ’ તરીકે જાણીતું વિમાન ૪૦ સીટવાળું લોકહીડ L-749 કોન્સ્ટેલેશન હતું. તેના કેપ્ટન કે.આર. ગુઝદાર હતા. મુંબઈથી ઉપડેલું આ વિમાન કૈરો અને જીનિવા થઈને ૫,૦૦૦ માઈલનું અંતર કાપીને ૧૦મી જૂને લંડનમાં ઉતર્યું હતું. આ ફ્લાઈટના ઉપડવાનો સમય મોડી સાંજનો હતો અને તેમાં ૩૫ પ્રવાસી હતા. તેમાંથી ૨૯ લંડન અને ૬ જીનિવા જવાના હતા. ફલાઈટમાં કેટલાક ‘મહારાજા’ અને ‘નવાબ’ હતા. આ ફ્લાઈટ ૨૪ કલાક કરતા થોડો વધુ સમય લઈને વહેલી સવારે લંડન પહોંચી હતી. કૈરોથી લંડનની યાત્રા માટે કેપ્ટન ડી કે જતારે ફ્લાઈટનું સંચાલન કર્યું હતું.


comments powered by Disqus