શ્રી વલ્લભનિધિ યુકે દ્વારા વેમ્બલી મંદિરમાં રામકથાનું ભવ્ય આયોજન

Wednesday 06th June 2018 07:37 EDT
 
ફોટો લાઈન ૧) બોર્ડ ઓફ ગવર્નર્સ વતી પૂ. દેવપ્રસાદ બાપૂનું સન્માન કરતા પૂ. દ્વારકેશલાલજી મહારાજ    ૨)   શ્રી નરેન્દ્રભાઈ ઠકરારને પ્લેક અર્પણ કરતા પૂ. દેવપ્રસાદ બાપૂ અને પૂ. રામ બાપા
 

૨૦૧૦માં વેમ્બલીમાં સ્થપાયેલા મંદિરની આઠમી વાર્ષિક તિથિ નિમિત્તે શ્રી વલ્લભનિધિ, યુકે દ્વારા મંદિરમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરાયું હતું. જાણીતા કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના શિષ્ય પૂ. શ્યામભાઈએ સુંદર અને ભાવવાહી શૈલીમાં શ્રોતાઓને રામકથાનું રસપાન કરાવ્યું હતું. કથાના પ્રસંગોની તેમણે કરેલી છટાદાર રજૂઆતથી શ્રોતા મંત્રમુગ્ધ બન્યા હતા.

વલ્લભનિધિ, યુકેના પેટ્રન પૂ. દ્વારકેશલાલજી મહારાજ રામકથાના આ પ્રસંગે શોભામાં અભિવૃદ્ધિ કરવા અને શ્રોતાઓને આશીર્વચન પાઠવવા ખાસ બે દિવસ માટે યુકે પધાર્યા હતા, જેને લીધે બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

કથા દરમિયાન બાપૂશ્રી તરીકે જાણીતા જામનગરના પૂ. દેવપ્રસાદ બાપૂની સંસ્થાના પેટ્રન તરીકે નિયુક્તિની બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને બાપૂશ્રીએ તેને સહર્ષ સ્વીકારી લીધી હતી.

લાંબા સમયથી પેટ્રન રહેલા પૂ. રામબાપા ૯૮ વર્ષની વયે પણ આશીર્વચન પાઠવવા આવતા બોર્ડ દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

લોર્ડ ડોલર પોપટે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેમના પત્ની લેડી સંધ્યા પોપટ સાથે બે દિવસ સુધી રામકથામાં હાજરી આપીને કથાનું શ્રવણ કર્યું હતું. લોર્ડ પોપટે ઉપસ્થિત શ્રોતાગણને સંબોધન પણ કર્યું હતું અને સનાતન ધર્મ વિશે તેમના સકારાત્મક વિચારો રજૂ કર્યા હતા. તેમણે ચેરમેન નરેન્દ્રભાઈ ઠકરારને તેમની નિઃસ્વાર્થ સેવા બદલ તેમજ સનાતન ધર્મને જીવંત રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કથાનો કાર્યક્રમ સૌને માટે એક યાદગાર પ્રસંગ રહ્યો હતો અને દરરોજ મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરવા હાજર રહ્યા હતા. સમાજના વડીલ સભ્યો પોતાના ઘરે બેસીને અનુકુળતાપૂર્વક રામકથા નિહાળી શકે તે માટે સમગ્ર કથાનું MATV ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

એક દાયકાથી વધુ સમય સુધી ચેરમેન તરીકે ફરજ બજાવવા તેમજ સખત પરીશ્રમ કરવા બદલ નરેન્દ્રભાઈ ઠકરારનું સન્માન કરાયું હતું. હાલ તેઓ જે સેવા આપી રહ્યા છે તેની બોર્ડ ગવર્નર્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને પૂ. રામબાપા અને પૂ. બાપૂશ્રીના હસ્તે તેમને સ્મૃતિ ચિહ્ન એનાયત કરાયું હતું.

કથા દરમિયાન એક સાંજે વિશ્વવિખ્યાત ભજન અને ગઝલ ગાયક અનૂપ ઝલોટાના ભજનોના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેને ભારે સફળતા સાંપડી હતી અને હોલ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. સૌએ આ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો.

કાર્યક્રમમાં તેમજ કથામાં ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવો તથા કથા દરમિયાન ડોનેશન આપનાર સૌનો શ્રી વલ્લભનિધિ, યુકેએ આભાર માન્યો હતો.


comments powered by Disqus