જોહાનિસબર્ગ: ટેસ્ટના નંબર વન બોલર સાઉથ આફ્રિકાના કાગિસો રબાદાએ ક્રિકેટ સાઉથ આફ્રિકાના વાર્ષિક એવોર્ડ સમારંભમાં પુરુષ વિભાગના નવમાં છ એવોર્ડ કબ્જે કરીને સપાટો બોલાવી દીધો હતો. તેમાં ક્રિકેટ સાઉથ આફ્રિકા ક્રિકેટર ઓફ ધ યરની સાથે સાથે બેસ્ટ ટેસ્ટ ક્રિકેટર અને વન-ડે ક્રિકેટરનો એવોર્ડ પણ મેળવ્યા છે. રબાદાને આ એવોર્ડ છેલ્લા ૧૨ મહિનાના પ્રદર્શનના આધારે અપાયા છે. આ ઉપરાંત તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એબી ડી વિલિયર્સને વર્ષનો શ્રેષ્ઠ ટી૨૦ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો હતો.
રબાદાએ ગત વર્ષે જુલાઈથી લઈને અત્યાર સુધી ૧૨ ટેસ્ટ મેચમાં ૧૯.૫૨ની એવરેજથી ૭૨ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ મેચમાં તેને બહાર રહેવું પડયું હતું કારણ કે, તેના પર ડીમેરિટ પોઇન્ટના આધારે પ્રતિબંધ લાગ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની વિવાદિત સિરીઝમાં તે મેન ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો. કાગિસો રબાદાને આ પહેલાં ૨૦૧૬માં પણ આ એવોર્ડ મળી ચૂક્યો છે. રબાદાને બીજી વખત ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. સાઉથ આફ્રિકા ક્રિકેટના ઇતિહાસમાં બે વખત આ એવોર્ડ મેળવનાર રબાદા પાંચમો ખેલાડી છે. તે પહેલાં હાશિમ અમલા, જેક કાલિસ, મખાયા નતિની અને એબી ડી વિલિયર્સને આ એવોર્ડ બે વખત મળી ચૂક્યો છે.

