લીડ્સઃ ઈંગ્લેન્ડે બંને દાવમાં બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં એક ઈનિંગ્સ અને ૫૫ રને વિજય મેળવ્યો છે. આ સાથે જ યજમાન ટીમે બે ટેસ્ટ મેચની શ્રેણી ૧-૧થી ડ્રો કરી છે.
હેડિંગ્લેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને પ્રથમ દાવમાં ૧૭૪ રનમાં આઉટ કર્યા બાદ ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૩૬૩ રનનો વિશાળ સ્કોર નોંધાવીને ૧૮૯ રનની સરસાઈ મેળવી હતી. જેમાં જોસ બટલરે સૌથી વધુ ૮૦ રન નોંધાવ્યા હતા.
બીજા દાવમાં પાકિસ્તાન ૧૩૪ રનમાં આઉટ થઈ જતા પ્રવાસી ટીમને એક ઈનિંગ્સથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ટેસ્ટનું પરિણામ ત્રણ દિવસમાં જ આવી ગયું. બીજા દાવમાં સ્ટુઅર્ટ બ્રોડ અને ડોમિનિક બેસે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી..
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં લોર્ડ્સમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વિજય નોંધાવ્યા બાદ ઈંગ્લેન્ડનો આ પ્રથમ ટેસ્ટ વિજય છે. આ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ એક પણ વિજય નોંધાવી શકી નહોતી અને તેને આઠ ટેસ્ટમાંથી છમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોસ બટલર મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

