રણવીર સિંહ અને દીપિકા પદુકોણની જોડી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળે તેવી શક્યતા છે. ક્રિકેટર કપિલ દેવ પરથી બની રહેલી ફિલ્મમાં દીપિકાએ કામ કરવાની હા પાડી દીધી હોવાનું મનાય છે.
આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક લોકોએ જણાવ્યું કે, દીપિકાને કબીર ખાનની ફિલ્મ '૮૩' માટે ફાઇનલ કરવામાં આવી છે. વર્ષ ૧૯૮૩માં ભારતે પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવવાનો છે. ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના રોલમાં જોવા મળશે.
કપિલ દેવની ટીમ જ્યારે એ વર્લ્ડ કપ રમી રહી હતી ત્યારે સતત વિકેટો પડવાથી કપિલની પત્ની સ્ટેડિયમ છોડીને જતી રહી હતી. પછીથી રમતની બાજી પલટાતાં ભારત જીતી રહ્યું છે તે જાણતાં જ તે ફરી સ્ટેડિયમાં આવી હતી. આ કિસ્સાને ફિલ્મમાં ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક શૂટ કરવામાં આવશે. તેવું ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂમાંથી જાણવા મળ્યું છે.

