વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં સામાન્ય ચૂંટણીના લોકોત્સવની પૂર્ણાહુતિ સાથે નરેન્દ્ર મોદીના સબળ અને વિચક્ષણ નેતૃત્વ હેઠળની ભાજપ-એનડીએ સરકાર સંપૂર્ણ બહુમતી સાથે પુનઃ શાસનધૂરા સંભાળી રહી છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં દેશની જનતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જયજયકાર બોલાવ્યો છે અને ભાવિ ભારતના શિલ્પી તરીકે પ્રજાએ નરેન્દ્ર મોદીના નામ પર મહોર લગાવી છે. ત્રીજા મોરચા કે મહાગઠબંધનના નામે સત્તા હાંસલ કરવા મથતા કહેવાતા કદાવર નેતાઓ અને તેમના પક્ષોને ભારતની જનતાએ એટલી જોરથી થપ્પડ મારી છે કે તેની અસરમાંથી બહાર આવતા તેમને કેટલો સમય લાગશે તેની કલ્પના કરવી પણ અત્યારે તો અશક્ય જણાય છે. નરેન્દ્ર મોદીનો આ મહાવિજય વાસ્તવમાં નકારાત્મકતા વિરુદ્ધ સકારાત્મકતાનો વિજય જ લેખી શકાય. નરેન્દ્ર મોદીએ ફરી એક વખત સાબિત કર્યું છે કે રાજકારણના કૌશલ્યમાં તેમને કોઇ પહોંચી શકે એમ નથી. પાકિસ્તાનની અવળચંડાઈ પછી તેના જ ઘરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક માટે લશ્કરને છૂટો દોર આપવામાં નરેન્દ્ર મોદીની હિંમતની દાદ આપવાના બદલે વિપક્ષે બદબોઈ કરી તેનો બદલો જનતા જનાર્દને ચૂંટણીમાં આપી દીધો છે. ચૂંટણીવિજયની ઉજવણી પછી મોદી સરકાર સમક્ષ લાખો બેરોજગારોને રોજગારી, અર્થવ્યવસ્થાના મોરચે લડાઇ, ખેડૂતોની હાલત સુધારવા તેમજ સામાન્ય પ્રજાજનોને મોંઘવારીમાંથી રાહત આપવાના પડકાર ઊભા છે. સત્તાની સાથે જવાબદારીઓ પણ આવે છે તેનાથી નરેન્દ્ર મોદી સભાન છે. આગામી પાંચ વર્ષમાં દેશના આર્થિક અને સામાજિક નવનર્મિાણની દિશામાં આગળ વધવાની તમન્ના સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસ’ સૂત્ર સાથે સરકારની પ્રતિબદ્ધતાનું દર્શન કરાવ્યું છે. નરેન્દ્ર મોદીએ ચૂંટણીના પરિણામો પછી સ્પષ્ટ કહ્યું છે કે ‘ચૂંટણીમાં પ્રાપ્ત મત (વિજય) તો સરકાર રચવાનો આદેશ છે, પરંતુ રાષ્ટ્રનિર્માણ તો સર્વસંમતિથી જ થઈ શકે છે.’
ભાજપને ૨૦૧૪ની ચૂંટણીમાં જનતાએ ૨૮૨ અને એનડીએને ૩૩૬ બેઠક આપી હતી. જોકે આ વખતે ખોબલાં ભરીને મત આપવા સાથે એકલા ભાજપને ૩૦૩ અને એનડીએને ૩૫૨ બેઠક આપી છે. વિરોધ પક્ષોએ કથળી રહેલી અર્થવ્યવસ્થા, વિક્રમી બેરોજગારી, ખેડૂતોની અવદશા તેમજ જીએસટી અને નોટબંધીથી નાના વેપારીઓ પર થયેલી અવળી અસર જેવા મુદ્દાઓ ઉછાળ્યાં છતાં દેશની શાણી જનતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી પર વિશ્વાસ રાખ્યો છે.
સામાન્યપણે કોઈ પણ ચૂંટણીમાં વર્તમાન સરકારને એન્ટી-ઇન્કમ્બન્સી પરિબળનો સામનો કરવો પડતો હોય છે પણ અહીં દેશની પ્રજાએ તેની જરા પણ તમા રાખી નથી. એમ કહી શકાય કે ૨૦૧૪માં મોદીલહેર હતી તો ૨૦૧૯માં મોદીના નામનું સુનામી કે ઝંઝાવાતી વાવાઝોડું હતું જેમાં વિપક્ષી નેતાઓ વહી ગયા છે. આ વાવાઝોડું દેશના કેટલાંક પ્રદેશો પૂરતું જ સીમિત રહ્યું નથી તેની નોંધ લેવી પણ આવશ્યક છે.
વડા પ્રધાન બનવાના સ્વપ્નમાં રાચતા રાહુલ ગાંધીના વડપણ હેઠળની કોંગ્રેસને ૨૦૧૪માં મળેલી ૪૪ બેઠકો સામે ૨૦૧૯માં બાવન (૫૨) બેઠકો અને તેના ગઠબંધન યુપીએને કુલ ૯૬ બેઠક મળી છે. આમ કોંગ્રેસને ચૂંટણીમાં નજીવો લાભ થયો છે. પાંચ મહિના પહેલાં જ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીઓમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં સત્તા હાંસલ કરી હોવાથી આ રાજ્યોમાં મતદાતાઓ પોતાની જ તરફેણ કરશે તેવો કોંગ્રેસનો ભ્રમ ભાંગી ગયો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જુગલબંદીના પ્રહારથી સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે અને શેખચલ્લીના સ્વપ્ના નિહાળતો પક્ષ ફરી મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચી ગયો છે. પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાનું શસ્ત્ર પણ નિષ્ફળ રહ્યું છે. બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા કોંગ્રેસના મુદ્દાઓ સામે ભાજપનો રાષ્ટ્રવાદનો મુદ્દો પ્રજાને અને ખાસ કરીને યુવાન મતદારોને પ્રભાવિત કરી ગયો છે. મતદારોએ મોદી સરકારની કામગીરીનાં લેખાંજોખાં કર્યા પછી, સરકારની ઘણી નીતિઓ અને નિર્ણયો સામે વિરોધ હોવા છતાં, ફરી એક વાર પ્રચંડ બહુમતીથી તેમને શાસન ધુરા સોંપી છે.
લોકસભાની આ બહુચર્ચિત ચૂંટણીમાં જાતિવાદ અને પ્રાદેશિકવાદના મુદ્દાઓ સામે રાષ્ટ્રવાદ ચડિયાતો સાબિત થયો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના જાતિગત સમીકરણોના આધારે રચાયેલા મહાગઠબંધનને ભાજપે મ્હાત આપી છે. આ લોકસભા ચૂંટણીમાં મમતા બેનરજીની મમત વિરુદ્ધ નરેન્દ્ર મોદી અને અમિત શાહની લડાઇએ ભારે કવરેજ મેળવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન ભારે હિંસા થઇ અને રાજ્યમાં અનેક વખત ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચાર કરતા અટકાવાયા હતા. પ્રચારની ગરમી કહો કે અંગત કડવાશ એટલે સુધી વધી કે મમતા બેનરજીએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને થપ્પડ લગાવી દેવાની પણ વાત કરી નાખી. આમ છતાં, ભાજપે તૃણમુલ કોંગ્રેસની દાદાગીરી સામે જોરદાર લડત આપીને પોતાના પગ મજબૂત કર્યા છે. ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીએ ભવ્ય વિજય મેળવ્યો છે તો લોકસભા ચૂંટણીમાં બીજું સ્થાન મેળવીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. દિલ્હીની વાત કરીએ તો એક સમયે નરેન્દ્ર મોદીને પડકાર આપનારા અરવિંદ કેજરીવાલ માટે અસ્તિત્વ જાળવવાનું પણ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં તો સાતે સાત બેઠકો પર બંને પક્ષોને હરાવી ભાજપે વિજયનું પુનરાવર્તન કર્યું છે.
વિરોધ પક્ષોએ નરેન્દ્ર મોદીને જ નિશાન બનાવ્યા હતા. જોકે, દેશના મતદાતાઓ સમક્ષ મોદી જેવો સબળ નેતા કોઈ ન હતો, જે દેશનું સુકાન હાથમાં લઈ શકે. મમતા બેનરજી હોય કે માયાવતી, શરદ પવાર હોય કે ચંદ્રાબાબુ નાયડુ, ડાબેરી નેતાઓ હોય કે અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ અથવા ખુદ રાહુલ ગાંધી, આ તમામ નેતાઓનો ખુદ વડા પ્રધાન અથવા કિંગમેકર બનવાનો આગવો એજન્ડા હતો. આ તમામ નેતાઓ પાસે તેઓ ભારતની જનતા માટે શું કરશે તેનો કોઈ ચોક્કસ દૃષ્ટિકોણ ન હતો. આ નેતાઓ રાફેલ વિમાનોના સોદામાં કથિત ભ્રષ્ટાચાર, સર્જિકલ સ્ટ્રાઈક સામે આશંકા, ખેડૂતોની અવદશા, બેરોજગારી, નોટબંધી અને મોંઘવારી સહિતના મુદ્દાઓ ટાંકીને નકારાત્મકતા જ દર્શાવતા રહ્યા હતા. છેલ્લે છેલ્લે તો, રાહુલ ગાંધીએ ‘ન્યાય’ યોજના જાહેર કરી ગરીબોને વાર્ષિક રૂપિયા ૭૨,૦૦૦ આપવા જેવાં મોટા વચનોની લહાણી કરી હતી. જોકે, ભારતના ગરીબ અને ખેડૂત મતદાતાએ નરેન્દ્ર મોદીની વાર્ષિક ૬,૦૦૦ રૂપિયાની સહાયમાં તેમજ ઓછી આવકના ધોરણે ૧૦ ટકા અનામતની યોજના પ્રત્યે ભારે વિશ્વાસ દર્શાવ્યો. બેનમૂન કોઠાસૂઝ ધરાવતા મતદાતાઓને વિપક્ષને સત્તાસ્થાને પહોંચાડવામાં ભારે ખતરો દેખાયો આથી જ મોદી તેમજ ભાજપની કામગીરીને આગળ વધારવાનો જનાદેશ આપ્યો છે.
ઉદાર વૈશ્વિકીકરણના સ્થાને રાષ્ટ્રવાદનું મહત્ત્વ વધી રહ્યું છે તેની સાથે જ દુનિયાના દેશોની પારસ્પરિક નિર્ભરતા પણ વધી છે. આવી પરિસ્થિતિમાં દેશને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું મહત્ત્વ દર્શાવી શકે તેવા પ્રતિબદ્ધ નેતાની આવશ્યકતા છે. મોદી સિવાય આવો કોઈ નેતા ન હોવાની લાગણી મતદાતાઓએ દર્શાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ રાજકારણમાં ભારતનો ડંકો વગાડ્યો છે. પુલવામા હુમલા પછી ચીનના ભારે સમર્થન છતાં મસૂદ અઝહરને આખરે વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવામાં ભારતની સફળતા મોદીના વિશ્વપ્રવાસોએ હાંસલ કરેલી નીતિનો જ હિસ્સો છે. સબકા સાથની નીતિ સાથે દેશબાંધવો વડા પ્રધાન મોદીને તેમની નીતિઓમાં સાથ અને સહકાર આપશે તો વિશ્વનેતા બનવાનું સ્વપ્ન સાકાર કરતા ભારતને કોઈ અટકાવી શકે તેમ નથી.
