એવું મનાય છે કે, જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણના ૭૦ વર્ષ બાદ (૨૧૭૫ વર્ષ અગાઉ)ઓશવાળ સમાજ અસ્તિત્વ ધરાવે છે. જૈન આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીજી મહારાજ રાજસ્થાનના ઓશિયા નગરી (એ જમાનાનું ઉપકેશપટ્ટન શહેર)માં પધાર્યા અને એના રાજા તથા પ્રાધાનો સહિત૧૨૫,૦૦૦ ક્ષત્રિયોથી વધુ પ્રજાજનોને જૈન ધર્મ અંગીકાર કર્યો જે જૈન ધર્મીઓ ઓશવાળ કહેવાયા.
ઓશવાળોના જીવનમાં સ્થળાંતરે મહત્વની ભૂમિકા ભજવી છે. લગભગ ૧૦મી સદીમાં ધાર્મિક, રાજકીય અને આર્થિક પ્રતિકૂળતાને કારણે રાજસ્થાનથી સિંધ, પંજાબ અને કચ્છ વિસ્તારોમાં તથા ૧૬-૧૭મી સદીમાં ફરી સિંધમાંથી કચ્છ પ્રયાણ કરવાની એમને ફરજ પડી હતી. પચ્ચીસેક વર્ષ બાદ કચ્છમાંથી કાઠીયાવાડની હાલાર ડીસ્ટ્રીક્ટમાં કચ્છના રાજવી જામ રાવલે જામખંભાળિયામાં તેમની રાજધાની સ્થાપી પોતાના રાજ્યમાં સ્થાયી થવા ઓશવાળો, ભાટીયા અને લોહાણા જ્ઞાતિનાને વસવાટ કરવા પોતાની સાથે લઇ આવ્યા. અને એ રીતે ઓશવાળોનો વસવાટ જામનગર અને
એની આસપાસના બાવન ગામોમાં થયો. આ ઓશવાળો હાલારી વિસા ઓશવાળ કહેવાયા. ઓશવાળોનો મોટો વર્ગ ખેતીમાં અને ગણ્યા ગાંઠ્યા વેપારમાં પ્રવૃત્ત હતા.
૧૯મી સદીના અંત ભાગમાં ફરી એકવાર પથરાળ જમીન અને પાણીના અભાવે ખેતી કામમાં બરકત ન આવતા સ્થળાંતર કરવાની ફરજ પડતા કેટલાક ઓશવાળો મુંબઇ, મધ્ય પ્રદેશ અને હૈદ્રાબાદ વસવાટ માટે ગયા. દરમિયાનમાં કેટલાક યુવા- સાહસિક ઓશવાળો મડાગાસ્કર અને પૂર્વ આફ્રિકામાં કમાણીની તક ઝડપી લેવા નીકળ્યા. એ સમયમાં કેન્યાની રેલ્વેના બાંધકામમાં કામ કરવાની તક ઉભી થતા નાની ૧૦-૧૫ વર્ષની વયે નસીબ અજમાવવા, ઉજ્જવળ ભાવિની શોધમાં વહાણમાં બેસી વિદેશ વાટનું સાહસ ખેડ્યું. ઇ.સ. ૧૮૯૫ની આસપાસ ખારાબેરાજાના વતની શ્રીમાન જેઠા આણંદના કુટુંબીજનો જંગબાર થઇ દરિયાઇ માર્ગે મડાગાસ્કર પહોંચ્યા. સન ૧૮૯૯ની આસપાસ ઓશવાળ કોમના ચાર યુવાનો રાફુદડના શ્રી હિરજી કારા, આંબલાના શ્રી પોપટલાલ વેરસી, પુણિયાના શ્રી દેવજી હિરજી તથા શ્રી નથુ દેવજી વહાણમાં બેસી દરિયાઇ માર્ગે મોમ્બાસા પહોંચ્યા. જેમણે ભારતથી આવતા સમાજના અન્ય સભ્યોને સ્થાયી થવામાં મદદ પૂરી પાડી હતી.
આ સાહસયાત્રા ૧૯૫૦ના દાયકા સુધી ચાલતી રહી. સમય જતા અથાક પરિશ્રમ, ધગશ, દીર્ઘ દ્રષ્ટિ અને સ્વબળે નાના-મોટા વ્યવસાયો અને ઇન્ડસ્ટ્રીના માલિક બન્યા. ભણતર ઓછું પણ ગણતર વધુ. આર્થિક સ્થિતિ સુધરતા સમજાયું કે પોતાની ભાવિ પેઢીના ઉજળાં ભવિષ્ય માટે શિક્ષણ ખુબ જરૂરી છે. પરિણામે શૈક્ષણિક સંસ્થાઓની સુવિધા ઉભી કરી.
યુ.કે. આગમનના ઓશવાળોના બીજ તો ૧૯૩૦થી રોપાયા હતા, જ્યારે પાઁચ ઓશવાળ યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવવા લંડન આવ્યા હતા. બાદમાં પરત ઘરે આવી ગયા હતા. કાયમી સ્થાયી થવાનો સિલસિલો શ્રી કિશોરીલાલ ભારમલ નાગડા (કિશોરભાઇ વિરાણી તરીકે જાણીતા)થી થયો.૧૯૫૫માં પ્રથમ ઓશવાળ હતા જે કાયમી સ્થાયી થવા લંડન આવ્યા. શ્રી મેઘજી પેથરાજ પ્રથમ ઓશવાળ હતા જેમણે લંડનમાં ૧૯૫૭માં બિઝનેસ શરુ કર્યો. યુ.કે.માં સ્થપાયેલ ઓશવાળ એસોસિએશનના તેઓ પ્રથમ પ્રમુખ બન્યા હતા.
૧૯૬૦માં ઇસ્ટ આફ્રિકાના દેશો સ્વતંત્ર થતા ગયા. ૧૯૬૨-૧૯૬૯માં બ્રિટિશ પાસપોર્ટવાળા કેટલાક ઓશવાળ કુટુંબો યુ,કે. સ્થાયી થવા આવ્યા.પરંતુ ૧૯૬૯માં બ્રિટિશ માઇગ્રેશન ઓથોરિટીએ ક્વોટા વાવચર સિસ્ટમ દાખલ થતા ક્રમશ: દર વર્ષે યુ.કે. સ્થાયી થવા આવનારાઓની સંખ્યા વધતી ગઇ. ગ્રેટર લંડનમાં વધુ સંખ્યામાં ઓશવાળો સ્થાયી થયા.
એ સિવાય કેટલાક ઓશવાળો લૂટન, લેસ્ટર, નોર્ધમ્પટન, વેલિંગબરો વગેરે સ્થળોએ સ્થાયી થયા. આજે યુ.કે.ભરમાં ૨૦,૦૦૦ ઓશવાળો વસવાટ કરે છે. મોટાભાગના ઓશવાળોએ ફેક્ટરીમાં કામ શરૂ કર્યું. પરંતુ સાહસિક કોમ હોવાને કારણે નાની કોર્નર શોપ્સ, વિવિધ ક્ષેત્રે હોલસેલીંગ, ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇસીસ, પ્રોપર્ટી ઇનવેસ્ટર્સ અને એન્ટરપ્રુનર્સ જેવા વ્યવસાયોમાં પ્રવૃત્ત બન્યા.
છેલ્લા પચાસ વર્ષમાં નવી પેઢીએ શૈક્ષણિક ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરી ડોક્ટર્સ, એકાઉન્ટન્ટ, લોયર્સ, એન્જીનીયર્સ, ફાર્માસ્ટીસ્ટસ, સાયન્ટીસ્ટ, એકચ્યુરીસ, બેંકર્સ, ટીચર્સ, આઇ.ટી., એસ્ટેટ એજન્ટ્સ આદી અનેક ક્ષેત્રે નામના મેળવી છે. ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે સિગ્મા જેવાની ગણત્રી મિલિયોનર્સમાં પણ થાય છે. ફુડ ક્ષેત્રે ટોપ-અપ-ફુડનું નામ મોખરે છે.
પોતાની સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક ઓળખ સચવાઇ રહે એ માટે સમાજના દીર્ઘ દ્રષ્ટિવાળા મહાનુભાવોએ પોતાની સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો પરિણામે ઓશવાળ એસોસિએશન ઓફ યુ.કે. ની ૧૯૬૮માં સ્થાપના થઇ. ૧૯૭૪માં આ એસોસિએશન પ્રગતિના પ્રતાપે રજીસ્ટર્ડ ચેરિટી બની ગયું. આજે એની લાઇફ મેમ્બરશીપનો આંક ૧૬,૦૦૦થી વધુને આંબી ગયો છે. પોટર્સબારમાં એસોસિએશને ૧૯૮૦માં ૯૦ એકરની પોતાની માલિકીની પ્રોપર્ટી પાંચ લાખ પાઉન્ડમાં ખરીદી હતી. જેમાં લીસ્ટેડ મેન્શન છે. એ સાથે જ બે મોટા હોલ્સ છે, જે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આદર્શ પુરવાર થયા છે. આ સ્થળે લંડનનું પ્રથમ શિખરબંધી, સંગેમરમરનું કલાત્મક ભવ્ય જીનાલય બન્યું છે. એના મૂળ નાયક ભગવાન મહાવીર સ્વામિ છે. આ દેરાસરનું ઉદ્ઘાટન ઓગષ્ટ ૨૦૦૫માં થયું હતું. ગુજરાતી સમાજમાં આટલી મોટી પ્રોપર્ટી કોઇપણ સંસ્થા પાસે નહિ હોય! સમાજની અન્ય પ્રોપર્ટીઓમાં કિંગ્સબરી (નોર્થ વેસ્ટ લંડન)માં આવેલ એકતા સેન્ટર અને હંસલો તેમજ ક્રોયડન ( સાઉથ લંડન)માં છે જ્યાં સ્થાનિક સભ્યો તથા અન્યોને સુવિધા ઉપલબ્ધ થાય છે.
૧૨૦ વર્ષ પહેલા ખેડૂત હાલારી વિશા ઓશવાળ કુટુંબોએ ગરીબાઇને કારણે ભારતથી સ્થળાંતર કર્યું હતું, આજે યુ.કે. માં એમણે બધા જ ક્ષેત્રે અપ્રતિમ સિધ્ધિ હાંસલ કરી છે. માત્ર શૈક્ષણિક, પ્રોફેશનલ્સ, બિઝનેસ કે એન્ટરપ્રુનર તરીકે જ નહિ સામાજિક સેવા ક્ષેત્રે પણ નોંધપાત્ર અનુદાન આપ્યું હોવાને કારણે ડઝનેક ભાઇ-બહેનોને મહારાણી તરફથી એમની બર્થડે અને નવા વર્ષના માનદ્ ખિતાબોમાં માનવંતુ સ્થાન મળ્યું છે. જય ઓશવાળ!!
•••
ઓશવાળ એસોસિએશન યોજીત હેલ્થ મેળાનો લાભ લેવા સૌને આમંત્રણ
રવિવાર ૨ જુન ૨૦૧૯, ઓશવાળ સેન્ટર, પોટર્સબાર, EN6 4DG
સિગ્મા ફાર્માસ્યુટીકલ સહિત અન્ય સ્પોન્સર્સના સહયોગથી ઓશવાળ એસોસિએશનના નેજા હેઠળ હેલ્થ સેમિનારનું આયોજન ૨જુન ૨૦૧૯ના સવારના ૧૦ થી સાંજના ૫.૩૦ સુધી કરવામાં આવ્યું છે. જેમાં વાર્તાલાપો, સેમીનાર્સ, લાઇવ ડેમોન્સ્ટ્રેશન્સ, હેલ્થ ડાયગ્નોસ્ટીક્સ, બેઝીક કન્સલ્ટેશન્સ, વૈકલ્પિક સારવાર અને થેરાપી , હેલ્થ વિષયક કરીયર સહિત અનેક આકર્ષણો છે. મુખ્યત્વે પ્રાથમિક આરોગ્ય અને સુખાકારી તેમજ ભાવિ દરકાર વિષયક અનેક વિષયો આવરી લેવાયા છે. પ્રવેશ ફ્રી છે. વધુ વિગત માટે વીઝીટ www.oshwal.org.uk/ ohcaf
•••

