સંક્ષિપ્ત સમાચાર (બ્રિટન)

Wednesday 29th May 2019 06:55 EDT
 

• ન્યાયતંત્રના બજેટમાં કાપ સામે ટોચના જજનો આક્રોશ

ન્યાયતંત્રના બજેટમાં વધુ કાપ મૂકવામાં આવશે તો કાયદાનું શાસન પડી ભાંગશે તેવી સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ લોર્ડ ન્યૂબર્ગરે ચેતવણી ઉચ્ચારી હતી. દસ વર્ષમાં તેના બજેટમાં ૩૦ ટકાનો કાપ તો થઈ ચૂક્યો છે. તેમણે ઉમેર્યું હતું કે જે લોકો તેમના વિવાદોનું કોર્ટમાં નિરાકરણ નહીં લાવી શકે તેઓ સ્ટ્રીટ્સમાં લડીઝઘડીને તેનો અંત લાવશે.

સ્કૂલની પસંદગીમાં એશિયન પરિવારો વધુ મહત્ત્વાકાંક્ષી

પોતાના બાળકોને સારી સ્કૂલમાં એડમિશન મળે તેના પ્રયત્નોમાં અશ્વેત અને એશિયન માતા-પિતા વધુ મહત્ત્વાકાંક્ષી હોવાનું કેમ્બ્રીજ યુનિવર્સિટીના અભ્યાસમાં જણાયું હતું. માત્ર ૩૯ ટકા પેરન્ટ્સ તેમની લોકલ સ્કૂલને પ્રથમ વિકલ્પ તરીકે પસંદ કરે છે. જ્યારે શ્વેત પરિવારો લોકલ સ્કૂલ સારી હોય કે ન હોય તો પણ તેને જ પહેલી પસંદગી આપે છે. દરમિયાન અશ્વેત અથવા એશિયન બાળકો અથવા બીજી ભાષા તરીકે ઈંગ્લિશ બોલતાં પરિવારો દૂર હોય પરંતુ, કેળવણીમાં સારી હોય તેવી સ્કૂલોમાં જ અરજી કરે તેવી શક્યતા હોય છે.

યુકેમાં બે મિલિયનથી વધુ સ્માર્ટ મીટર બંધ

યુકેમાં બે મિલિયનથી વધુ સ્માર્ટ મીટર કામ ન કરતા હોવાનું નવા સંશોધનમાં સૂચવાયું હતું. ૨૦૧૮ના અંત સુધીમાં લગભગ ૧૫ મિલિયન મીટર ફીટ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૧૨.૫ મિલિયન મીટર કાર્યરત હોવાનું સરકારી આંકડા દર્શાવે છે. આ મીટરો ગેસ અને ઈલેક્ટ્રિસિટી મીટરોના વિકલ્પમાં છે અને એનર્જીનો વપરાશ સરળતાથી નિયંત્રિત કરી શકાય તેવી બનાવટના છે.

૧૦૨ વર્ષીય મહિલાએ પડોશીનું ગળું દાબી દીધું

ફ્રાંસમાં રિટાયરમેન્ટ હોમમાં ૧૦૨ વર્ષીય મહિલાએ ૯૨ વર્ષીય પડોશીની હત્યા કરી હોવાની શંકા છે. પેરિસના નોર્થઈસ્ટમાં ચેઝી - સર- માર્નેમાં આવેલા રિટાયરમેન્ટ હોમમાંથી બીજી મહિલા તેની પથારીમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવતાં તેની ધરપકડ કરીને તેને સાઈકિયાટ્રિક કેરમાં મોકલી અપાઈ હતી.

                                         • ઈંગ્લિશ ટેસ્ટમાં છેતરપિંડી કરનારા હજારો યુકેમાં રહ્યા

ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટમાં છેતરપિંડી કરવાના આરોપ સાથેના હજારો લોકો યુકેમાં રાઈટ ટુ સ્ટે જીતી ગયા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું હતું. ૪,૧૦૦થી વધુ લોકો પર અપ્રામાણિક વર્તનનો આરોપ મૂકાયો હતો તેમને લીવ ટુ રિમેઈન મંજૂર કરાયા હતા. જ્યારે ૩,૬૦૦ લોકો ઈમિગ્રેશનના નિર્ણય સામે અપીલ જીતી ગયા હોવાનું નેશનલ ઓડિટ ઓફિસ દ્વારા જણાવાયું હતું. જોકે, નિર્દોષ લોકો પર ખોટી રીતે આરોપ મૂકાયા બાદ તેમને યુકેમાંથી હાંકી કઢાયા હોય તેવું પણ બની શકે,

                                          • સ્ટ્રોકથી થતાં મૃત્યુમાં એક દાયકામાં ૫૫ ટકાનો ઘટાડો

નવી સારવાર અને સારી સંભાળને લીધે દર્દીઓની બચી જવાની તકો વધી જતાં છેલ્લાં દસકામાં સ્ટ્રોકથી થતાં મૃત્યુમાં ૫૫ ટકા જેટલો ઘટાડો થયો છે. ગાંઠને છૂટી પાડે તેવી દવા, સ્ટ્રોક યુનિટ્સ અને ઘરે ફિઝિયોથેરાપીની સુવિધા આ તમામને લીધે લોકોનું જીવન બચી શકે છે. સ્વસ્થ જીવનશૈલી અને બ્લડ રપ્રેશર તથા કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાના યોગદાનને લીધે પણ ઈંગ્લેન્ડમાં ૨૦૧૦થી ૨૦૨૦ વચ્ચે સ્ટ્રોકથી થતાં મૃત્યુમાં આ ઘટાડો નોંધાયો હોવાનું મનાય છે.

                                      • કેન્સરના દર્દીને બાઈબલ આપનારી નર્સને નોકરીમાંથી પાણીચું

કેન્સરના દર્દીને બાઈબલ આપીને ‘ધ લોર્ડ ઈઝ માય શેફર્ડ’ ગાવાનું કહેવા બદલ નર્સની નોકરીમાંથી કરાયેલી હકાલપટ્ટીને કોર્ટે યોગ્ય ઠેરવી હતી. દર્દીઓ સાથે વારંવાર પોતાના ધર્મની વાત કરવા બદલ અને બાઈબલ આપીને નર્સિંગ એન્ડ મીડવાઈફરી કાઉન્સિલના નિયમોના ભંગ બદલ કેન્ટના ડાર્ટફર્ડમાં આવેલી ડેરન્ટ વેલી હોસ્પિટલમાંથી સારા કુટેને ૨૦૧૬માં નોકરીમાંથી કાઢી મૂકાઈ હતી.

                                               • મેયર દ્વારા ટેક અવે પર મૂકાયેલો પ્રતિબંધ રંગભેદી

સ્કૂલોની નજીક આવેલા ટેકઅવે પર પ્રતિબંધ મૂકીને મેયર સાદિક ખાન રંગભેદી નીતિ આચરી રહ્યા હોવાનું સ્થૂળતા વિશેના પુસ્તકના લેખક એન્થની વોર્નરે જણાવ્યું હતું. બાયોકેમિસ્ટ અને ‘ધ ટ્રૂથ અબાઉટ ફેટ’ પુસ્તકના લેખક અને શેફ વોર્નરે ઉમેર્યું હતું કે મેયરની નીતિ જેન્ટ્રિફિકેશન પર ઢાંકપિછોડા સમાન છે.

                                           • બોલિંગ ફેડરેશન દ્વારા મહિલાઓને શોર્ટ્સ પહેરવા પર પ્રતિબંધ

ઈંગ્લિશ બોલિંગ ફેડરેશને તેના નિયમમાં ફેરફાર કરીને પુરુષોને શોર્ટ્સ પહેરવાની પરવાનગી આપી હતી. જ્યારે મહિલાઓને શોર્ટ્સ પહેરવા પર પ્રતિબંધ મૂકાતા ફેડરેશન લિંગવાદના વિવાદમાં સપડાયું હતું. દેશની સૌથી જૂની રાષ્ટ્રીય બોલિંગ સંસ્થાએ ગયા નવેમ્બરમાં તેની વાર્ષિક સાધારણ સભામાં તેની ગાઈડલાઈન્સમાં સુધારાવધારા કર્યા તે પછીના આ નિર્ણયથી સંસ્થાને ‘સેક્સીસ્ટ’ ગણવામાં આવી રહી છે.

                                              • આગામી ૧૦૦ વર્ષમાં સસ્તન પ્રાણીઓ લુપ્ત થઈ જશે

હાથી, ગેંડા અને હિપોપોટેમસ સહિતના સસ્તન પ્રાણીઓ આગામી ૧૦૦ વર્ષમાં લુપ્ત થઈ જશે. નાના પ્રાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માણસો દ્વારા પ્રાણીઓની ભૂમિ પર અતિક્રમણ વધી રહ્યું હોવાથી આગામી સદીમાં સસ્તન પ્રાણીઓના બોડી માસમાં સામૂહિક રીતે ૨૫ ટકાનો ઘટાડો થશે તેમ સાઉથમ્પટન યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું.

                                            • યુનિવર્સિટીએ મહિલાઓ માટે પ્રવેશ મુશ્કેલ બનાવ્યો

આધુનિક જાપાનમાં સંસ્થાકીય લિંગવાદની પરાકાષ્ઠા ગણી શકાય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જાપાનની ટોકિયો મેડિકલ યુનિવર્સિટીએ ઈરાદાપૂર્વક મહિલાઓને પ્રવેશ મેળવવાનું મુશ્કેલ બનાવી દીધું હતું. આ પૂર્વગ્રહ બાબતે યુનિવર્સિટી ખૂલ્લી પડી ગયા પછી તેણે મહિલાઓને પુરુષો સાથે સમાન ધોરણે સ્પર્ધા કરવાની પરવાનગી આપી હતી અને હવે મહિલાઓ પુરુષો કરતાં પણ સારો દેખાવ કરી રહી છે.

                                              • પુત્રના હત્યારાના છૂટકારા સામે માતાનો રોષ

૨૩ વર્ષ અગાઉ કેન્ટમાં M 25 સ્લિપ રોડ પર કેનેથ નોયેએ સ્ટીફન કેમરનની હત્યા કરી હતી. તેને આજીવન કેદની સજા ફરમાવાઈ હતી. નોયેની ઉંમર હાલ ૭૨ વર્ષ થઈ છે. તેને છોડવા માટે પેરોલ બોર્ડે ચૂકાદો આપ્યો હતો કે તે ગુસ્સા પર કાબૂ રાખતા શીખી ગયા છે અને હવે તે અન્ય માટે જોખમરૂપ નથી. નોયે તેના છૂટકારા માટેના પેપર્સ તૈયાર કરી રહ્યા છે. કેમરનની ૭૨ વર્ષીય માતા કેન કેમરને આ ચૂકાદા સામે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું,‘ આજીવન કેદનો અર્થ આજીવન કેદ થવો જોઈએ. તેમણે (પેરોલ બોર્ડે) આ નિર્ણય લીધો છે તે હું માની શકતી નથી.

                                                  • સ્વસ્થ જીવન માટે શિક્ષણ શ્રેષ્ઠ દવા

વ્યક્તિ ભણવામાં સાડા ત્રણ વર્ષ ગાળે તો તેના બીએમઆઈનો એક પોઈન્ટ ઘટે છે તેવું જણાયા બાદ ડિગ્રીનો અભ્યાસ કરવાથી લોકો સ્લિમ અને સ્વસ્થ રહી શકે તેવું સંશોધનકારોનું માનવું છે. અગાઉ વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું હતું કે અભ્યાસમાં વ્યસ્ત રહેતી વ્યક્તિને સ્ટ્રોક અને હાર્ટ એટેક સામે લાંબા ગાળા સુધી રક્ષણ મળે છે. પરંતુ, કયા કારણસર રક્ષણ મળે છે તે જાણી શકાયું નથી.

                                               • સ્ટેફર્ડશાયર કાઉન્સિલ ટેક્સી રેન્ક ખસેડશે

સ્ટેફર્ડશાયર સિટી કાઉન્સિલ ૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરીનેશહેરની મધ્યમાં આવેલ ટેક્સી રેન્કને ત્યાંથી હટાવી દેશે કારણ કે રસ્તા અને ફૂટપાથ (કર્બ ) વચ્ચેની ઉંચાઈ ખૂબ વધારે હોવાથી નશાની હાલતમાં હોય તેવા લોકો ત્યાં પડી જાય છે. સ્ટેફર્ડશાયર પોલીસ ન્યૂકાસલ-અન્ડર-લાઈમની હેસલ સ્ટ્રીટમાં હવે કારની લાઈન લાગે તેવું ઈચ્છતી નથી કારણ કે છ ઈંચ ઉંચા સ્ટેપ પરથી લોકો પડી જાય છે.

                                           • સેક્સ ઓફેન્ડરને ટ્રેનમાં શોર્ટ્સ પહેરવાની મનાઈ

કોર્ટે ટ્રેનમાં શોર્ટ્સ પહેરીને મહિલાઓને ભયભીત કરનારા નોર્થ યોર્કશાયરના સ્કારબરો નજીકના કેયટનના ૫૮ વર્ષીય બ્રાયન હેવુડ પર ટ્રેનમાં શોર્ટ્સ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે ટ્રેનમાં સિલ્કી રનીંગ શોર્ટસ પહેરતો અને ટ્રેનમાં ઈરાદાપૂર્વક મહિલાઓ સાથે બેસતો હતો.

                                       • વિવિધતા વધારવા ઓક્સબ્રીજ જૂના સ્ટાફને રિટાયર કરી શકે

વિવિધતાને વેગ આપવા માટે ઓક્સફર્ડ અને કેમ્બ્રીજ યુનિવર્સિટી તેના જૂના પ્રોફેસરોને બળજબરી પૂર્વક રિટાયર કરી શકે તેમ એક ટ્રિબ્યુનલના ચૂકાદામાં સૂચવાયું હતું. અગ્રણી શેક્સપિયર સ્કોલર અને ઓક્સફર્ડમાં સેન્ટ જહોન્સ કોલેજના ફેલો પ્રો. જહોન પીચરે દાવો કર્યો હતો કે યુવાન અને જૂદી જૂદી જાતિના શિક્ષણવિદોને સામેલ કરવા માટે તેમને ૬૭ વર્ષની વયે નોકરીમાંથી અયોગ્ય રીતે બળજબરીપૂર્વક કાઢી મૂકાયા હતા.

                                        • ગુનેગાર રજા માણી શકે તે માટે જજે સજાની સુનાવણી ટાળી

કાર્ડિફ ક્રાઉન કોર્ટના જજ જેરેમી જેનકિન્સે ટેસર, બેટન અને કોકેન, એક્સટસી અને કેનાબી રાખવા બદલ ગુનેગાર ઠરેલા અને જેલની સજાની સુનાવણીનો સામનો કરી રહેલા ૫૧ વર્ષીય કોલિન વોટસન રજાઓ માણી શકે તે માટે સજાની સુનાવણી ૩૧ મે સુધી મુલતવી રાખી હતી. ન્યૂપોર્ટમાં પોલીસે અટકાવ્યા બાદ વોટસને તેમનો ગુનો કબૂલી લીધો હતો.

                                              • આમ્સ્ટર્ડમમાં માગ્યા વિના મટન નહીં મળે

આવતા વર્ષથી આમ્સ્ટર્ડમની લોકલ ઓથોરિટી તેના મ્યુનિસિપલ બિલ્ડિંગોમાં કેટરિંગ સાથેના ઈવેન્ટમાં વેજિટેરિયન ફૂડ જ પીરસશે. ઉપસ્થિત લોકો વિનંતી કરશે તો જ તેમને મીટની વાનગી પીરસવામાં આવશે. મૂળ યોજના તો વેગન ફૂડ જ પીરસવા માટેની હતી પરંતુ, ડેરીની પ્રોડક્ટ્સ પસંદ કરતા નેધરલેન્ડમાં તે ખૂબ દૂરની વાત હતી. શહેરના ચાર ગઠબંધન પક્ષોએ આ વિચારને મંજૂરી આપી હતી.

                                        • સીટબેલ્ટ ન પહેરનારી મહિલાનું કાર અકસ્માતમાં મૃત્યુ

કારને અકસ્માત નડતાં કારની વિન્ડોમાંથી બહાર ફેંકાઈ જવાને લીધે ૫૮ વર્ષીય સારા ઈવાન્સનું મૃત્યુ થયું હતું. તેણે સીટબેલ્ટ પહેર્યો ન હતો, તેથી તે અકસ્માત વખતે બહાર ફેંકાઈ ગઈ હતી. જોકે, તેને હર્નિયાની બીમારી હોવાથી ડોક્ટરે કાર મુસાફરી વખતે સીટબેલ્ટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. તેની પુત્રી કાર ચલાવી રહી હતી અને તેણે M 4 સેન્ટ્રલ રિઝર્વેશનમાં કાર ટકરાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો.

                                              • યુવાનો પૂરતો પરીશ્રમ કરતા નથી

એવોર્ડ વિજેતા લેખક ડેનિયલ સ્ટીલના જણાવ્યા મુજબ અત્યારના યુવાનો કઠોર પરીશ્રમનો સાચો અર્ત જાણાતા નથી અને દરેક વખતે બધું ખૂબ સારું હોવાની જ અપેક્ષા રાખે છે. ૧૭૯ પુસ્તકો લખનારા અને દિવસના ૨૦ કલાક કામ કરતા હોવાનું કબૂલનારા ૭૧ વર્ષીય સ્ટીલે જણાવ્યું હતું કે સખત મહેનતમાં લોકો પોતાની જાત હોમી નાખે છે તે વિચાર આ ‘સદીની વ્યથા’ છે.

• ‘ઈટ, પ્રે, લવ’ની અમેરિકન લેખિકા એલિઝાબેથનો ખુલાસો

બેસ્ટસેલીંગ જીવનચરિત્ર ‘ઈટ, પ્રે, લવ’ની ૪૯ વર્ષીય અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટે જણાવ્યું હતું કે તે તેની નવી નવલકથા ‘સિટી ઓફ ગર્લ્સ’ લખતી વખતે તેની સ્વર્ગસ્થ પાર્ટનરના બેડ પર સૂતી હતી અને તેના ડેસ્ક પર બેસતી હતી. આ રીતે તે તેની પાર્ટનર રય્યા ઈલિયાસને એવું કહેવા માગતી હતી, ‘હું ઈચ્છું કે આ નવલકથા આપણે બન્નેએ સાથે મળીને લખી હોત.’ ૨૦૧૬માં તેની ૧૫ વર્ષની મિત્ર ઈલિયાસને અસાધ્ય પેન્ક્રિયાસ અને લીવરના કેન્સરનું નિદાન થયું હતું.

                                   • સાચા મિત્રો બનાવવા વિદ્યાર્થિનીઓના મોબાઈલ ફોન લઈ લેવાયા

બ્રિટનની એક અગ્રણી ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલ તેની વિદ્યાર્થિનીઓને યોગ્ય રીતે મિત્રો કેવી રીતે બનાવવા અને એકબીજા સાથે કેવી રીતે વાત કરવી તે શીખવાડવા માટે તેમના મોબાઈલ ફોન વિના તેમને બીગ બ્રધર્સ સ્ટાઈલના એકાંત સ્થળે મોકલે છે. સ્કૂલ તેમને તાજી હવા આવતી હોય અને વાઈ- ફાઈ ન હોય તેવા કન્ટ્રી હાઉસમાં એક અઠવાડિયુ રહેવા મોકલવા માગે છે. તેમને આશા છે કે ત્યાં તેઓ એકબીજા સાથે વોટ્સએપીંગ અને ઈન્સ્ટાગ્રામ પર ફોટા લાઈક કરવાને બદલે એકબીજા સાથે રૂબરુ વાત કરશે.

                                          • ઈંગ્લિશ ચેનલ પાર કરતા ૫૦ માઈગ્રન્ટ પકડાયા

તાજેતરમાં ૫૦થી વધુ માઈગ્રન્ટ્સ ઈંગ્લિશ ચેનલ પાર કરતા ઝડપાયા હતા. કેન્ટના દરિયાકિનારે ૩૨ અને ડોવરના દરિયામાં આઠ બાળકો સહિત ૨૦ લોકો ઝડપાયા હોવાનું હોમ ઓફિસ દ્વારા જણાવાયું હતું.

                                        • દેખાવને લીધે નોકરીમાં ભેદભાવની યુવાનોની ફરિયાદ

નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો પૈકી લગભગ અડધા જેટલા કદરૂપા યુવાનોને તેમનો દેખાવ સારો ન હોવાથી નોકરી માટે પસંદ કરાયા ન હોવાનું નવા સર્વેમાં જણાયું હતું. અગ્રણી ચેરિટીએ સમાનતાના કાયદા વધુ કડક બનાવવાની માગણી કરી હતી. યુકેમાં લગભગ ૧.૩ મિલિયન લોકો બેડોળ છે જેમાં ૫૬૯,૦૦૦ લોકોના ચહેરા સારા નથી.

                                        • બ્રિટનમાં સાત વર્ષમાં કોકેનનો વપરાશ બમણો થયો

છેલ્લાં સાત વર્ષમાં બ્રિટનમાં કોકેનનો વપરાશ બમણાથી પણ વધી ગયો છે. આ ડ્રગની શુદ્ધતા વિક્રમજનક ઉંચાઈએ પહોંચી હોવાનું બ્રિટનના વેસ્ટ વોટરના વિશ્લેષણમાં જણાયું હતું. લંડનમાં આ ડ્રગના દરરોજ લગભગ ૨૦૦,૦૦૦ ડોઝ લેવાય છે. તેના હાલના ભાવ મુજબ તેની કિંમત ૭૦૦,૦૦૦ પાઉન્ડ થાય છે.

                                   • કેર હોમ્સ અંગે ફરિયાદોના નિકાલની પદ્ધતિ બદલવા દબાણ

૯૫ વર્ષની મહિલા પર અત્યાચાર બાદ તેના પરિવારને વળતર મેળવવા માટે ચાર વર્ષ સુધી રાહ જોવી પડી હતી. આ કિસ્સાને લીધે કેર હોમ્સ અંગેની ફરિયાદોના નિકાલની પદ્ધતિ બદલવા માટે સરકાર પર દબાણ ઉભું થયું હતું.

                                    • શેમ્પુ અને ક્રોકરીના ખર્ચનો પણ ક્લેઈમ કરતા ન્યાયાધીશો

બ્રિટનના સૌથી સિનિયર જજોએ ક્રોકરી, શેમ્પુ અને પ્રસંગોમાં પહેરવા માટેના વસ્ત્રો લાવવા માટે ટેક્સી ભાડું ક્લેઈમ કર્યું હોવાનું ‘ધ ડેઈલી ટેલીગ્રાફ’ દ્વારા પ્રકાશમાં આવ્યા બાદ જ્યુડિશિયરી માટે નવી ખર્ચ નીતિ અમલમાં મૂકાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સના ન્યાયતંત્રના હાઈ-પ્રોફાઈલ ન્યાયાધીશો ઓછામાં ઓછો ૧૮૦,૦૦૦ પાઉન્ડનો પગાર મેળવતા હોવા છતાં રોજબરોજની ચીજવસ્તુઓ તેમજ ફર્સ્ટ ક્લાસ ટ્રેનની મુસાફરીના ક્લેઈમ કેવી રીતે મંજૂર કરાવ્યા હતા તે ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ મેળવવામાં આવેલી ખર્ચની વિગતોમાં જણાયું હતું.

                             • શરાબ પીને કાર હંકારતા ફૂટબોલ ખેલાડી પર ૨૦ મહિનાનો પ્રતિબંધ

નિયત મર્યાદા કરતાં બમણું શરાબસેવન કરીને ૧૨૫,૦૦૦ પાઉન્ડની રેન્જ રોવર દીવાલમાં અથડાવી દેનારા ચેલ્સી FC ના ફૂટબોલ ખેલાડી ડેની ડ્રીંકવોટર પર સ્ટોકપોર્ટ મેજિસ્ટ્રેટ કોર્ટે ડ્રાઈવિંગ કરવા પર ૨૦ મહિનાનો પ્રતિબંધ મૂકાયો હતો. ૨૯ વર્ષીય ડેનીની કારને ૫૦,૦૦૦ પાઉન્ડનું નુક્સાન થયું હતું અને તેના કપાળ પર ઉઝરડા પડ્યા હતા. તેની કારમાં તેની સાથે બે મહિલા પણ હતી.


comments powered by Disqus