BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. અગાઉ તેમણે ૨૪ મે સુધી નડિયાદમાં વિચરણ કર્યું હતું. ૨૩મીએ તેમની નિશ્રામાં સમર્પણ દિન ઉજવાયો હતો. સવારે તેમણે ત્રણ હરિ મંદિરોની પ્રતિષ્ઠા અને બે હરિમંદિરોનું ઈષ્ટિકા પૂજન કર્યું હતું. તે દિવસે લોકસભા ચૂંટણીની મતગણતરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પુનઃ જીત નિશ્ચિત થતાં પૂ. મહંત સ્વામીએ તેમને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો. ૨૩મીએ સાંજે તેમણે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને યુનિવર્સિટીની મેડિકલ કોલેજ શરૂ થતાં સંચાલકોને આશીર્વાદ પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ નડિયાદમાં બની રહેલા નૂતન BAPSશ્રી સ્વામીનારાયણ મંદિરની મુલાકાત પણ લીધી હતી અને કામકાજનું નિરીક્ષણ કરવાની સાથે એક સ્તંભનું પૂજન કર્યું હતું. ૨૪મીએ તેઓ નડિયાદથી સારંગપુર પધાર્યા હતા. તે દિવસે સુરતમાં આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે પૂ. મહંત સ્વામીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને તેમના આત્માની શાંતિ તેમજ ઘાયલો વહેલી તકે સાજા થાય તે માટે ધૂન કરાવી હતી.
૨૬મીને રવિવારે રવિસભાનું યોજાઈ હતી. તેમાં પૂ. મહંત સ્વામીએ અબુધાબીમાં નવા મંદિરનો શિલાન્યાસ કર્યો તેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરાયો હતો. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ આ વખતે આપણને ભગવાન મળ્યા છે. કાળ, કર્મ, માયાથી પર થયા છીએ. સાચા ભાવથી ભક્તિ કરવી તો એનું ફળ મળે. બધા શાસ્ત્રોનો સાર આ છે - ભગવાનને રાજી કરી લેવા.’ સારંગપુરમાં રોકણ દરમિયાન પૂ. મહંત સ્વામીની નિત્ય પ્રાતઃપૂજામાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહે છે. તેમની પૂજા અને આશીર્વાદનો લાભ લે છે. પૂ. મહંત સ્વામી દરરોજ પ્રમુખ મંદિરમમાં પધારીને હરિભક્તોને દર્શન આપે છે.
૨૮મીથી સારંગપુરમાં અખિલ ભારતીય બાળ અધિવેશનનો પ્રારંભ થયો હતો. તેમાં દરેક ઝોનમાંથી પસંદગી પામીને આવેલા બાળકો અને બાલિકાઓ મુખપાઠ, ગાયન અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

