GHSના ઉદાર દાતા સ્વ. છોટુભાઈ પટ્ટણીની શોકસભા યોજાઈ

Wednesday 07th August 2019 06:27 EDT
 
 

GHSના પેટ્રન છોટુભાઈ પટ્ટણીનું તાજેતરમાં દુઃખદ અવસાન થયું હતું. સદગતના માનમાં ખાતે શોકસભાનું આયોજન કરાયું હતું. તેઓ સંસ્થાના પેટ્રન હતા અને ૧૯૭૫માં જ્યારે જૂની સ્કૂલ ખરીદવામાં આવી ત્યારથી તેઓ સંસ્થાને મદદ કરતા હતા. GHSને છોટુભાઈનો પરીચય ગુજરાત સમાચારનાં કુસુમબેન શાહ અને છોટુભાઈના મિત્ર શ્રી કપૂરે કરાવ્યો હતો

GHS નવીનીકરણ માટે ફંડ એકત્ર કરવામાં મુશ્કેલી અનુભવી રહી હતી ત્યારે છોટુભાઈએ ૫૦૧ પાઉન્ડનું ડોનેશન આપ્યું હતું અને આ કામગીરી પૂર્ણ થવામાં મુશ્કેલી પડે તો ઉપયોગ કરવા માટે સહી કરેલો રકમ ભર્યા વિનાનો કોરો ચેક આપ્યો હતો.

તે દિવસથી જ છોટુભાઈ સોસાયટી માટે પ્રેરણાસ્રોત બની ગયા હતા. તેઓ બેરિસ્ટર હતા અને ઘણી હિંદુ સંસ્થાઓને તેમનું બંધારણ લખી આપવામાં મદદ કરી હતી. સનાતન સેવા મંડળ દ્વારકાને મદદ કરવામાં તેઓ મોખરે હતા. આ સંસ્થા શરૂ થઈ ત્યારે તેની કોઈ મિલ્કત ન હતી, તેમાં સ્વામી કેશવાનંદજીના નેતૃત્વ હેઠળ માત્ર બે બાળકો જ હતા. અત્યારે સનાતન સેવા મંડળની એક સ્કૂલ છે અને તે ૧,૦૦૦ બાળકોને શિક્ષણ આપે છે. છોટુભાઈ સખાવતી હતા. ૧૯૯૬/૨૦૦૦માં તેમણે GHS કોમ્યુનિટી સેન્ટર/ટેમ્પલના રિડેવલપમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સદગતને અંજલિ આપવા અને તેમના પરિવારને સાંત્વના પાઠવવા માટે શોકસભામાં ૧૦૦થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. છોટુભાઈના પુત્ર રોહિતભાઈએ તેમના સ્વર્ગસ્થ પિતા છોટુભાઈ પટ્ટણીની સ્મૃતિમાં શોકસભાનું આયોજન કરવા બદલGHSનો આભાર માન્યો હતો. ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ અને સુરેન્દ્રભાઈ પટેલ શોકસભામાં હાજર રહી શક્યા ન હતા પરંતુ, તેમણે શોકસંદેશો પાઠવીને તેમની લાગણી રજૂ કરી હતી.

વધુ માહિતી માટે સેન્ટર પર દશરથભાઈ અથવા ઈશ્વરભાઈનો ફોન નં. 01772 253 901પર સંપર્ક કરવો.


comments powered by Disqus