સમગ્ર ભારત માટે ઓગસ્ટ મહિનો વધુ ઐતિહાસિક બની રહ્યો છે. ઓગસ્ટ ૧૯૪૭ની ૧૫ તારીખે ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી તેના ૭૨ વર્ષ પછી પાંચ ઓગસ્ટે નવો ઈતિહાસ લખાયો છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ઐતિહાસિક, ક્રાંતિકારી અને દૂરગામી પગલાં થકી ભારતીય સાર્વભૌમત્વ પર આડખીલી સમાન એવા જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનારા ભારતીય બંધારણીય અનુચ્છેદ-૩૭૦ને રદ કરી દેવાયો છે. આટલું જ નહિ, જમ્મુ અને કાશ્મીર રાજ્યનું બે ભાગમાં વિભાજન કરવા સાથે એક તીરથી અનેક લક્ષ્ય વીંધવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખને કેન્દ્રશાસિત વિસ્તારો જાહેર કરી દેવાયા છે, જેમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ધરાવતું રાજ્ય રહેશે જ્યારે લદાખ સંપૂર્ણપણે આંદામાન-નિકોબાર દ્વિપસમૂહની જેમ કેન્દ્રશાસિત વિસ્તાર રહેશે. સૌથી મહત્ત્વની અને નોંધપાત્ર બાબત એ રહી કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપ ગઠબંધન જ્યાં લઘુમતીમાં છે તેવી રાજ્યસભામાં સૌપ્રથમ આની જાહેરાત કરી સહુને ચોંકાવી દીધા. કોંગ્રેસ સહિતના વિપક્ષ હજુ આઘાતમાંથી બહાર આવ્યા નથી. જોકે, બસપ, તેલુગુ દેસમ્, ‘આપ’, બીજેડી સહિતના વિરોધ પક્ષોએ સરકારના પગલાનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને ૧૨૫ વિરુદ્ધ ૬૧ મતથી અનુચ્છેદ ૩૭૦ને નિષ્ક્રિય બનાવતા તેમજ રાજ્યનું પુનર્ગઠન કરતા બિલને મંજૂરી પણ મળી ગઈ છે. લોકસભામાં તો ભાજપની બહુમતીના કારણે આ બિલને મંજૂરી મળશે જ તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
છેલ્લા ઘણાં દિવસોથી કાશ્મીરમાં મોટા પાયે લશ્કરી દળો તહેનાત કરાવા સાથે સહુના મનમાં પ્રશ્નો ઘૂમરાઈ રહ્યા હતા કે નરેન્દ્ર મોદી સરકાર કાશ્મીરમાં કોઇક અભૂતપૂર્વ પગલું ભરવાની તૈયારી કરી રહી છે. જેટલાં મોઢાં હતાં તેટલી વાતો, અફવા, અટકળો કે અનુમાનો આવી રહ્યાં હતાં. રાજ્યમાં મોટા આતંકવાદી હુમલા અને ઘૂસણખોરીની સંભાવના આગળ ધરીને અમરનાથ અને માછીલયાત્રા અધવચ્ચે અટકાવી દેવાઈ તેમ જ યાત્રિકો અને પર્યટકોને તત્કાળ કાશ્મીર છોડી જવા જે રીતે સૂચના અપાઈ તેનાથી અટકળોને ભારે વેગ મળ્યો હતો. ચોંકાવનારા નિર્ણયો લેવા માટે પ્રખ્યાત બનેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ પગલાથી સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહની લહેર છવાઈ ગઈ છે. વડા પ્રધાન મોદીની રાજકીય ઈચ્છાશક્તિનું જ આ પરિણામ છે. બહુમતી ભારતીય નાગરિકોને આ દિવસની પ્રબળ ઝંખના હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પૂર્વ જનસંઘના સમયથી જ કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ હટાવવા મુદ્દે માગણી થતી જ રહી છે. ભારતીય જનતા પક્ષના ચૂંટણી ઘોષણાપત્રમાં પણ આ મુદ્દો આવ્યો જ છે. છેલ્લે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૫-એ અને ૩૭૦ નાબૂદ કરવાનો પુનરોચ્ચાર કર્યો જ હતો.
હકીકત તો એ છે કે અનુચ્છેદ ૩૭૦ અન્વયે સાર્વભૌમ ભારત દેશમાં જ જમ્મુ અને કાશ્મીરને ‘સ્વાયત્ત દેશ’ તરીકેના અધિકારો ભોગવવા મળ્યા હતા. રાજ્યને અલગ બંધારણ મળ્યું હતું અને રાજ્ય સરકારની સંમતિ વિના દેશમાં પસાર કરાયેલા કાયદા ત્યાં અમલી બનાવી શકાતા ન હતા. ખરેખર તો ‘ધ કોન્સ્ટિટ્યુશન (એપ્લિકેશન ટુ જમ્મુ એન્ડ કાશ્મીર) ઓર્ડર, ૧૯૫૪’ના હિસ્સા તરીકે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ દ્વારા ભારતીય નાગરિકો માટે પ્રતિબંધસમાન સંપત્તિ નહિ ખરીદવા અને કાશ્મીરીઓ સાથે લગ્નસંબંધ નહિ બાંધવા સહિતના ખાસ કાયદા કે અપવાદરૂપ જોગવાઈઓને અનુચ્છેદ ૩૫-એ તરીકે જાહેર કરાઈ હતી. સત્તાનશીન કોંગ્રેસ સહિતની રાજ્ય સરકારો તે બદલવા ઈચ્છતી ન હતી કારણ કે તેમનો રાજકીય ગરાસ છીનવાઈ જતો હતો. આના પરિણામે, જમ્મુ અને કાશ્મીર રાજ્ય અત્યાર સુધી ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૦ અન્વયે વિશિષ્ટ દરજ્જા સાથે વિશેષાધિકારો ભોગવી રહ્યું હતું. નવાઈ અને વિડંબનાની વાત એ છે કે બંધારણમાં અનુચ્છેદનું વર્ણન હંગામી તરીકે જ થયું હોવાં છતાં ૭૦ - ૭૦ વર્ષ સુધી તેને કાયમી જ ગણવામાં આવ્યું છે. બંધારણના અનુચ્છેદ ૩૭૦ (૩)માં જ આ કામચલાઉ કાયદાને રિવોક એટલે કે ફેરવી તોળવાની જોગવાઈ છે અને એ સત્તા બંધારણે આ અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને આપેલી જ છે. કોંગ્રેસે વર્ષો સુધી વિશાળ બહુમતી સાથે શાસન કર્યું છતાં વિશિષ્ટ દરજ્જો આપતા કાયદાને બદલવાનું સાહસ કર્યું નથી. આનું કારણ એ પણ હોઈ શકે કે કોંગ્રેસી નેતાઓ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ભૂમિકાને તેઓ જાહેરમાં ‘હિમાલિયન બ્લન્ડર’ તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં. કોંગ્રેસ સહિતની સરકારો રાજકીય લાભો મેળવતી રહી અને રાજ્યમાં એક રીતે આતંકવાદને પોષતી જ રહી છે. જમ્મ-કાશ્મીર રાજ્ય માત્ર અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવારો માટે રાજકીય દુઝણી ગાય બની ગયું હતું. કાશ્મીર ભડકે બળશે તેવો હુંકાર કરનારા મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા કે સજ્જાદ લોન જેવાઓનું સ્થાન જેલમાં કે નજરકેદમાં રહેશે તે સરકારે મક્કમપણે બતાવી દીધું છે.
નવી પરિસ્થિતિમાં મોદી સરકારે અનુચ્છેદ ૩૭૦ દૂર કરવા સાથે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો વિશિષ્ટ દરજ્જો રાતોરાત બદલી નાખ્યો છે. અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયા પછી સૌથી મોટું અને દૂરગામી પરિવર્તન એ રહેશે કે જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સંવિધાન સર્વોપરી બની રહેશે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ૧૭ નવેમ્બર ૧૯૫૬થી આગવું બંધારણ અમલી બનાવાયું હતું. જમ્મુ-કાશ્મીરનું તથાકથિત બંધારણ પણ બેઅસર બની જશે. જમ્મુ-કાશ્મીરનો આગવો ધ્વજ ધ્વસ્ત થઈને ભારતીય રાષ્ટ્રધ્વજ ‘તિરંગો’ પ્રસ્થાપિત થશે. અન્ય રાજ્યોની માફક જ વિધાનસભાની મર્યાદા પાંચ વર્ષની થઈ જશે, જેનો કાર્યકાળ અત્યાર સુધી છ વર્ષનો હતો. દેશના અન્ય નાગરિકો પણ જમ્મુ કાશ્મીરમાં જમીન-મકાન સહિતની સંપત્તિ ખરીદી શકશે. જમ્મુ કાશ્મીરના લોકોની બેવડી નાગરિકતાનો અંત આવશે અને તેઓ માત્ર ભારતના નાગરિક કહેવાશે. વિચિત્રતા તો એ હતી કે અત્યાર સુધી કોઈ પાકિસ્તાની નાગરિક કાશ્મીરની યુવતી સાથે લગ્ન કરે તો તેમને આપમેળે ભારતની નાગરિકતા મળતી હતી, પરંતુ નવી પરિસ્થિતિમાં તે ભારતનો નાગરિક બની શકશે નહિ. આવી જ રીતે કાશ્મીરી યુવતી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરી નાગરિકતાનો અંત આવી જતો હતો, તેનો સંપત્તિમાંથી અધિકાર પણ નષ્ટ થઈ જતો હતો, પરંતુ હવે આ સ્થિતિ બદલાશે.
આર્ટિકલ ૩૭૦ના લીધે જમ્મુ-કાશ્મીરના સ્થાયી નાગરિકોને જ મતાધિકાર મળતો હતો. દેશના અન્ય રાજ્યના લોકો અહીં મત આપી શકે નહિ તેમજ ચૂંટણીમાં ઉમેદવારી કરી ન શકે તેવી પરિસ્થિતિનો અંત આવી જશે. રાજ્યની સરકારી નોકરીઓમાં અન્ય રાજ્યના ઉમેદવારો પણ અરજી કરી શકશે અને નોકરી પણ મેળવી શકે છે. કાશ્મીર ધરતીનું સ્વર્ગ છે અને રહેશે, પરંતુ અનુચ્છેદ ૩૭૦ના કારણે બહારના નાગરિકો જમીન ખરીદી ઉદ્યોગો સ્થાપી ન શકતા હોવાથી કાશ્મીરમાં પર્યટન સહિતના ઉદ્યોગોનો વિકાસ શક્ય બન્યો નથી. હવે કાશ્મીરના વિકાસના દરવાજા પણ ખુલી જશે. નરેન્દ્ર મોદીનો ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ મંત્ર કાશ્મીર પણ અપનાવી લેશે તેમાં જરા પણ શંકા નથી. ગૃહ પ્રધાન અમિત શાહના કહેવા અનુસાર કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને દેશમાં સૌથી વિકસિત રાજ્ય બનાવવા માટે કટિબદ્ધ છે. આ પગલાથી કાશ્મીરમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબીના દુષણોનો તદ્દન અંત નહિ આવે તો પણ નોંધપાત્ર ઘટાડો થશે તે નિશ્ચિત છે. બંધારણના અનુચ્છેદ ૩૫-એ અને ૩૭૦ની નાબૂદીથી રાજ્ય સરકારની ભૂમિકા હવે મર્યાદિત થવાના સંજોગોમાં કાશ્મીરમાં અત્યાર સુધી અસ્થિરતા અને અરાજકતા માટે જવાબદાર વિભાજનવાદીઓ અને અલગતાવાદીઓનું વર્ચસ્વ ખતમ થઈ જશે તે નિર્વિવાદ છે.
પડોશી અને કાશ્મીરમાં પ્રોક્સી યુદ્ધ લડતા રહેલા પાકિસ્તાનની તો ભારતના આ પગલાથી ઊંઘ જ ઉડી ગઈ છે. પાકિસ્તાન સરકાર, આર્મી કે જાસૂસી સંસ્થાએ આવા પગલાની કલ્પના પણ કરી નહિ હોય. પાકિસ્તાનના અગ્રણી દૈનિક ‘ધ ડોન’એ તો સાચું જ લખ્યું છે કે સમગ્ર કાશ્મીરને પોતાનું કરવાના પાકિસ્તાનના સ્વપ્નનો મિસ્ટર મોદીએ મૃત્યુઘંટ વગાડયો છે.
