ગાંધીનગરમાં પૂ. મહંત સ્વામીએ ક્હયું, ‘સત્સંગ કરે છે એને બહુ મોટી પદવી મળે છે’

Wednesday 07th August 2019 06:05 EDT
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગાંધીનગર ખાતે બિરાજમાન છે. પૂ.મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. તેમની નિશ્રામાં વિવિધ દિનની ઉજવણી થઈ રહી છે. અગાઉ અટલાદરામાં ૩૦ જુલાઈએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં બાળદિનની ઉજવણી કરાઈ હતી. તેમાં સવારે લગભગ આઠ વર્ષ સુધીની વયના આઠ બાળકોએ ‘સહજાનંદ નામાવલિ’નો મુખપાઠ રજૂ કર્યો હતો. સાંજની સભામાં બાળકોએ નૃત્ય અને સંવાદ સાથે સત્સંગમાં કેવા બાળકો નિયમધર્મનું પાલન કરે છે, વ્યસનમુક્ત, આજ્ઞાકારી અને સંસ્કારી જીવન જીવે છે તે દર્શાવ્યું હતું. ૩૧મીએ અન્નકૂટ દિન ઉજવાયો હતો. તે નિમિત્તે મંદિરના ત્રણેય ખંડમાં ભગવાનની મૂર્તિઓ સમક્ષ વિવિધ ૭૫ - ૭૫ વાનગીનો અન્નકૂટ ધરાવાયો હતો. આવતા વર્ષે અટલાદરા મંદિરને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે મહાઅન્નકૂટનું આયોજન થવાનું છે તેની સભામાં જાહેરાત કરાઈ હતી. ૧લી ઓગસ્ટે પૂ. મહંત સ્વામી અટલાદરાથી ગાંધીનગર પધાર્યા હતા.૩જીએ ગ્રામ્ય વિસ્તારના તેમજ ૪થીએ શહેરી વિસ્તારના હરિભક્તો માટે સમીપ દર્શન યોજાયા હતા. ૩જીએ પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘અવગુણ આવે તો બ્રેક મારવાની, તરત પાછા વળવાનું નહીં તો તમને ક્યાંય ખાડામાં નાખે.’ ૪થીએ સવારના સત્રમાં આશીર્વચનમાં તેમણે ક્હયું,‘ ભગવાને માયા રાખી છે તેનું કારણ છે, સત્સંગ કરે છે એને બહુ મોટી પદવી મળે છે.’ વધુમાં તેમણે કહ્યું,‘ માયાથી પર થવાનું બહુ મોટું ઈનામ મળે છે.’૫મીએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં યુવાદિન ઉજવાયો હતો. તેમાં .યુવાનોએ કીર્તનો ગાયા હતા અને મુખપાઠ રજૂ કર્યા હતા. ૬ઠ્ઠીએ બાળ દિન ઉજવાયો હતો. પૂ. મહંત સ્વામી ગુરુવારને ૮મીએ સવારે વિચરણ માટે ટાન્ઝાનિયાના દાર-એ-સલામ જવા પ્રસ્થાન કરશે.


comments powered by Disqus