સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 07th August 2019 06:29 EDT
 

                                      • શીખાઉ ડ્રાઈવરે છૂપાવેલા બ્લૂટૂથથી ટેસ્ટમાં સાચા જવાબો આપ્યા

મહામહેનતે ઈંગ્લિશ બોલતી એક મહિલા શિખાઉ ડ્રાઈવરે તેના થીયરી ટેસ્ટ વખતે ખાસ બનાવેલા હિજાબ નીચે બ્લૂટૂથ હેડસેટ છૂપાવીને છેતરપિંડીનો પ્રયાસ કર્યો હોવાનું કોર્ટને જણાવાયું હતું. ૪૧ વર્ષીય હેટીસ સાદિરે ટેસ્ટ દરમિયાન તમામ જવાબો સાચા આપતા ઓફિસરોને તેના પર શંકા ગઈ હતી અને પૂછપરછ કરતાં તેમને આ છૂપાવેલું સાધન મળી આવ્યું હતું. એક વ્યક્તિ આ પ્રશ્રો વાંચતી હતી અને બ્લૂટૂથ મારફતે તેને જવાબો મોકલતી હતી. સાફથવાર્ક થીયરી ટેસ્ટ સેન્ટર ખાતે ગયા વર્ષે ૯મી જાન્યુઆરીએ આ બનાવ બન્યો હતો.

                                              • યુવાનોને ફેમિલી હોમ ખરીદતા અટકાવતા વડીલો

લગભગ ૬૬ ટકા લોકો પાસ વધારાના બે બેડરૂમ હોવાનું જાહેર થતાં ૬૫થી વધુની વયના લોકો યુવાન ખરીદારોને ફેમિલી હોમ ખરીદતા અટકાવતા હોવાનું અભ્યાસમાં સૂચવાયું હતું. નેશનવાઈડ દ્વારા પ્રસિદ્ધ અહેવાલ મુજબ પ્રોપર્ટીમાં ઓછા રૂમનો વપરાશ થતો હોવાના પ્રમાણમાં છેલ્લા ૨૦ વર્ષમાં ભારે વધારો નોંધાયો હતો.

                                     • સુપરમાર્કેટમાં ધ્યાન ખેંચે તેમ ગોઠવાતી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ

સુપર માર્કેટમાં વસ્તુઓની ગોઠવણી આપણને સ્થૂળ બનાવવા માટે થતી હોવાનું એક સંશોધનમાં સૂચવાયું હતું. રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ (RSPH) દ્વારા અભ્યાસમાં જણાયું હતું કે અન્ય સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓને બદલે સ્વીટ્સ, ક્રિસ્પ અને અન્ય બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ સૌથી આગળ અને ધ્યાન ખેંચાય તેવી રીતે મૂકવામાં આવે છે. તેને લીધે ગ્રાહકની નજર પડતાં તે વસ્તુ ખરીદવા આકર્ષાય છે. અભ્યાસમાં જણાયું હતું કે આવી રીતે ગોઠવવામાં આવેલી દસ વસ્તુઓમાંથી નવ બિનઆરોગ્યપ્રદ હોય છે.

                                         • વેજી બર્ગરનું નામ બદલવાની યોજનાનો પીઅર્સ દ્વારા વિરોધ

‘વેજી બર્ગર’ અને ’ક્વોર્ન સોસેજ’ જેવા શબ્દો બદલવાની ઈયુની યોજનાનો વિરોધ કરવો જ જોઈએ તેવી પીઅર્સે ચેતવણી આપી હતી. કારણ કે ઈયુની યોજનાને લીધે લોકોને ઓછું મીટ ખાવાનું સમજાવવાના પ્રયાસોની અવગણના થશે.

                                            • આતંકી હુમલાની યોજના ઘડનારને ૧૫ વર્ષની જેલ

દૂરથી નિયંત્રિત કરી શકાય તેવા વાહનમાં બોમ્બ મૂકીને આતંકી હુમલાની યોજના ઘડનારા ૨૪ વર્ષીય ફરહાદ સાલાહને શેફિલ્ડ ક્રાઉન કોર્ટે ૧૫ વર્ષની જેલની સજા કરી હતી. તે આશ્રય મેળવવા માગતો ઈરાકી -કુર્દિશ છે. અગાઉની ટ્રાયલ કોઈ ચુકાદા પર પહોંચી શકી ન હતી તે પછી શેફિલ્ડ કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો. તે આતંકી સંગઠન આઈએસનો માફી ન આપી શકાય તેવો કટ્ટર સમર્થક હોવાનું મનાય છે.


comments powered by Disqus