આખરે મસૂદ વૈશ્વિક આતંકી તરીકે ઘોષિત

Tuesday 07th May 2019 13:06 EDT
 

કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા ઉપર હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને અંતે વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે. આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં ભારતને મોટો વિજય પ્રાપ્ત થયો છે. આ સાથે વિશ્વના નકશામાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિતના દેશોનો સાથ મેળવી ચીન સામે કૂટનીતિક વિજય હાંસલ કરી પ્રતિષ્ઠાનું નવું શિખર સ્થાપિત કર્યું છે.
વિશ્વના દેશોની સંયુક્ત ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની તૈયારીમાં હતી. જો આમ થાય તો ચીનને પાકિસ્તાનમાં કરેલું તેનું સાત લાખ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ પાણીમાં જવાનો ભય લાગ્યો હતો. આના કરતા મસૂદની કુરબાની આપવી તેને હિતાવહ લાગી છે. ભારતના પ્રયાસોમાં ચાર વખત આડખીલી બનનારા ચીને આ વખતે મસૂદનું નામ પ્રતિબંધિત સૂચિમાં સામેલ કરવાના પ્રયાસોમાં અડચણ નહિ બનવાના સંકેત આપી દીધા હતા. ચીનને વિશ્વ સમુદાયમાં એકલાઅટૂલા ન
પડી જવાય તે માટે જ મજબૂરીમાં આવો નિર્ણય લેવાની ફરજ પડી છે. પ્રસ્તાવમાં કાશ્મીર કે પુલવામાનો ઉલ્લેખ ન હોવાથી જ તેને માન્ય કરાયો છે તેવી ગુલબાંગો પાકિસ્તાન મારે તેનાથી હકીકત બદલાતી નથી.
મહત્ત્વની બાબત એ છે કે, ચીને યુએન પ્રસ્તાવમાં સંમત થવાનો નિર્ણય જાહેર કર્યો તેના સંકેત પાકિસ્તાનને પણ આપી દીધા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની મુલાકાત ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે થઈ ત્યારે જ તેમણે મસૂદ અઝહર અંગે ચીનના વલણની જાણકારી આપી દીધી હતી. પુલવામા હુમલા પછી ચીન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ વધી ગયું હતું અને તેના માટે વધુ સમય મસૂદને બચાવવાનું કે અડિયલ વલણ જાળવવાનું શક્ય રહ્યું ન હતું. ચીને ૨૦૦૯, ૨૦૧૬, ૨૦૧૭ અને માર્ચ ૨૦૧૯માં મસૂદને વીટોના ઉપયોગ થકી બચાવ્યો હતો. મસૂદ વિરુદ્ધ સૌથી પહેલા મનમોહન સિંહ સરકારે ૨૦૦૯માં પ્રસ્તાવ મૂક્યો હતો.
હવે પાકિસ્તાનને મસૂદ પર કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડશે. વૈશ્વિક આતંકવાદી જાહેર થયેલા મસૂદ અઝહર પર હવે પ્રતિબંધ લાગી જશે, તે કોઈ પણ દેશમાં આર્થિક વ્યવહારો કરી શકશે નહિ. યુએનના તમામ સભ્ય દેશ મસૂદના બેંક ખાતાં અને પ્રોપર્ટી સ્થગિત કરશે તેમજ તેની સાથે સંકળાયેલી સંસ્થાઓને મદદ પણ નહિ મળે. પાકિસ્તાને મસૂદના કેમ્પ અને તેના આશ્રય હેઠળના મદરેસાઓને તાળા મારવા પડશે.
મસૂદને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાવવાથી મહત્ત્વની રાજદ્વારી સફળતા ભારતને મળી છે તે સાચું, પરંતુ વાસ્તવિક ફરક કેટલો પડશે તે કહેવું મુશ્કેલ છે. હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહિમ સામે કાનૂની કાર્યવાહીના ભારતનો એક પણ પ્રયાસ હજુ સુધી કારગત નીવડ્યો નથી. ૨૬/૧૧ના મુંબઈ હુમલા પછી લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદને પણ યુએનએ વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો, પરંતુ આજે તે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ રેલીઓ કરે છે, ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે અને આતંકવાદીઓ તૈયાર કરે છે. તેની ભારતવિરોધી પ્રવૃત્તિઓ પર પણ સદંતર અંકુશ લાદી શકાયો નથી ત્યારે તેની ભારતને સોંપવાની કાર્યવાહીનો તો સવાલ જ નથી. મસૂદ પણ હાફિઝ અને દાઉદની માફક પાકિસ્તાનમાં રહીને જ આતંકી પ્રવૃત્તિ ચલાવે તેવી આશંકા અસ્થાને નથી.
પોર્ટુગલના પાસપોર્ટ પર બાંગલાદેશ થઈ ૧૯૯૪માં ભારતમાં પ્રવેશેલા મસૂદ અઝહરને જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી ફેબ્રુઆરી ૧૯૯૪માં ઝડપી લેવાયો હતો. જોકે, ૧૯૯૯માં કંદહાર વિમાન અપહરણ પછી પ્રવાસીઓની સલામતીના બદલીમાં મસૂદ અઝહરને તત્કાલીન ભાજપ સરકારે છોડ્યો હતો. આ પછી તે ભારત માટે ચિંતાનો વિષય બની ગયો હતો. જેલમાંથી મુક્ત મસૂદે ભારતમાં આતંકવાદ પ્રસરાવવા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી હતી. મસૂદના આ સંગઠને ૨૦૦૧માં સંસદ પર હુમલો, ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝમાં તથા તે જ વર્ષે ઉરીમાં સેનાના હેડ ક્વાર્ટરમાં હુમલો અને ૨૦૧૯માં પુલવામા હુમલા જેવી આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. પાકિસ્તાને ભારત વિરુદ્ધ પ્રોક્સી યુદ્ધમાં મસૂદ અને હાફીઝ સઈદ જેવા આતંકવાદીઓને બલિના બકરા જ બનાવ્યા છે. આમ છતાં, મસૂદની સાથે પાકિસ્તાને પણ મોટી કિંમત ચૂકવવી પડશે તે નિશ્ચિત છે.


comments powered by Disqus