BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરતમાં વિચરણ કરી રહ્યા છે. આ અગાઉ ૧૧ દિવસની યુએઈની સફળ મુલાકાત બાદ ૨૯ એપ્રિલે પૂ. મહંત સ્વામી દુબઈથી અમદાવાદ પધાર્યા હતા અને ત્યાંથી આણંદ જવા રવાના થયા હતા. યુએઈની મુલાકાત દરમિયાન તેમણે અબુધાબીમાં પ્રથમ BAPS હિંદુ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. પૂ. મહંત સ્વામીએ દુબઈમાં હરિભક્તોને પૂજા તથા દર્શનનો લાભ આપ્યો હતો.
લાંબા પ્રવાસથી પાછા ફરેલા પૂ. મહંત સ્વામીનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેમણે ૪થી મે સુધી આણંદના રોકાણ દરમિયાન આરામ કર્યો હતો. જોકે, આ સમય દરમિયાન તેમણે સંતોને દર્શન આપ્યા હતા અને નિત્યક્રમ મુજબ પ્રાતઃપૂજા કરી હતી. ૫મીએ સાંજે આણંદના અક્ષર ફાર્મમાં રવિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પૂ. મહંત સ્વામીએ સંતો અને હરિભક્તોને રવિ સભાના મહત્ત્વ વિશે વાત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સંતો અને હરિભક્તોએ પૂ. મહંત સ્વામીની પૂજા અને દર્શનનો લાભ લીધો હતો. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘કોઈના દોષ કાઢીએ તો આપણે જ માથે પડે. આપણને જ ભારે પડે. આ સત્સંગમાં દરેકના ગુણ જ લેવા.’
૬ઠ્ઠીમેના રોજ પૂ. મહંત સ્વામીએ વિચરણ માટે આણંદથી સુરત જવા પ્રસ્થાન કર્યું હતું. તેઓ આગામી ૧૬ મે સુધી સુરતમાં વિચરણ કરશે. ત્યારબાદ ૧૬મીથી ૨૪મી મે સુધી નડિયાદમાં વિચરણનો તેમનો કાર્યક્રમ છે.

