ગયા વર્ષે રૂ. ૨૭૬ કરોડની કમાનાર અક્ષયકુમારનો મહિનાનો ખર્ચ માત્ર રૂ. ૩૦૦૦

Wednesday 08th May 2019 07:16 EDT
 
 

વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં અક્ષયકુમારે બોલિવૂડમાં ૨૮ વરસ પૂરાં કર્યાં છે. વર્ષ ૧૯૯૧માં અક્કીની પ્રથમ ફિલ્મ ‘સૌગંદ’ આવી હતી. ગયા મહિને તેની ફિલ્મ ‘કેસરી’ આવી. એની સમગ્ર કારકિર્દીમાં અક્ષયના ખાતામાં ફિલ્મોના આંકડા સાથે તેની કરોડો રૂપિયાની કમાણી તો જમા થતી ગઈ પણ ખર્ચના આંકડા સાવ નજીવા છે. અક્ષયે સફળતાનો સ્વાદ ચાખ્યો અને આર્થિક રીતે ધૂરંધર બન્યો. ફોર્બ્સની યાદી મુજબ ગયા વરસે કમાણીની દૃષ્ટિએ અક્ષય વિશ્વનો સાતમા નંબરનો ‘હાઇએસ્ટ પેઇડ’ એક્ટર ગણાયો છે. ગયા વરસે એણે રૂ. ૨૭૬ કરોડની વાર્ષિક કમાણી કરી હતી. એક વરસમાં આટલી જંગી રકમની કમાણી કરનારા અક્ષયે કારકિર્દીની શરૂઆત માર્શલ આર્ટના ઇન્સ્ટ્રક્ટર તરીકે કરી હતી. અક્ષયને પહેલી ફિલ્મની ફી તરીકે માત્ર રૂ. ૫૦ હજાર મળ્યા હતા. એણે પહેલા દસ વરસ સુધી ફિલ્મદીઠ સાડા ત્રણથી પાંચ લાખ વસૂલ્યા હતા.
અક્ષયે કહ્યું કે, એની ખરી કમાણી વરસ ૨૦૦૦ પછી શરૂ થઈ હતી. ડિજિટલ અને સેટેલાઇટ યુગના આગમન પછી એની કમાણી વધતી ગઈ. એણે બાળપણમાં સપનામાં પણ નહોતું વિચાર્યું કે એની જીવનશૈલી આટલી વૈભવશાળી બનશે. જોકે અક્કીએ કહ્યું કે આજે પણ સિમ્પલ લિવિંગમાં જ માને છે અને એનો મહિનાનો ખર્ચ માત્ર રૂ. ૩૦૦૦ છે.


comments powered by Disqus