ચૂંટણી યુરોપિયન યુનિયનની અને ભારતીય લોકતંત્રની

સી. બી. પટેલ Tuesday 07th May 2019 13:07 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ત્રણ સપ્તાહની ગેરહાજરી પછી ફરી આ બંદો આપની સેવામાં ઉપસ્થિત છે. રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય તખ્તે આકાર લેનારી મહત્ત્વની ઘટનાઓના અહેવાલોને પૂરતું સ્થાન આપવાનું હોવાથી સ્થળસંકોચ તો મુખ્ય કારણ હતું જ, પરંતુ સાથોસાથ એક ગૌણ કારણ પણ હતું, જે આપનામાંથી કેટલાક જાણે પણ છે. અંગત પરિવારમાં એક આશાસ્પદ યુવકની અણધારી વિદાયના પગલે દિલોદિમાગમાં છવાયેલા વિષાદથી થોડીક ઇચ્છાશક્તિ પણ અટવાઇ ગઇ હતી.
ચાલો, છેલ્લા ત્રણ સપ્તાહમાં દેશ-દેશાવરની સાંપ્રત જીવનની ઘટનાઓ પર આપણે આછેરી નજર નાંખી લઇએ. વિશ્વસમસ્તમાં લોકશાહી તંત્ર વધુને વધુ સ્વીકૃત શાસન પદ્ધતિ જોઇ શકાય છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને હજુ તો બે વર્ષની વાર છે પણ ત્યાં અત્યારથી જ દે ધનાધન થઇ રહ્યું છે. નેતાઓ લોકોને પોતાના ભણી વાળવા આકાશપાતાળ એક કરી રહ્યા છે. પૃથ્વીના ગોળા ઉપર પૂર્વના જપાનથી માંડીને સ્પેન સહિત યુરોપના કેટલાક દેશોમાં પણ ચૂંટણીઓ યોજાઇ ગઇ. અમુક દેશોમાં જમણેરી પક્ષો વધુ જોર પકડી રહ્યા છે તો ડાબેરી વલણ ધરાવતા લોકો પણ કેટલાક સ્થળે સત્તારૂઢ થયા છે. ઘરઆંગણે બ્રિટનમાં, સવિશેષ ઈંગ્લેન્ડમાં ગુરુવારે - બીજી મેના રોજ સ્થાનિક સરકાર (લોકલ કાઉન્સિલ)ની ચૂંટણીઓ યોજાઇ ગઇ. ચટ મંગની ને પટ બ્યાહ. પરિણામો પણ આવી ગયા છે. આંકડાઓ પર નજર ફેરવતાં જ સમજાઇ જશે કે કન્ઝર્વેટિવ્સનો કચ્ચરઘાણ નીકળી ગયો છે તો લેબરને પણ મૂઢમાર પડ્યો છે તેમ કહી શકાય. આ દેશમાં બે જ મુખ્ય પક્ષો હોવાથી મોટા ભાગે એવું બનતું જોવા મળ્યું છે કે કન્ઝર્વેટિવ્સને માર પડે ત્યારે લેબર માલામાલ થઇ જતા હોય છે અને લેબરને તકલીફ પડે છે ત્યારે કન્ઝર્વેટિવ્સ ખુશખુશાલ થઇ જાય છે. જોકે આ વખતે એવું બન્યું નથી. આ બન્નેની લડાઇ લિબ-ડેમ તેમજ અન્યોને ફળી છે તેમ કહી શકાય. આ અંગેનો વિગતવાર અહેવાલ આપને આ જ અંકમાં અન્યત્ર વાંચવા મળશે તેથી પુનરોક્તિ ટાળું છું, પરંતુ આ હારજીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર પરિબળોની ચર્ચા કર્યા વગર વાત અધૂરી રહેશે.
થેરેસા મે સરકારે બ્રેક્ઝિટ મામલે ઉલમાંથી ચૂલમાં પડવાની પરંપરા ચાલુ રાખી તેના પ્રત્યાઘાત લોકલ કાઉન્સિલના ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યા છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. એક તરફ એવી માગણી ઉઠી રહી છે કે ૨૦૧૬માં મોટા ઉપાડે લેવાયેલું રેફરન્ડમ અપપ્રચાર અને અવાસ્તવિક આક્ષેપબાજીના કારણે ‘ગેરમાર્ગે દોરવાયેલું’ હોવાથી તેને રદબાતલ કરવું જોઇએ અને ‘પીપલ્સ વોટ’ નામે નવું રેફરન્ડમ યોજવાની લાગણી તીવ્ર બની રહી છે. થેરેસા મે એક વિચક્ષણ રાજકારણી છે એ તો તેમના દાના દુશ્મનો પણ કબૂલશે. આ દેશના છેલ્લા ૫૦-૬૦ વર્ષના રાજકારણ પર નજર ફેરવશો તો જણાશે કે મે શાસન દરમિયાન જે રાજકીય ખેલ જોવા મળ્યા છે તેવું ભાગ્યે જ ક્યારેય બન્યું છે. ચારેકોરથી સતત આક્ષેપબાજી, બ્રેક્ઝિટની તરફેણમાં અને વિરોધમાં સાથી પ્રધાનોની ખુલ્લેઆમ ખેંચતાણ, અઘટિત અને ખોટા ઠરે તેવા નિર્ણયો છતાં મેડમ મે સિંહાસન પર ટકી રહ્યા છે. આને વિક્રમ જ ગણવો રહ્યો. તેમના અભિગમમાં સ્ત્રીસહજ ચીવટ અને મક્કમતા જોઇ શકાય છે.
ગયા જાન્યુઆરીમાં ફોરીન ઓફિસના દરબાર હોલમાં એક મેળાવડો યોજાયો હતો. આ સમારોહમાં મેડમ મેના પતિદેવ ફિલિપ મેનો ભેટો થયો હતો. વર્ષોથી આ દંપતીને સહેજસાજ જાણું છું. મારી જેમ જ થેરેસા મેને પણ તેમના ‘કાયમી મિત્ર’ના માનમાં દરરોજ નિયમિતપણે અમુક સોયા લેવા પડે છે. શું રાજા કે શું રંક - ડાયાબિટીસ જરીકેય ભેદભાવ રાખતો નથી. ફરક બસ સોયા ખાવાના આંકડામાં હોય છે. હું દિવસમાં ચાર વખત ‘ખાઉં’ છું તો તેઓ પાંચ વખત લે છે. અમે મળીએ ત્યારે બ્લડ-સુગરનો પણ આછેરો ઉલ્લેખ પણ અચૂકપણે થાય જ. દરબાર હોલમાં મુલાકાત વેળા મેં ફિલિપને કહ્યું હતું કે આપના જીવનસાથી કાર્યકુશળ અને હિંમતવાન છે. અમે બન્ને ડાયાબિટીસ સાથે ગાઢ નાતો ધરાવીએ છીએ, પરંતુ તેઓ જે પ્રકારે તન-મનની ત્રાસદાયક સ્થિતિનો ગજબ હિંમત સાથે સામનો કરી રહ્યા છે, તે માટે હું તેમના પ્રત્યે બહુ માન-આદર ધરાવું છું. મારી આ વાત સાંભળીને તેમનો ચહેરો આનંદથી ઝળકી ઉઠ્યો હતો. (ભલા માણસ પોતાના જીવનસાથીની પ્રશંસા સાંભળીને કઇ વ્યક્તિનો ચહેરો ન ઝળકે એ તો કહો..!)
ખેર, થેરેસા મેની મોટામાં મોટી કમનસીબી કહો કે નબળાઇ ગણો, તેમના ત્રણ જ વર્ષના શાસનમાં સહુથી વધુ પ્રધાનો કેબિનેટ છોડી ગયા છે. કાં તો પ્રધાનોએ (ના)રાજીનામું આપ્યું છે અથવા તો મેએ તેમને ગડગડિયું પકડાવ્યું છે. તમને જુદા જુદા વડા પ્રધાનોના કાર્યકાળની મુદત અને તેમના શાસનમાં કેટલા પ્રધાનોના રાજીનામા પડ્યા તેની વાત કરું...
ગોર્ડન બ્રાઉને લગભગ સાડા ત્રણ વર્ષ દેશનું વડા પ્રધાન પદ સંભાળ્યું. આ સમયમાં એક યા બીજા કારણસર ૧૧ પ્રધાનોએ કેબિનેટમાંથી વિદાય લીધી હતી.
બ્રેક્ઝિટ મુદ્દે રેફરન્ડ લેવા જતાં ભેરવાઇ ગયેલા ડેવિડ કેમરન લગભગ છ વર્ષ સત્તારૂઢ રહ્યાં. તેમના શાસનમાં ૧૦ પ્રધાનોએ પ્રધાનમંડળ છોડ્યું હતું. આ જ રીતે જ્હોન મેજર પણ છ વર્ષ વડા પ્રધાન પદે રહ્યા હતા. તેમના ગાળામાં ૨૦ પ્રધાનોએ રાજીનામા આપ્યા હતા.
‘આયર્ન લેડી’ તરીકે આજે પણ લોકહૃદયમાં બિરાજતા બ્રિટનના પ્રથમ મહિલા વડા પ્રધાન માર્ગરેટ થેચરે ૧૧ વર્ષ દેશ પર શાસન કર્યું હતું. આ સમયગાળામાં ૨૦ પ્રધાનોએ મંત્રાલય છોડ્યા હતા. ટોની બ્લેરે ૧૧ વર્ષ દેશની શાસનધૂરા સંભાળી તે દરમિયાન ૨૦ નેતાઓએ એક યા બીજા કારણ પ્રધાનમંડળમાંથી વિદાય લીધાનું ઇતિહાસમાં નોંધાયેલું છે.
જ્યારે થેરેસા મે સરકારને હજુ તો ત્રીજું વર્ષ ચાલે છે, પણ અત્યાર સુધીમાં મે સરકારમાંથી ૩૫ સભ્યો વિદાય લઇ ચૂક્યા છે, અને જે પ્રકારે બ્રેક્ઝિટ મામલો દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે તે જોતાં આ આંકડો આગામી દિવસોમાં વધુ ઊંચો જાય તો નવાઇ નહીં. મે સરકારના પ્રધાનમંડળમાંથી વિદાય લેનારા પ્રધાનોમાં આપણા પ્રીતિ પટેલથી માંડીને તાજેતરમાં ચાઇનીઝ કંપની સાથે કરાર બાદ ઉઠેલા વિવાદના વંટોળના પગલે સંરક્ષણ મંત્રાલય છોડનાર ગેવિન વિલિયમસન જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
રાજકારણનો વણલખ્યો નિયમ છે કે તમારો એક સમયનો વિશ્વાસુ સાથીદાર જ્યારે પાટલી બદલીને સામે છેડે જઇ બેસે એટલે સમજી લેવાનું કે ગઇ કાલનો ખાસંખાસ આજનો દાનો દુશ્મન છે. પ્રધાનમંડળ છોડી ગયેલા કે પછી પડતા મૂકાયેલા આ તમામ નેતાઓ એક યા બીજા પ્રકારે પક્ષમાં આગવું સ્થાન ધરાવે છે, બહોળો સમર્થક વર્ગ ધરાવે છે (આથી જ તો તેમણે પ્રધાનમંડળમાં સ્થાન મેળવ્યું હોયને?!) આ લોકો એક યા બીજા પ્રકારે, એકલા કે એકસંપ થઇને, વહેલા કે મોડા થેરેસા મે માટે મુશ્કેલી સર્જી શકે છે.
કન્ઝર્વેટિવ પક્ષની ૧૯૨૨ કમિટીએ એક ઠરાવ થકી નક્કી કર્યું છે કે થેરેસા મેને ડિસેમ્બર ૨૦૧૯ સુધી વડા પ્રધાન પદેથી હટાવી શકાશે નહીં. પક્ષની ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા ભલે આ નિર્ણય લેવામાં આવ્યો હોય, પરંતુ જો બ્રેક્ઝિટના મુદ્દે લેબર સાથે સાંઠગાંઠ ન થાય તો અમુક અંશે થેરેસા મેનું ભવિષ્ય અચોક્કસ તો ગણાય જ.
આવતા પખવાડિયે - ૨૩ મેના રોજ યુરોપના ૨૯ દેશોમાં મેમ્બર ઓફ યુરોપિયન પાર્લામેન્ટ (MEP) ની ચૂંટણી યોજાશે. ઓક્ટોબરના અંત પૂર્વે યુરોપિયન યુનિયન સાથે છૂટાછેડા લેવાની મજબૂરી હોવા છતાં બ્રિટન સરકારને ૨૩ મેના રોજ યુરોપિયન યુનિયનની ચૂંટણીઓ યોજવાની ફરજ પડી છે. અત્યારે સંકેત મળી રહ્યા છે તેમ આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ અને લેબર બન્નેના ભોગે યુરોસ્કેપ્ટિક - નાઇજેલ ફરાજ જેવા વામણાઓના વિજયની સંભાવના છે.
જોકે અત્યારે તો સમગ્ર વિશ્વની નજર યુરોપિયન યુનિયનની ચૂંટણીઓ પર નહીં, ભારત પર મંડરાયેલી છે. યુરોપિયન યુનિયનના દેશોમાં ૨૩ તારીખે પાર્લામેન્ટ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ભારતમાં આ જ દિવસે ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. દેશવિદેશમાં વસતાં ભારતીયોના, હૈયે અને હોઠે એક જ સવાલ છેઃ શું થશે?
ભારતીયોનો એક બહોળો વર્ગ માને છે કે નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વના કારણે ભાજપ જ્વલંત બહુમતી સાથે ફરી સરકાર રચશે, બીજો વર્ગ માને છે કે સરકાર તો ભાજપની જ રચાશે, પણ સ્પષ્ટ બહુમતીના અભાવે તેનો રસ્તો આસાન નહીં હોય. ભાજપે અન્ય પક્ષોનું સમર્થન મેળવવું પડશે. તો વળી એક વર્ગ એવો પણ છે જેના મતે ભાજપના હવે વળતા પાણી છે. વિપક્ષની યુતિ સરકાર રચાય તો નવાઇ નહીં. જનમત કે સર્વેના તારણ ભલે કંઇ પણ કહે, લોકોને તો ૨૩ તારીખે અસલી લોકચુકાદો જાણવામાં રસ છે.
દરેક ચૂંટણી એક પ્રકારની ચટણી જ હોય છે સમજી લોને... તેમાં ધાણા પણ હોય, કોઠું પણ નાંખ્યું હોય, ફુદીનો પણ હોય, ખટાશ માટે લીંબુ પણ હોય, કોઇ તીખાશ માટે લાલ મરચું નાંખે તો વળી કોઇ તમતમાટ માટે લીલા મરચાં વાટીને ઉમેરે. અને કોઇ તેને ખટમીઠ્ઠો સ્વાદ આપવા આમલી-ખજૂર પણ ઉમેરે. જેવી જેની પસંદ. ચૂંટણી પ્રચાર વેળા પણ કંઇક આવો જ માહોલ જોવા મળતો હોય છેને? ભરપૂર વાણીવિલાસ ચાલે. જેવી જેની સભ્યતા અને જેવા એના સંસ્કાર. કોઇ સામે વાળાને મરચાં લાગે તેવા તીખા તમતમતા આક્ષેપ કરે, કોઇ ધડમાથા વગરના આક્ષેપો કરે તો કોઇ વળી તથ્યોના આધારે નક્કર મુદ્દા આગળ ધરીને ટીકા કરે.
દેશ કોઇ પણ હોય, ચૂંટણી વેળા આરોપ-પ્રતિઆરોપનો દોર ચાલતો હોય છે. ક્યારેક સાવા ખોટા અને ક્યારેક જવલ્લે જ સાવ સાચ્ચા. પણ મતદાર, અને તેમાંય ભારતીય મતદાર, જાગ્રત બની રહ્યો છે તેથી મતાધિકારનો બહુ સાચવી-સમજીને વિચારપૂર્વક ઉપયોગ કરે છે. કેટલાય દસકા સુધી ગઠબંધન સરકારોનું તડજોડનું રાજકારણ નિહાળનાર પ્રજાએ ૨૦૧૪માં સ્પષ્ટ જનાદેશ સાથે એક પક્ષને પૂર્ણ બહુમતી સાથે સરકાર રચવાનો અવસર આપ્યો હતો તે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વખતે પણ ૨૦૧૪નું પુનરાવર્તન થાય તો નવાઇ નહીં. મને તો સ્પષ્ટ જણાઇ રહ્યું છે કે ન.મો.નું પલ્લું વધુને વધુ ભારે બની રહ્યું છે. સાતત્યપૂર્ણ અભિગમ અને સકારાત્મક વલણથી તેમનું પલ્લું વજનદાર બની રહ્યું હોય તેમાં નવાઇ પણ શું છે?
મોદી સરકાર સામે વિપક્ષે એક થવા ફાંફાં તો માર્યા પણ.... સત્તા હાંસલ કરવા સિવાય તેમનો કોઇ એજન્ડા હોય તેવું જણાતું નથી. ‘મોદી હટાવો’ના તેમના એક મુદ્દાના કાર્યક્રમથી લોકો ખાસ પ્રભાવિત જણાતા નથી. આમાં પણ સદીપુરાણા કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીના આક્ષેપો તો મહદ્ અંશે હાસ્યાસ્પદ અને બેહૂદા જણાય રહ્યા છે. જેમ કે, તેઓ કહે છે...
• દેશમાં કોઇ વિકાસ થયો નથી.
• સરકાર સાવ ખોટાબોલી છે.
• દેશમાં ગરીબી વધી રહી છે.
• લઘુમતી પર જુલ્મો થઇ રહ્યા છે.
• આતંકવાદમાં વધારો થઇ રહ્યો છે.
• આર્થિક મામલે દેશ સાવ પાયમાલ થઇ ગયો છે.
• નરેન્દ્ર મોદી પોતે ભ્રષ્ટ છે.
• મોદી સરકારે પરિચિત ઉદ્યોગપતિઓને લાખો-કરોડો રૂપિયાની લ્હાણી કરી છે. વગેરે... વગેરે...
આવા જાતભાતના આક્ષેપોની વણઝાર ચાલી છે. એક તરફ, રાજકારણના ઊંડા અભ્યાસી, દીર્ઘ અનુભવી, પ્રભાવશાળી વાક્છટા અને કરિશ્માઇ વ્યક્તિત્વના માલિક તેમ જ જીવનભર પરિશ્રમ કરવાની નીતિરીતિમાં માનતા નેતા છે તો બીજી તરફ, રાહુલ ગાંધી જેવા અપરિપકવ અધ્યક્ષ ધરાવતી કોંગ્રેસ અને વેરવિખેર વિપક્ષની તકવાદી એકતા છે. આજ દિન સુધી વિપક્ષ એકસંપ થઇને તેમના નેતાનું નામ જાહેર કરી શક્યો નથી. એક તરફ, રાહુલ ગાંધી દ્વારા બિનપાયેદાર આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે બીજી તરફ, વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવા વૈશ્વિક નાણાંકીય સંગઠનો ઉપરાંત ટોચના મૂડીરોકાણકારો ભારતની આર્થિક આગેકૂચને બિરદાવી રહ્યા છે, આવકારી રહ્યા છે. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરાત, રશિયા સહિતના દેશો વડા પ્રધાન મોદીને પોતાના દેશોના સર્વોચ્ચ માન-અકરામ-ઇલકાબોથી નવાજી રહ્યા છે. આ બધું શું પુરવાર કરી રહ્યું છે? રાહુલ ગાંધી કે વિપક્ષ ભલે ન.મો. સામે આક્ષેપોનો મારો ચલાવતો રહે, પરંતુ ભારતીય મતદારો મૂરખ તો નથી જ એવું મારું સ્પષ્ટ માનવું છે. ભારતીય મતદાર હવે સ્માર્ટ, સમજદાર અને પાકટ બન્યો છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
કોંગ્રેસ સહિતનો વિપક્ષ ભાજપ સરકારને હિન્દુવાદી ગણાવી રહ્યો છે, લઘુમતીઓ પર અત્યાચાર થઇ રહ્યાના આક્ષેપો કરી રહ્યા છે. પણ શું ખરેખર આવું છે? બિલ્કુલ નહીં... એક વાત નિર્વિવાદ છે કે સૈકાઓ બાદ ભારતમાં એક એવી સરકાર રચાઇ છે જે હિન્દુ હિતને સમર્પિત છે. પરંતુ આ માટે મોદી સરકારે ગુજરાત કે કેન્દ્રમાં - કોઇ પણ સ્તરે સરકારી નીતિરીતિમાં કોઇ ચોક્કસ ધર્મ-જ્ઞાતિ-જાતિને નિશાન બનાવીને તેમનું અહિત કર્યાનું ક્યાં જોવા-જાણવા મળતું નથી. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, અને ભવિષ્યમાં પણ બિનસાંપ્રદાયિક જ રહેશે તે વાતની મને તો ખાતરી છે, પરંતુ છેલ્લા કેટલાક દસકાઓથી ભારતમાં બિનસાંપ્રદાયિક્તાના નામે બહુમતી સમાજની (અહીં વાંચો હિન્દુ સમાજની) ઉપેક્ષા થવા માંડી હતી અને લઘુમતી સમાજને થાબડભાણાં થઇ રહ્યા હતા એ તો ખોટું જ હતું ને?!
આ અને આવી બધી હકીકત મતદારો સમજે છે એટલું જ નહીં, અનુભવે છે. આથી જ કહી શકાય કે અબ કી બાર ફિર સે મોદી સરકાર. (ક્રમશઃ)


comments powered by Disqus