‘આ પુસ્તક તમે વાંચો છો?’ મૌલિકે સહજતાથી ટેક્સી ડ્રાઈવરને પુછ્યું. જવાબ મળ્યો કે ‘હા, આ એક નહીં આવા તો અનેક પુસ્તકો મેં વાંચ્યા, માત્ર વાંચ્યા નહીં, સમજવાની કોશિશ પણ કરું છું.’ મૌલિક અમદાવાદમાં સામાન્ય રીતે પોતાના સ્કુટર પર આવન-જાવન કરતો રહેતો. હમણાં હમણાં કાળઝાળ ગરમી વધી રહી છે એટલે એણે સ્કૂટર પર ફરવાને બદલે એએમટીએસ કે બીઆરટીએસની બસમાં ફરવાનું શરૂ કર્યું હતું. ક્યાંક-ક્યારેક જરૂરી લાગે તો એ સિટીમાં ટેક્સી ઓપરેટ કરતી કંપનીની ટેક્સી બુક કરી લેતો હતો. એ રીતે આજે પણ એ પોતાના ઘરેથી કોઈ એક જગ્યાએ જવા નીકળ્યો હતો. ટેક્સી સર્વિસમાં લગભગ ૨૦ મિનિટનું ડેસ્ટિનેશન બતાવતું હતું. અચાનક તેનું ધ્યાન પડ્યું ગાડીના ડેશબોર્ડ પર પડેલા ડો. અબ્દુલ કલામના એક પુસ્તક પર.
પુસ્તક વાંચવાનો સમય આ ડ્રાઈવરને વળી ક્યારે મળે? એવું સ્વગત વિચારીને એણે લેખના આરંભે લખેલો સવાલ ડ્રાઈવરને પુછ્યો ત્યારે એને ત્યાં આપેલો જવાબ મળ્યો હતો. ડ્રાઈવરે વધુમાં જે નામો આપ્યા તેમાં ભગવદ્ ગીતા, વાલ્મિકી રામાયણ, તુલસી રામાયણ, સ્વામી સચ્ચિદાનંદ અને સ્વામી વિવેકાનંદના વિવિધ પુસ્તકોનો સમાવેશ થતો હતો.
મૌલિકને એની વાંચનપ્રિયતા માટે આનંદ થયો અને નવાઈ પણ લાગી કારણ કે એ ડ્રાઈવર તો મુસ્લિમ બિરાદર હતા. આગળ જતા ડ્રાઈવર ભાઈએ કહ્યું કે તેમના પત્ની ક્રિશ્ચિયન ધર્મના છે અને આ બંને વળી માને છે માનવ ધર્મને. વિશ્વના તમામ ધર્મો માનવતાનો સંદેશ આપે છે, એ વાતથી તેઓ જાગૃત છે અને એટલે જ થોડા દિવસો બાદ પરિવાર સાથે ગોલ્ડન ટેમ્પ દર્શને જવાનો વિચાર પણ એમણે રજૂ કર્યો.
એક માણસ ધર્મ-સંપ્રદાય કે જ્ઞાતિ-જાતિને એક બાજુ મૂકીને માનવતાને માન આપે એ જ મોટો ધર્મ છે એવું માનનાર એ સજ્જનના હૃદયની ઉદારતા-માનવ ધર્મની સમજણ અને વાંચન પ્રેમને મૌલિક વંદન કરી રહ્યો...
થોડા સમય બાદ આવી જ એક બીજી ઘટના બની. આવી જ રીતે એ ટ્રેનમાં ઊતર્યો. ટેક્સી ઘરીને ઘરે આવ્યો. ટેક્સીમાં એણે અનુભવ્યું કે ટેક્સી એકદમ સ્વચ્છ, સુગંધિત સ્પ્રેની અસરવાળી, ડ્રાઈવર પણ સુઘડ ને વિવેકી... એ તો પૈસા ચૂકવીને ઘરે જઈને સુઈ ગયો. સવારે વહેલો જાગી ગયો. દૂધ લેવા અને એ બહાને વોક કરવા બહાર નીકળ્યો તો ધ્યાન પડ્યું કે રાત્રે જે ટેક્સી સોસાયટીના ગેટ પાસે તેને ઉતારવા આવી હતી તે જ ટેક્સી ત્યાં હતી. થોડે દૂર તેનો ડ્રાઈવર ચા પી રહ્યો હતો. મૌલિક તેમની પાસે ગયો. હેલ્લો કર્યું ને પૂછ્યું, ‘ફરી અહીંની જ વર્ધી મળી?’ તો પેલો કહે, ‘હું અહીં જ સુઈ ગયો હતો, ગાડીમાં.’ ને પછી આખી ઘટના કહી તે સાંભળી મૌલિક એ ડ્રાઈવરને અભિનંદન આપવા મજબૂર થઈ ગયો.
વાત એમ હતી કે એ ડ્રાઈવર ગામડેથી અમદાવાદ શિફ્ટ થયો હતો. એન્જિનિયર હતો. ૩૫ હજારની નોકરી કોઈ પ્રાઈવેટ કંપનીમાં કરતો હતો. લગ્ન થયા નહોતા. મહેનતુ હતો. આદર્શથી જીવતો હતો. એણે લોન લઈને ટેક્સી ખરીદી. દિવસે નોકરી કરે - રાત્રે ટેક્સી ફેરવે. નહાવાનું ને બીજા પ્રાતઃ કર્મો કે શૌચક્રિયા ‘સુલભ’ શૌચાલયમાં પુરા કરે. સુવાનું ગાડીમાં જ રાખ્યું. ‘રહેને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા...’એમ એની ગાડી એ જ એનું ઘર હતું.
વાત માન્યામાં ન આવે તેવી હતી પણ એના કહેવા મુજબ એ ત્રણ મહિનાથી આમ જ જીવી રહ્યો હતો. મૌલિકને કહે, ‘હવે એકાદ-બે મહિનામાં પીજી તરીકે ક્યાંક સ્થાયી થઈશ, પણ હમણાં તો આ જ ઉત્તમ છે, પૈસા બચાવીશ તો પરિવારને ખુશ રાખીશને!’
આમ, સરળતાના-માનવતાના-પુરુષાર્થના ને પરિશ્રમના સંસ્કારોથી સભર ટેક્સી ડ્રાઈવરના રોચક અનુભવોથી મૌલિક રાજી રાજી થઈ ગયો. તેને થયું આવા માણસો થકી જ માનવતાને પુરુષાર્થના અજવાળાં રેલાય છે.
