જૂની સાઇકલ ખરીદીને પ્રેક્ટિસ કરનારી મોનિકાને ઇન્ટરનેશનલ ટ્રાયથ્લોનમાં સિલ્વર મેડલ

Wednesday 08th May 2019 07:10 EDT
 
 

સુરતઃ નેપાળના પોખરામાં એપ્રિલના આખરમાં એશિયન કપ અને સાઉથ એશિયન ટ્રાયથ્લોન ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જેમાં જાપાન, કોરિયા, બાંગ્લાદેશ અને નેપાળના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરતની મોનિકા નાગપુરેએ સિલ્વર મેડલ મેળવ્યો છે.
મોનિકા કહે છે કે, શરૂઆતમાં હું સ્વિમિંગ કરતી હતી એ સમયે પરિવારની આર્થિક સ્થિતિ ઠીકઠાક હતી. પપ્પાને મારા માટે ટ્રેક શૂટ પણ ઉછીનો લેવા પડ્યો હતો. વર્ષ ૨૦૦૮માં સાઇકલિંગ શરૂ કરી ત્યારે મારી પાસે સાઇકલ પણ નહોતી. પપ્પાએ રૂ. ૫૦૦માં હપ્તેથી જૂની સાઇકલ લઈ આપી હતી. પપ્પાની સ્ટ્રગલથી મને પ્રેરણા મળી હતી.પરિવાર માટે કંઈક કરી બતાવવાનું વિચારીને હું સખત મહેનત કરતી હતી.
સ્વિમિંગ, રનિંગ અને સાઇકલિંગ ત્રણેય ગેમમાં હું ભાગ લેતી હતી અને જિલ્લા તેમજ સ્ટેટ લેવલ પર મને મેડલ મળવા લાગ્યા હતા. વર્ષ ૨૦૧૭માં મને થયું કે ટ્રાયથ્લોનમાં ભાગ લેવો જોઈએ. એ પછી એ સ્પર્ધા માટે જરૂરી પ્રેક્ટિસ કરવા લાગી. ટ્રાયથ્લોનની મારી જર્ની આ રીતે શરૂ થઈ હતી. આ પહેલાં પણ હું ટ્રાયથ્લોનમાં મેડલ મેળવી ચૂકી હતી.
એલ શેપના રસ્તાને લઇને સ્વિમિંગમાં વધારે સમય
ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ઇવેન્ટની શરૂઆત સ્વિમિંગથી થઈ હતી. ૭૫૦ મીટર સ્વિમિંગમાં એલ શેપના રસ્તામાંથી પસાર થવાનું હતું. પાણી ખૂબ જ ઠંડું હતું તેમજ બ્લુ કલરનું પાણી હોવાને કારણે રસ્તો દેખાતો નહોતો. સ્વિમિંગ પછી તરત જ સાઇકલિંગ કરવાની હતી. સાઇકલિંગ સુધી પહોંચવા થોડી દૂર પહાડીવાળા રસ્તે દોડીને જવાનું હતું. ખાડા-ટેકરાવાળા રસ્તા પર સાઇકલને બેલેન્સ કરવામાં પણ મુશ્કેલી આવતી. ૨૦ કિમીની સાઇકલિંગ પૂરી કરી ૫ કિમીની દોડ માટે ભાગતી થઈ. દોડનો વારો આવતા ગરમી વધી ગઈ.
પિતા જ મોનિકાના પ્રેરણાસ્ત્રોત સમાન
હું અભ્યાસની સાથે-સાથે સ્પોર્ટ્સને પણ સારી રીતે બેલેન્સ કરું છું. સ્પોર્ટ્સનો સકારાત્મક પ્રભાવ હોય છે. જે સ્ટડીમાં પણ મદદ કરે છે. મને સ્પોર્ટ્સને લીધે અભ્યાસમાં ક્યારેય કોઈ સમસ્યા નડી નથી. હું નેશનલમાં પણ જીતી છું. હાલ મારા પપ્પાને મારા લીધે ગર્વ થાય છે. હું માનું છું કે, આજે જે પણ છું એ મારા પપ્પાની સ્ટ્રગલ અને તેમણે મને આપેલી પ્રેરણાના કારણે જ છું.


comments powered by Disqus