નક્સલવાદના ભોરિંગે ફરી માથું ઊંચક્યું

Tuesday 07th May 2019 13:06 EDT
 

લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પહેલી મેના મહારાષ્ટ્ર દિન નિમિત્તે જ ગઢચિરોલીમાં આઈઈડી બ્લાસ્ટ થકી મોટો હુમલો કરી નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ છોડવા તૈયાર ન હોવાનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે વર્ષમાં નક્સલવાદીઓના આ સૌથી મોટા હુમલામાં ગેરિલા યુદ્ધમાં નિપુણ C-60 કમાન્ડો ગ્રૂપના ૧૫ જવાન શહીદ થયા છે. આદિવાસી વિસ્તાર ગઢચિરોલી નક્સલવાદીઓ સૌથી વધારે સક્રિય હોય તેવા રેડ કોરિડોરમાં આવે છે, જેમાં દેશના ૧૦ રાજ્યોના ૭૪ નક્સલ અસરગ્રસ્ત જિલ્લાનો સમાવેશ થાય છે. તાજેતરમાં છત્તીસગઢમાં ચૂંટણી અગાઉ આવા જ હુમલામાં વિધાનસભ્ય અને તેમના સુરક્ષાકર્મીઓએ જાન ગુમાવ્યા હતા. ચૂંટણીટાણે જ હુમલા કરી નક્સલવાદીઓએ લોકતાંત્રિક વ્યવસ્થા કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિશ્વાસ નહિ હોવાનો પણ સંદેશ આપ્યો છે. તેમણે લોકોને પણ મતદાનથી દૂર રહેવાની ધમકી આપી હોવાં છતાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરી ઉચિત ઉત્તર આપી દીધો છે.
એવું પણ નથી કે ગઢચિરોલી હુમલો અચાનક કરવામાં આવ્યો છે. ગયા વર્ષે એપ્રિલમાં સુરક્ષા દળોએ ૪૦ નક્સલવાદીનો ખાત્મો બોલાવ્યો હતો. તેમના મોતની પ્રથમ વર્ષી નિમિત્તે આ હુમલો કરાયો હોવાનું કહેવાય છે. આ હુમલો ગુપ્ત ચેતવણીઓને નજરઅંદાજ કરાયાનું પણ પરિણામ છે. ગઢચિરોલીમાં હુમલો કરાશે અને તેના સંભવિત સ્થળો દર્શાવતી ઓછામાં ઓછી ૧૩ ચેતવણી અપાઈ હતી. હુમલો કરાયો તેના બે દિવસ પહેલા પણ આવી ચેતવણી અપાયાના અહેવાલો છે. તેમણે ષડયંત્રના ભાગરૂપે કુરખેડાના દાદાપૂરા ગામમાં ૩૬ વાહનોને આગ લગાવી હતી, જેના પરિણામે કમાન્ડો ગ્રૂપ તપાસાર્થે ગયું અને આઈઈડી બ્લાસ્ટનો શિકાર બની ગયું. નક્સલવાદીઓ આટલી મોટી સંખ્યામાં વાહનોને આગ ચાંપી શક્યા તેમજ આ પછી તપાસમાં પણ સુરક્ષા દળોએ પુરતી સાવધાની ન રાખી તે પણ ભારે ચિંતાની બાબત છે. કેન્દ્ર - રાજ્યોની સરકારો માઓવાદીઓનો સફાયાના મોટા દાવા કરતી રહે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. છેલ્લા બે દાયકાની માઓવાદી હિંસામાં હજાર પોલીસ અને સુરક્ષા દળોના લગભગ ૩,૦૦૦ જવાન સહિત આશરે ૧૨,૦૦૦ લોકોએ જાન ગુમાવ્યાં છે.
નક્સલવાદની અસર હેઠળના વિસ્તારોમાં નજરઅંદાજ કરાયેલા ખેતમજૂરો માટે પૂરતા પ્રમાણમાં નોકરીઓ તેમજ આદિવાસીઓને યોગ્ય ભૂમિ અધિકાર મળી રહે તે માટેનાં સંઘર્ષમાં નક્સલવાદીઓ ખુદ આદિવાસીઓ, સુરક્ષા દળોના જવાનો અને સરકારી નોકરોને પોતાનું નિશાન બનાવતા રહે છે. એ તો હકીકત છે કે સરકારની નીતિઓ માઓવાદની સમસ્યાને દૂર કરવામાં સફળ નીવડી નથી. છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં માઓવાદના મૂળિયાં માત્ર સુરક્ષા દળોનાં અભિયાનોથી નાબૂદ કરી શકાય એમ નથી. આદિવાસી અને ભારે પછાત વિસ્તારોમાં વિકાસ સાધવાથી જ લોકોનાં જીવનધોરણ ઊંચા લાવી શકાય. તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા તમામ પ્રયાસ હાથ ધરવાની આવશ્યકતા છે. બીજી તરફ, એ પણ હકીકત છે કે નક્સલવાદીઓ પોતાનું વર્ચસ જાળવી રાખવા માર્ગ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને અવરોધતાં રહે છે. આ વિસ્તારોને વિકાસથી વંચિત રાખવાનો તેમનો બદઇરાદો પાર ન પડે તે રીતે સરકારે લોકોને સુરક્ષા પુરી પાડી વિકાસકાર્યો આગળ વધારતાં રહેવું જોઈએ.


comments powered by Disqus