લંડનઃ ઈસ્ટ લંડનના કેનિંગ ટાઉનના એક ફ્લેટના ચેસ્ટ ફ્રિઝરમાંથી બે મહિલાના મૃતદેહ મળી આવતા ૩૪ વર્ષીય ઝારહિદ યુનુસ પર વિમ્બલ્ડન મેજિસ્ટ્રેટ કોર્ટે કાયદેસર દફનવિધિને અટકાવવાના બે આરોપ મૂક્યા હતા. તેણે મહિલાઓની હત્યા કરી હોવાની શંકાના આધારે ૩૦ એપ્રિલે તેની ધરપકડ કરાઈ હતી. તેને ૨૯મી મેએ કિંગ્સટન ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર કરાશે. ફ્રિઝરમાં બન્ને મહિલાના મૃતદેહ ઉપરાછાપરી એકબીજા પર મૂકાયેલા મળ્યા હતા. આ મહિલાઓ પૈકી એકની ઓળખ ત્રણ સંતાનોની ૩૮ વર્ષીય માતા મીરીકન મુસ્તફા તરીકે થઈ હતી. તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે તે શોપીંગ માટે ગઈ હતી અને નજીકના ન્યૂહામથી ગૂમ થઈ હતી. તેના પાકિટમાં માત્ર ત્રણ પાઉન્ડ અને તેનો મોબાઈલ હતો.
મેટ્રોપોલિટન પોલીસના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર સાયમન હાર્ડિંગે મૃતદેહો જે હાલતમાં મળી આવ્યા તેનાથી તેની તપાસ ખૂબ પડકારજનક અને જટિલ બની હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે ૨૮ વર્ષમાં તેમણે કદી આવો કિસ્સો જોયો નથી.

