હાર્ટ એટેક આવવાનું મહત્તમ જોખમ સોમવારેઃ સંશોધકોનો દાવો

Monday 13th May 2019 07:05 EDT
 
 

સ્ટોકહોમઃ ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલની લોકોના સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસર પડી રહી છે. અસ્વસ્થ જીવનશૈલી અને નબળા આહારને લીધે ઘણા લોકો હૃદયરોગથી પીડાય છે. રિપોર્ટસ અનુસાર, હાર્ટ એટેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. તેનું જોખમ દરેક વયના લોકોમાં જોવા મળી રહ્યું છે. હાર્ટ એટેકને લઈને સ્વીડનમાં એક નવું રિસર્ચ થયું, જેના તારણો ચોંકાવનારા છે. તેમાં એવો દાવો કરાયો છે કે હવે તમે હાર્ટ એટેકના જોખમ વિશે જાણી શકો છો. રિસર્ચ અંતર્ગત સંશોધકોએ ૭ વર્ષ સુધી વિવિધ હોસ્પિટલોના ૧.૫૬ લાખ હાર્ટ એટેકના દર્દીઓનો ડેટા તપાસ્યો. જેમાં સામે આવ્યું કે હાર્ટ એટેકના સૌથી વધુ કિસ્સા સોમવારે અને સૌથી ઓછા શનિવારે જોવા મળ્યા. એવો પણ દાવો કરાયો છે કે સોમવારે હાર્ટ એટેક આવવાનું જોખમ અઠવાડિયાના બીજા દિવસોની તુલનામાં ૧૧ ટકા વધુ હોય છે.
સંશોધનથી એમ પણ માલૂમ પડ્યું કે યુવાન અને કામ કરતા લોકોને સોમવારે હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ વધુ હોય છે, કેમ કે આ દિવસે લોકોમાં કામનું પ્રેશર વધુ હોય છે. આ લોકોમાં સોમવારના દિવસે હાર્ટ એટેક આવવાનું જોખમ અઠવાડિયાના બીજા દિવસોની સરખામણીમાં ૨૦ ટકા વધુ હોય છે.
અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે ડિસેમ્બરમાં હૃદયરોગના હુમલા મહત્તમ નોંધાય છે જ્યારે જુલાઈમાં હાર્ટ એટેક આવવાનું જોખમ સૌથી ઓછું હોય છે. લોકો સૌથી વધુ તણાવ અનુભવતા હોય ત્યારે હૃદયરોગના હુમલાની શક્યતા સૌથી વધુ રહે છે. વધારે પડતી ચિંતા કરવાથી શરીરની સિસ્ટમમમાં ઘણા ફેરફાર થાય છે, જે હૃદયરોગના હુમલાનું જોખમ વધારે છે.


comments powered by Disqus