આપણા અતિથિઃ નીલુ પટેલ

Wednesday 09th January 2019 05:44 EST
 
 

છાપાંના માવામાંથી બનાવેલી અમદાવાદની ઓળખસમી ઐતિહાસિક સીદી સૈયદની જાળીથી નેશનલ એવોર્ડ મેળવીને ગુજરાતને ગૌરવ અપાવનાર નીલુ પટેલ એક ઉત્સાહી કલાકાર છે. મૂળ મહેસાણાના અને વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલ શ્રી ગુણવંતભાઇ જે. પટેલ અને શ્રીમતી કોકિલાબેન પટેલના તેઓ સુપુત્રી છે.

લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, વન્ડર બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, એવરેસ્ટ વર્લ્ડ રેકોર્ડ, સુપર્બ વર્લ્ડ રેકોર્ડ્સ, જિનિયસ બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ, રેકોર્ડ હોલ્ડર્સ રિપબ્લિક – યુકે, સ્પેન, ઈન્ડિયા જેવી અનેક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બુકમાં ગૌરવવંતુ સ્થાન ધરાવનાર નીલુ પેપર મેશી ક્રાફ્ટના ક્ષેત્રે છેલ્લાં ૨૫ વર્ષથી કાર્યરત છે.

પેપર મેશી ક્રાફ્ટ પર બુક લખનાર નીલુ પટેલે પસ્તીમાં આપી દેવાયેલાં છાપાંઓના કાગળના માવા, ગુંદર, માટીના મિશ્રણથી ૨૦૦૦થી વધુ નયનરમ્ય અને અદ્દભુત કલાકૃતિઓ બનાવી છે, જેમાં ગાંધીજીનો ચરખો, લાર્જેસ્ટ પોટ, ફલાવર વાઝ, લેમ્પ શેડ, ઘડિયાળ, ફોટોફ્રેમ, બાજઠ, ઝરૂખા, કચ્છી ઘોડી, શોપિંગ બેગ, કી-ચેઈન, જ્વેલરી લેટરબોક્સ, વિવિધ પ્રકારના માસ્ક વગેરેનો સમાવેશ થાય છે.

નીલુ પટેલ પેપર મેશી આર્ટ દ્વારા પર્યાવરણના જતનનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યાં છે. વધુમાં આ કળામાં રુચિ ધરાવતા યુવતી-યુવાનોને તાલીમ આપી તેને વધુ દેશ-વિદેશમાં ખ્યાતિ મળે તે માટે હંમેશા તત્પર રહે છે. ઈચ્છુક વ્યક્તિઓ તેમની વેબસાઈટ www.creativeneelu.com પર સંપર્ક કરી શકે છે.

આ ઉપરાંત નીલુ પટેલે લંડનમાં “Music From the Silent Flute” (મુંગી વાસળીઓના સૂર) આ નામના ટાઈટલ હેઠળ ૨૪ જુલાઈ થી ૬ ઓગસ્ટ ૨૦૧૭ સુધી બ્રેન્ટ એરીયાની વીલ્સ્ડન ગેલેરી અને નહેરુ આર્ટ સેન્ટર, લંડનમાં પેઈન્ટીંગનું પ્રદર્શન યોજેલ છે. લંડનમાં તેમણે ‘રંગીલુ ગુજરાત ૨૦૧૭’ દરમ્યાન ટ્રાયબલ ઈન્ડિયાના ફેસ્ટીવલમાં પણ ભાગ લીઘો હતો.

તા. ૧૧ થી ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના આર્ટરૂમ્સ લંડન, The Melia White House Hotel, Albeny Street, Regents Park, NW1 3UP ખાતે ૧૦૦ જેટલા ઇન્ટરનેશનલ લેવલના કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરાશે. તેઓ અત્રે ૩ ફેબ્રુઆરી સુધી રોકાશે. વધુ વિગત માટે સંપર્ક: 07511 212 087


comments powered by Disqus