છેલ્લા આઠ દાયકાથી સંગીતક્ષેત્રે પ્રવૃત્ત સૂરસમ્રાજ્ઞી આશા ભોસલેએ તાજેતરમાં કચ્છી ભાષામાં કચ્છના પૂજનીય ગુરુ મનાતા શ્રી ઓધવરામજી બાપાના જીવન પર આધારિત ગીત ‘મુજો રામ ઓધવરામ’ ગાયું છે. કચ્છની વિવિધ જ્ઞાતિઓમાં પૂજનીય ગણાતા ગુરુદેવ ઓધવરામજી બાપાનું આ ભજન છે.
અનાજના વેપારી ભાવેશ ભાનુશાલીએ આ ગીત લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે. આ પ્રકારનું ગીત બનાવવા પાછળના હેતુ વિશે ભાવેશભાઈ કહે છે, ‘મારાં ૯૫ વર્ષનાં દાદીની ઇચ્છા હતી કે આશા ભોસલેના અવાજમાં ગુરુદેવની સ્તુતિ કરતું એક ગીત હોય તો કેવું સારું. પદ્મવિભૂષણ આશા ભોસલેના ફેન-ફોલોઇંગમાં દરેક ઉંમરના લોકો છે. મારાં દાદી એમાંનાં એક. મને પણ મ્યુઝિકમાં વિશેષ રસ હતો એટલે દાદીની ઇચ્છાને પૂરી કરવા માટે સૌથી પહેલાં તો મેં ગીત લખવાનું શરૂ કર્યું અને કેટલાક મિત્રોની મદદથી એ માટેનું મ્યુઝિક તૈયાર કર્યું. સંત ઓધવરામજી કચ્છના ઉપકારી સંત ગણાય છે અને લોકસેવાના અને જ્ઞાતિના ઉદ્ધારક તરીકે ગૌભક્ત આ સંતને ઘણા કચ્છીઓ પૂજનીય ગણે છે.