સિડનીઃ ટીમ ઇંડિયાએ સાત દસકા બાદ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી તેમાં ટીમનો સહિયારો પ્રયાસ જોવા મળ્યો છે. જોકે, આ શ્રેણી વિજયમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ૭૧ વર્ષ પછી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં કોઈ શ્રેણી પોતાના નામે કરી બતાવી છે ત્યારે તેના વિજયમાં સૌરાષ્ટ્રના બે સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજા તેમજ અમદાવાદના તેજીલા તોખાર જેવા બોલર જસપ્રીત બુમરાહનો સિંહફાળો રહ્યો છે.
સમગ્ર શ્રેણીમાં બંને ટીમના મોટા ભાગના બેટ્સમેન નિષ્ફળ રહ્યા છે ત્યારે ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં કેવી રીતે બેટિંગ કરાય તે ક્રિકેટ જગતને દેખાડી દીધું. ૧૨૫૮ બોલનો સામનો કરતા મેન ઓફ ધ સિરીઝ બનેલા પૂજારાએ કુલ ૫૨૧ રન ફટકાર્યા જેમાં ત્રણ સદી સામેલ છે. તેણે એકલા હાથે ઓસ્ટ્રેલિયાને ઘૂંટણીયે પાડી દીધું હતું. ક્રિકેટ પંડિતો કહી રહ્યા છે કે યુવાન ખેલાડીઓએ ટેસ્ટમાં કેવી રીતે બેટિંગ કરવી તે શીખવા માટે પૂજારાની બેટિંગ જોવી જોઈએ.
જ્યારે બોલિંગની વાત કરીએ તો અમદાવાદના જસપ્રીત બુમરાહ સામે કાંગારુ બેટ્સમેનો લાચાર જોવા મળ્યા હતા. તેમાં પણ મેલબોર્નમાં બુમરાહે તરખાટ મચાવ્યો હતો અને કુલ નવ વિકેટ ઝડપીને ભારતને વિજય અપાવ્યો હતો. બુમરાહે ચાર મેચમાં ૨૧ વિકેટ પોતાના નામે કરી છે. બેટિંગમાં જેટલી પ્રશંસા પૂજારાની થઈ રહી છે તેટલી જ પ્રશંસા બોલિંગમાં બુમરાહની કરવામાં આવી રહી છે. મેલબોર્ન ટેસ્ટમાં તો તેના ઘાતક સ્પેલે આખી બાજી પલટી નાંખી હતી.
આ ઉપરાંત અંતિમ બે ટેસ્ટમાં સામેલ કરવામાં આવેલા રવીન્દ્ર જાડેજાએ પણ પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી. જાડેજાએ ઓલ-રાઉન્ડરની ભૂમિકા ભજવી અને બે મેચમાં ૯૦ રન નોંધાવવા ઉપરાંત સાત વિકેટ પણ પોતાના નામે કરી છે. જાડેજાને એડિલેડ અને પર્થ ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સમાવાયો નહોતો. જોકે અશ્વિન ઈજાગ્રસ્ત થતાં મેલબોર્ન અને સિડની ટેસ્ટમાં તેને તક આપવામાં આવી હતી. મેલબોર્નમાં તેણે રિષભ પંત
સાથે મળીને બેવડી સદીની ભાગીદારી નોંધાવી હતી અને ૮૧ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
પુત્રની સદી સમયે પિતાની સર્જરી ચાલતી હતી
અંગ્રેજીમાં ખૂબ જ જાણીતું વાક્ય છે, ‘શો મસ્ટ ગો ઓન’. પરિસ્થિતિ ગમેતેટલી વિકટ કેમ ના હોય, પણ તેનાથી વિચલિત થયા વિના તમને જે જવાબદારી સોંપાઇ છે તેમાં શ્રેષ્ઠ યોગદાન આપવાનું છે. ‘શો મસ્ટ ગો ઓન’ વાક્ય બોલવું ખૂબ જ સરળ છે, પરંતુ તેને આત્મસાત્ ખૂબ જ ઓછા લોકો કરી શકતા હોય છે અને તેમાં ભારતીય ટીમના ‘ધ વોલ’ ચેતેશ્વર પૂજારાનો સમાવેશ થાય છે.
સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારા સદી ફટકારીને ભારતની મજબૂત સ્થિતિનો તખતો તૈયાર કરી રહ્યો હતો. ત્યારે પિતા અરવિંદ પૂજારા મુંબઈની હોસ્પિટલમાં હૃદયના ધબકારા અનિયમિત રીતે વધી જતા હોવાથી સારવાર લઇ રહ્યા રહ્યા હતા. પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર એવા પિતા ૬૮ વર્ષીય અરવિંદ પૂજારાએ ચેતેશ્વર સાત વર્ષનો હતો ત્યારથી ક્રિકેટનો કક્કો શીખવ્યો છે. અરવિંદ પૂજારા જ ચેતેશ્વરના એકમાત્ર કોચ રહ્યા છે.
મુંબઈમાં સર્જરી બાદ અરવિંદભાઇએ એક અખબાર સાથેની વાતમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં મારા પુત્રની થઈ રહેલી પ્રશંસાથી હું ખુબ જ ખુશ છું. જે પણ લોકોને ચેતેશ્વરની બેટિંગક્ષમતા સામે શંકા હતી તે હવે દૂર થઈ ગઈ હશે. હું ઘરે જઈને ચેતેશ્વરની બેટિંગની રિપ્લે જોઈશ.
ચેતેશ્વરના પત્ની પૂજાએ જણાવ્યું હતું કે સિડની ટેસ્ટના પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં અમે ચેતેશ્વરની બેટિંગ જોઈ હતી. આ પછી અમારી ફ્લાઈટ હતી. અમે મુંબઈ એર પોર્ટમાં ઉતર્યા ત્યારે જાણવા મળ્યું કે ચેતેશ્વર સદીની નજીક છે. આ પછી અમે ફોન દ્વારા તેની ઈનિંગ્સની જાણકારી મેળવી હતી. ચેતેશ્વર ગયા વર્ષે ૨૨ ફેબ્રુઆરીના રોજ એક પુત્રીનો પિતા બન્યો છે. ચેતેશ્વરની પુત્રી અદિતિ હજુ નાની હોવાથી પૂજાએ ઓસ્ટ્રેલિયાનો લાંબો પ્રવાસ ટાળ્યો હતો.
સિડની ટેસ્ટ અગાઉ ચેતેશ્વરને તેના પિતાની સર્જરી અંગે જાણ કરાઈ હતી. જોકે, ચેતેશ્વરે ચોથી ટેસ્ટમાં સ્વસ્થતા ગુમાવ્યા વિના બેટિંગ કરીને ભારતના મજબૂત સ્કોરનો પાયો રચ્યો હતો. અરવિંદભાઇએ વધુમાં જણાવ્યું હતું કે અમારા ડોક્ટરે જ ચેતેશ્વરને ફોન કરીને સર્જરીમાં મોડું નહીં થવા દેવાની જાણ કરી હતી. તેમની વચ્ચે ખૂબ જ લાંબી વાત થઈ હતી અને ચેતેશ્વરને સંપૂર્ણ ધરપત થયા બાદ જ સર્જરી માટે આગળ વધ્યા હતા.

