ઓસ્ટ્રેલિયામાં ૨૮ કેપ્ટન ન કરી શક્યા તે વિરાટે કરી દેખાડયું

Wednesday 09th January 2019 06:24 EST
 
 

સિડનીઃ વિદેશી ધરતી પર ટેસ્ટ સિરીઝની વાત આવે ત્યારે ભારતીય ટીમને નબળી આંકવામાં આવતી હતી પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે ૧૯૪૭-૪૮થી ૨૦૧૮-૧૯ દરમિયાન ૨૯ કેપ્ટનોએ દમ લગાવ્યો હતો, પરંતુ સફળતા માત્ર વિરાટ કોહલીને મળી હતી. તેમાં વિરાટ કોહલી સહિત ભારતના ૧૩ કેપ્ટન, પાકિસ્તાનના ૧૦ કેપ્ટન અને શ્રીલંકાના પાંચ કેપ્ટન સામેલ છે જ્યારે બાંગ્લાદેશનો એક કેપ્ટન પણ છે. એટલે ઓસ્ટ્રેલિયામાં જે ૨૮ કેપ્ટન ન કરી શક્યા તે કોહલીએ કરી બતાવ્યું હતું.

મારી સૌથી મોટી સિદ્ધિઃ કોહલી

પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં વિજય અપાવનાર વિરાટ કોહલી પોતાની સૌથી મોટી સિદ્ધિ માને છે. તેનું કહેવું છે કે, તેનાથી ભારતીય ટીમની એક અલગ ઓળખ બનશે. વિરાટ કોહલી આઠ વર્ષ પહેલાં ધોનીની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી ચૂક્યો છે પરંતુ તે ઓસ્ટ્રેલિયામાં મળેલી જીતને વર્લ્ડ કપથી પણ મોટી જીત માને છે. વર્લ્ડ કપની તુલનાએ આ જીત કેમ વિશેષ છે તે અંગે કોહલીએ કહ્યું કે, હું ૨૦૧૧માં વર્લ્ડ કપની વિજેતા ટીમમાં સામેલ હતો, પરંતુ હું લગણીઓમાં તણાયો નહોતો કારણ કે મને તે પહેલાં વર્લ્ડ કપ ગુમાવવાનો ગમ નહોતો. ઘણા સિનિયર ખેલાડીઓ લાગણીઓના પૂરમાં તણાયા હતા. તે તેમના માટે હતું કે, શું મેળવ્યું હતું. હું તે ટીમમાં સામેલ હતો તે મોટી વાત હતી પરંતુ મને પૂછશો કે, મારા જીવનમાં કઈ ક્ષણ ભાવનાત્મક છે તો હું ઓસ્ટ્રેલિયાની સિરીઝ જીતને ગણાવીશ. કારણ કે, મારો ઓસ્ટ્રેલિયામાં ત્રીજો પ્રવાસ છે અને મને અનુભવ છે કે, અહીં જીતવું કેટલું મુશ્કેલ હોય છે.

આ શ્રેષ્ઠ ભારતીય ટીમ : પૂજારા

ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયન ધરતી પર પ્રથમ વાર ટેસ્ટ સિરીઝ જીતનાર વર્તમાન ટીમ અંગે કહ્યું કે, તે અત્યાર સુધી જેટલી પણ ટીમમાં રમ્યો છે તેમાં આ ટીમ સર્વશ્રેષ્ઠ છે. પૂજારાએ કહ્યું કે, આ અમારા માટે ઘણો સારો અહેસાસ છે. અમે વિદેશોમાં સિરીઝ જીતવા માટે આકરી મહેનત કરી હતી અને ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવી ક્યારેય આસાન નથી રહી. હું જે ભારતીય ટીમમાં રમ્યો છે તેમાં આ સર્વશ્રેષ્ઠ છે. હું ટીમના તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું.
પૂજારાએ બોલરોની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું અમે ચાર બોલર સાથે રમ્યા હતા અને ૨૦ વિકેટ ઝડપવી આસાન નથી હોતી. આથી જીતનું શ્રેય ઝડપી અને સ્પિન બોલરોને જાય છે. પોતાના પ્રદર્શન અંગે પૂજારાએ કહ્યું કે, હું મારા યોગદાનથી ખુશ છું. એક બેટ્સમેન તરીકે મેં ઝડપી અને ઉછાળભરી પીચ સાથે તાલમેલ મેળવ્યો હતો.

કોહલીએ ટીમની પ્રશંસા કરી

વિરાટ કોહલીએ ચેતેશ્વર પૂજારા, જસપ્રીત બુમરાહ, મયંક અગ્રવાલ અને રિષભ પંત સહિત ટીમના તમામ ખેલાડીઓની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું પૂજારાનો ખાસ ઉલ્લેખ કરવા માગું છું. તે એક એવો બેટ્સમેન છે જે હંમેશાં પડકારનો સામનો કરવા તૈયાર રહે છે. તે વિશ્વનો સૌથી વિનમ્ર વ્યક્તિ છે. કોહલીએ મયંક અંગે કહ્યું કે, તેણે બોક્સિંગ ટેસ્ટમાં સામેલ કરાયો હતો અને તેણે હાઇ ક્વોલિટી એટેક સામે ઘણી સારી બેટિંગ કરી હતી. તે રીતે પંતનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. બોલરોની પ્રશંસા કરતાં કહ્યું કે, અમે જાણતા હતા કે, બેટ્સમેનો સ્કોર કરે તો અમારા બોલરો ઘાતક સાબિત થશે. એવું જ થયું હતું. અમારા બોલરોએ સમગ્ર સિરીઝમાં ઘણી શાનદાર બોલિંગ કરી હતી.


comments powered by Disqus