વિન્ડરશ કૌભાંડને લીધે થોડાં મહિના અગાઉ હોમ ઓફિસ અને થેરેસા મે સરકાર અતિશય દબાણ હેઠળ હતાં. માત્ર વર્ણને લીધે સેંકડો, હજારો માઈગ્રન્ટ શ્રમિકોને પહેલા તો યુકે આવવા આમંત્રણ અપાયું. બાદમાં તેમનું અપમાન કરાયું અને હોમ ઓફિસ તથા જુદી જુદી સરકારો દ્વારા તેમની સાથે અયોગ્ય વય્વહાર કરવામાં આવ્યો. હોમ ઓફિસ તેમજ બ્રિટિશ સરકારને સ્થિરતા, આદર અને સ્વીકૃતિ અપાવી શકે તેવી એક વ્યક્તિની શોધ ચાલી રહી હતી. લગભગ બધાએ એક નામનું સર્વાનુમતે સૂચન કર્યું. સાજિદ જાવિદ સૌ પ્રથમ અશ્વેત હોમ સેક્રેટરી બન્યા. એશિયનોએ ગૌરવની લાગણી અનુભવી. કેટલાંક લોકોએ તો તેઓ ગ્રેટ બ્રિટનના પ્રથમ બ્રિટિશ એશિયન વડા પ્રધાન બનશે તેવી આગાહી સુદ્ધાં કરી હતી. સંપૂર્ણપણે સ્વચ્છ ટ્રેક રેકર્ડ અને સાલસ સ્વભાવ ધરાવતી આ વ્યક્તિએ હોમ ઓફિસને સ્થિરતા બક્ષી. એટલું જ નહીં પરંતુ તાજેતરના સમયમાં ટોરી સરકાર માટે સૌથી લાંબો સમય હોમ સેક્રેટરી તરીકે સેવા આપનારા થેરેસા મેનું જીવન પણ તેમણે સરળ બનાવી દીધું.
ક્રિસમસ વેકેશન દરમિયાન લગભગ ૧૦૦ જેટલાં માઈગ્રન્ટ્સે યુરોપિયન મેઈનલેન્ડથી ઈંગ્લિશ ચેનલ પાર કરીને આવવાનો પ્રયાસ કર્યો. સાજિદ જાવિદે તેમનું વેકેશન ટૂંકાવી દીધું અને બોર્ડર એજન્સી અને નેશનલ ક્રાઈમ એજન્સીના સિનિયર અધિકારીઓ સાથેની બેઠકનું અધ્યક્ષપદ સંભાળવા દોડી આવ્યા હતા. તેમણે વ્યવસ્થિત રીતે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો.
મીડિયા ઉન્માદમાં આવી ગયું અને દરેક મીડિયામાં ઈમિગ્રેશન જ હેડલાઈન બનીને ચમક્યું. મીડિયામાં માઈગ્રેશનના કવરેજ અને રાજકીય વાકચાતુર્યથી વાસ્તવિકતાને કેવી અસર પહોંચે અને ખોટી માન્યતાઓને કેટલું જોર મળે તેનું આ એક ઉદાહરણ છે. સામાન્ય પ્રજા માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે બ્રેક્ઝિટ બાબતોમાં ઈમિગ્રેશન યુકેના બહુમતિ મતદારો બ્રેક્ઝિટને શા માટે સમર્થન આપે છે તેનું મુખ્ય કારણ બની ગયા છે.
સામાન્ય રીતે બને છે તેમ અહેવાલો વિશે વિવિધ વિચારધારા હતી. કેટલાંકે સાજિદ જાવિદના નિર્ણય વિશે પ્રશ્રો ઉઠાવ્યા, બાકીના એવું માને છે કે તેમણે યોગ્ય જ કર્યું છે, તો કેટલાંકે તો તેમના વલણને વખોડ્યું પણ ખરું. અમુક હદ કરતાં વધુ ટીકા ન થતી હોય ત્યાં સુધી આ બધું સ્વીકારી શકાય તેમ હોય. પ્રખ્યાત કવિતા ‘ધ પેટ્રિઅટ’માં હતી તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવો મને ડર છે.
સાદિક ખાનની પરિસ્થિતિ પણ તેમના જેવી જ છે. તેઓ સ્પષ્ટવક્તા અને મુસ્લિમ હોવા છતાં જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. એક તબક્કે તેમને લેબર પાર્ટીના સૌથી લોકપ્રિય રાજકારણી ગણાવાયા હતા. પાછળથી એવી સ્થિતિ સર્જાઈ કે કન્ઝર્વેટિવ્સ તરફથી જ નહીં પણ લેબર પાર્ટીના સભ્યો તરફથી તેમને સંખ્યાબંધ આક્ષેપોનો સામનો કરવો પડ્યો.
જ્યારે પણ અશ્વેત વ્યક્તિ રાજકારણ, વ્યવસાય, બિઝનેસ અથવા અન્ય જાહેર પ્રવૃત્તિઓમાં આગળ આવે છે ત્યારે શરૂઆતમાં તો તેમને આવકાર મળે છે, પ્રશંસા થાય છે, ખૂબ વખાણ થાય છે અને પછી એવો તબક્કો આવે છે જ્યારે માત્ર સ્થાપિત હિતોને કારણે જ તેમને લક્ષ્ય બનાવવામાં આવે છે. આ ખૂબ દયાજનક વાત છે.
મને યાદ આવે છે કે ૧૯૮૮માં નોનBAME બેકગ્રાઉન્ડના હાઉસ ઓફ લોર્ડ્સના એક સભ્યે મને કહ્યું હતું,‘ આજે હાઉસ ઓફ કોમન્સના ચાર અશ્વેત સભ્યો (પૌલ બોટેંગ, કિથ વાઝ, ડાયેન એબોટ અને બર્ની ગ્રાન્ટ) આગળ આવ્યાં છે. સમય જવા દો. વહેલા અથવા મોડા જુદા જુદા કારણોસર તેમને હાંસિયામાં ધકેલી દેવાશે, અવગણના થશે અને આગળ વધતા અટકાવી દેવાશે.’
મને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યૂઈશ સમાજે આવી આપત્તિ સામે રક્ષણ માટે ખૂબ મજબૂત લોબીની રચના કરી છે. અશ્વેત અને એશિયનોએ તેવું છત્ર મળે તેના માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે યુએસને પણ તેવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો. લાંબા ગાળે એક અશ્વેત વ્હાઈટ હાઉસ સુધી પહોંચ્યા. ૧૯૫૫માં હતું તેના કરતાં આજનું અમેરિકા અલગ છે અથવા તે બાબતે ૧૯૮૮ કરતાં જુદું છે. પરંતુ, બ્રિટન કદાચ એક BAME વડા પ્રધાન માટે નજદીકના ભાવિમાં તૈયાર થશે નહીં, કારણ કે સત્ય સુનિશ્ચિત કરે તેવા સામૂહિક સૂરોનો અભાવ યુકેની લાક્ષણિકતા છે.
