બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પૂ. મહંત સ્વામી હાલ મુંબઈ ખાતે વિચરણ કરી રહ્યા છે. ૩૧ ડિસેમ્બરે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં યુવા અધિવેશન ઉદઘોષ સભા યોજાઈ હતી. દીપ પ્રગટાવીને પૂ. મહંત સ્વામીએ સભાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે યુવાનોને સભામાં ભાગ લેવા પ્રેરણાવચનો કહ્યા હતા. તા.૨ જાન્યુઆરીએ અક્ષર પુરુષોત્તમ દિન હતો. તેમાં સ્વામીનારાયણ ભાષ્યોના ગ્રંથકાર ભદ્રેશ સ્વામી સાથે પ્રશ્રોત્તરી યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ગુરુહરિ પૂ. પ્રમુખ સ્વામી અને પૂ. મહંત સ્વામીની પ્રેરણા અને આશીર્વાદથી તેઓ ભાષ્યો રચી શક્યા હતા. ૩જીએ ઘરસભા દિન ઉજવાયો હતો. ઘરસભામાં દરેક ઘરમાં પરિવાર ભેગો થઈને સભા કરે છે. કાર્યક્રમમાં સંવાદ દ્વારા ઘરસભાના ફાયદા જણાવવામાં આવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું,‘ઘરસભા એવી સમજણ ઉભી કરે કે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. નહીંતર કરોડોપતિ કે અબજોપતિ હોય પણ અણસમજણને લીધે કલેશ..કલેશ..’. ૪થીએ બ્રહ્મ કિલ્લોલ દિનની ઉજવણી કરાઈ હતી. બાળકો, યુવાનો અને વડીલોએ સંગીત ખુરશી તેમજ અન્ય રમતોમાં ભાગ લીધો હતો. પૂ. મહંત સ્વામીએ પૂ. યોગીબાપાના રમૂજી પ્રસંગો કહીને સૌ હરિભક્તોને બ્રહ્મ કિલ્લોલ કરાવ્યો હતો. પૂ. મહંત સ્વામીના મુંબઈ વિચરણ દરમિયાન અનેક મહાનુભાવો તેમની મુલાકાત લેવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે. ૪થીએ ચીનના કોન્સ્યુલેટ જનરલ ટેંગ જુકાઈ આવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા હતા. તેમણે સ્વામીને ચીન પધારવા આમંત્રણ પાઠવ્યું હતું. ૫મીએ યોજાયેલા સમય દાન યજ્ઞ દિવસમાં આવતા વર્ષે મુંબઈમાં યોજાનારા પૂ. પ્રમુખ સ્વામી જન્મજયંતી મહોત્સવમાં હરિભક્તોને સમયદાનની પ્રેરણા અપાઈ હતી. ૬ઠ્ઠીએ રવિ સભા દિન જ્યારે ૭મીએ વરણી વિચરણ દિન ઉજવાયો હતો.

