વોશિંગ્ટનઃ આયુર્વેદમાં પણ વહેલા સૂવું અને વહેલા ઊઠવું એ સદાબહાર સ્વસ્થ રહેવાની ગુરુચાવી ગણાવવામાં આવી છે. આ જ વાતની સત્યતા પર પશ્ચિમના દેશોએ પણ સંશોધનો અને પુરાવાઓ પછી મહોર મારી છે. જો તમે રાતના રાજા હો તો આ અભ્યાસને ગંભીરતાથી લેવાની જરૂર છે.
મધરાત સુધી જાગવા અને સુરજ માથે ચડે ત્યારે ઉઠવાની આદત હોય તો હાર્ટ ડિસીઝ અને ટાઈપ-ટુ ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. અમેરિકાએ આ તારવ્યું છે. વહેલા સૂઈને વહેલા ઊઠનારા તેમજ મોડી રાત સુધી જાગનારાઓ પર આ આદતને કારણે સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તે આ સંશોધકોએ તપાસ્યુ હતું. જેમ સૂર્યનું દિવસ-રાતનું ૨૪ કલાકનું એક ચક્ર છે એમ આપણા શરીરની અંદર પણ એક કલોક છે જે ૨૪ કલાકના ચક્ર મુજબ ચાલે છે જેને સર્કાડિયન રિધમ અથવા તો ક્રોનોટાઈપ કહેવાય છે. આ રિધમ મુજબ શરીરના તમામ ફંકશન્સ કામ કરે છે એ તમારે ક્યારે ખાવું, ક્યારે સૂવું, ક્યારે જાગવું જેવી બાબતોનું નિયંત્રણ કરે છે.
વ્યક્તિની ક્રોનોટાઈપ કેવી છે એ મુજબ તેનો કુદરતી રીતે સૂવા ઊઠવાનો ક્રમ નિશ્ચિત કરે છે. જે લોકોનો કુદરતી ક્રમ જ સાંજ પછી વધુ એક્ટિવ થવાનો હોય છે. તેમને હાર્ટડિસીઝ અને ટાઇપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાની સંભાવના વધુ હોય છે. જે લોકો મોડા સૂવા જાય છે તેમની ખાવાપીવાની આદતો અનહેલ્ધી હોય છે તેઓ વધુ આલ્કોહોલ, શુગર અને કેફીનેટેડ પીણા લે છે. બોડીની રિધમ વહેલી સવારથી મોડી સાંજ સુધી એક્ટિવ રહેતી હોય એવા લોકોની ડાયટ એક્સરસાઇઝની પસંદ નેચરલી જ હેલ્ધી હોય છે જ્યારે રાતના રાજાઓમાં અનહેલ્ધી આદતો વધુ વણાયેલી હોવાથી તેમને હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસ થવાનું જોખમ અઢી ગણું વધારે હોય છે.

