દિવ્યાંગ અરુણિમા સિન્હાએ એન્ટાર્કટિકાનું સૌથી ઊંચું શિખર સર કરીને ઈતિહાસ રચ્યો

Wednesday 09th January 2019 06:04 EST
 
 

નવી દિલ્હી: એવરેસ્ટના શિખર પર પહોંચનારી વિશ્વની સૌપ્રથમ દિવ્યાંગ મહિલા તરીકેનો વિશ્વવિક્રમ સર્જનારી ભારતની અરુણિમા સિન્હાએ એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખર-સેંટ વિન્સનને સર કરીને ઈતિહાસ રચી દીધો છે. તે સેંટ વિન્સન પર પહોંચનારી વિશ્વની સૌપ્રથમ દિવ્યાંગ મહિલા બની છે.
૩૦ વર્ષની અરુણિમા ભૂતપૂર્વ નેશનલ વોલીબોલ પ્લેયર રહી ચૂકી છે. તેણે એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખરને સર કરવાની સિદ્ધિની જાહેરાત ટ્વિટર પર કરી હતી. અરુણિમાની સિદ્ધિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ બિરદાવી હતી.
વર્ષ ૨૦૧૧માં પદ્માવતિ એક્સપ્રેસ ટ્રેનમાં તોફાની તત્વોના ચેન સ્નેચિંગના પ્રયાસનો અરુણિમાએ વિરોધ કર્યો હતો. જેના કારણે તેને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી અને આ દુર્ઘટનામાં તેને એક પગ ગુમાવવો પડયો હતો.
જોકે આ ઘટના બાદ તેણે હિંમત ન હારી અને પર્વતારોહણ શરૂ કર્યું હતું. તેણે વર્ષ ૨૦૧૩માં એવરેસ્ટ પર પહોંચવામાં સફળતા હાંસલ કરી હતી.


comments powered by Disqus