અપરંપાર ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કર્યા પછી પણ માણસની આંતરિક શાંતી અને આત્માના આનંદ માટેની ખોજ ચાલુ જ રહેતી હોય છે. આ નિરંતર ખોજ કોઈ એક દિવ્યાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થયા પછી જ પૂર્ણ થતી હોય છે. જીવનને સાર્થકતા આપનાર આવા દિવ્યાત્માને આપણે 'ગુરૂ' તરીકે ઓળખીએ છીએ. આજથી લગભગ ત્રણ દાયકા પહેલા આવી જ કોઈ ખોજમાં એક યુવાન ખભે થેલો નાખીને નીકળી પડે છે. સંત અને સુરાઓની ભૂમિ તરીકે જાણીતા, ગરવા ગિરનારના સાનિધ્યમાં આવેલા જુનાગઢના ચાંપરડા ગામે પહોંચે છે. જયાં ધ્રાફડ નદીના કિનારે, એક શીલા પર બીરાજેલા એક દિવ્યાત્મામાં એ યુવાનને સત્યતા અને પ્રખર આધ્યાત્મિકતાના દર્શન થાય છે, જયાં તેમની એક સાચા ગુરૂની ખોજ પૂર્ણ થાય છે.
એ દિવ્યાત્મા એટલે પૂજય શ્રી મુકતાનંદબાપુ અને ખોજી યુવાન એટલે અજયભાઈ સોમચંદભાઈ ગુડકા. પૂ. મુકતાનંદબાપુના સાનિધ્ય થકી અજયભાઈની અંદર 'નિષ્કામ કર્મયોગ'નું બીજ રોપાયુ, જે સમયાંતરે વટવૃક્ષ બની ગયુ. અહીંથી એમના જીવનમાં અદભુત વળાંક આવ્યો અને શરૂ થઈ એક સેવાકીય સહયાત્રા, જે આજ સુધી અવિરતપણે ચાલુ છે અને દિનપ્રતિદિન વિકાસ પામી રહી છે.
તે અંતર્ગત અજયભાઈએ સને ૧૯૯૮માં યુ.કે. સ્થિત BEHT (ભગવતીનંદજી એજયુકેશન એન્ડ હેલ્થ ટ્રસ્ટ)ની સ્થાપના કરી. સરાહનિય બાબત એ છે કે BEHT છેલ્લાં ર૦ વર્ષ દરમિયાન ૩.પ મિલિયન પાઉન્ડ જેવી માતબાર રકમ એકઠી કરવામાં સફળ રહયું, જે રકમ શિક્ષણ અને હેલ્થના પ્રોજેકટસ માટે ભારતસ્થિત ચાંપરડામાં વાપરવામાં આવી.
પૂ.મકતાનંદબાપુના ખભા સાથે ખભો મિલાવીને અજયભાઈએ એક પછી એક અનેક સોપાનો સર કર્યા. જેના અંતર્ગત...
(૧) સન ર૦૦૦–બ્રહ્માનંદ વિદ્યાધામ સ્કુલ, ચાંપરડા, (ર) સન ર૦૦૧– ગોપાલાનંદજી વિદ્યાસંકુલ સ્કુલ, અધોઈ, કચ્છ, (૩) સન ર૦૦૪–પ્રેમાનંદ વિદ્યાધામ સ્કુલ, જુનાગઢ, (૪) સન ર૦૦પ–બ્રહ્માનંદ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ, (પ) સન ર૦૦૮–બ્રહ્માનંદ ગ્રુપ ઓફ કોલેજીસ બી.એડ.કોલેજ, બી.બી.એ., બી.સી.એ., બી.એસ.સી., નર્સીગ કોલેજ, ચાંપરડા, (૬) સન ર૦૧૧–નિવિદ્યા સ્કુલ, જુનાગઢ, (૭) સન ર૦૧ર–એડયુવર્ડ સ્કુલ, જુનાગઢ, (૮) સન ર૦૧ર– જય અંબે ચેરિટેબલ હોસ્પિટલ, ચાંપરડા (૯) સન ર૦૧૩–આનંદધારા પ્રોજેકટ, ચાંપરડાની સ્થાપના કરવામાં આવી.
આ ઉપરાંત વૃધ્ધાશ્રમ–ચાંપરડા, વૃધ્ધાશ્રમ–ગાંધીનગર, વૃધ્ધાશ્રમ– મેંદરડા, વૃધ્ધાશ્રમ–ગુપ્તપ્રયાગ, અંધ શાળા–ચાંપરડા, ગૌશાળા–ચાંપરડાની સ્થાપના કરવામાં આવી અને કચ્છ ધરતીકંપ, નેપાળ ધરતીકંપ અને તેના જેવી કુદરતી હોનારતો વખતે સઘન કાર્ય કરવામાં આવ્યું.
આમ જીવનનો અર્થ શોધવા નીકળેલા એક યુવાને એક સાચા સંતના સહકારથી અનેક ઉત્કૃષ્ટ કાર્યો કર્યા અને અનેક લોકોના જીવનને સકારાત્મક વળાંક આપ્યો. તેઓની ર૦ વર્ષની સેવાકીય પ્રવૃતિઓની નોંધ લઈને, કવીન ઓફ ઈંગ્લેન્ડ ધ્વારા અજયભાઈને ન્યુયર્સ ઓનર્સ લિસ્ટ અંતર્ગત (MOST EXCELLENT ORDER OF BRITISH EMPIRE) એવોર્ડ આપવામાં આવ્યો.
બીજાના માટે પોતાની જીંદગી સમર્પિત કરી દેનાર અજયભાઈ ગુડકાને શત શત અભિનંદન...

