માથા અને ગળાના કેન્સર સામે ઝઝૂમી સૌથી લાંબુ જીવનારા અને કેન્સરના દર્દીઓમાં પ્રાણ પૂરી નિર્ભય બનાવવાના મિશનમાં સક્રિય અમદાવાદના વણિક પુત્ર શ્રી શ્રેણિક શાહને ૬ અને ૭ નવેમ્બર ૨૦૧૮ના રોજ નોટિંગહામ ખાતે યોજાયેલ હેડ અને નેક કેન્સર કોન્ફરન્સમાં હાજર રહેવા આમંત્રણ મળ્યું હતું. જેમાં તેમણે કેન્સર સામે કઇ રીતે લડત આપી અને એમના જેવા બીજા કેન્સરના દર્દીઓના મસીહા બનવાનું મિશન આદર્યું એ માટે પોતાના ૨૨ વર્ષના કટોકટીભર્યા જીવનના પ્રેરક અનુભવો રજુ કર્યા હતા. આવા કેન્સર સામે ઝઝૂમનારા વિશ્વભરમાં રેકોર્ડ સર્જનારા દર્દીઓમાં એમની ગણના થાય છે.
એક માત્ર ભારતીયને આ સન્માન મળ્યું છે. આવા ગૌરવવંતા ગુજ્જુભાઇને અભિનંદન
શ્રી શ્રેણિકભાઇને સ્વરપેટી પર કેન્સર થયાનું નિદાન થયું. એમણે આવી પડેલા સંજોગોનો સામનો કરવાનું અને નિર્ભય રહેવાનું મનોમન નક્કી કરી લીધું. ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ તેમને ગળામાં ગાંઠ દેખાઇ. કેન્સર સર્જન ડો. કૌસ્તુભ પટેલે એમની સ્વરપેટી કાઢી એના સ્થાને ઇલેક્ટ્રો લાર્યાન્ક્ષ (બોલી શકાય એ માટેની વૈકલ્પિક પધ્ધતિ) ગળામાં મૂક્યું.
આ એક રોબોટ જેવું છે. જેને કારણે સ્પષ્ટ ઉચ્ચારો સહિત બોલી શકાય પણ અવાજ વિચિત્ર લાગે. અવાજ ભલે ઘોઘરા જેવો સંભળાય પણ એથી શું ?! હિમત થોડી હારી જવાય! કોમ્પ્યુટરના આધુનિક ઉપકરણોના ઉપયોગથી એમને નવી ક્રાંતિ સર્જવાનું સ્ફૂર્યું. તેમણે પોતાના અનુભવોની વહેંચણી સોશિયલ મીડિયા દ્વારા કરી. કેન્સરપીડિતોને વ્યક્તિગત સલાહ આપવાનું અભિયાન પણ આદર્યું. તેઓ ‘એમ્બેસેડર ઓફ કેન્સર એઇડ’ બન્યા. કેન્સરના દર્દીઓમાં પ્રાણ પૂરવા ચાલતા મિશનમાં નવું FB પેજ ‘ડેડીકેટેડ ટુ ધ વીન ટુ વીલ’ શરૂ કર્યું. તેઓ કેન્સરના દર્દીઓને પ્રેરણા પૂરી પાડનાર સક્રિય કાઉન્સેલર તરીકે સેવા આપી રહ્યા છે. આ સેવા અને સમર્પિત કાર્યની કદરરૂપે એમને અનેક એવોર્ડ્સથી સન્માનિત કરાયા છે.
એમની આ હિંમતભરી, નિર્ભય ગાથાને તાજેતરમાં ૬ અને ૭ નવેમ્બર ૨૦૧૮ના રોજ નોટિંગહામ ખાતે યોજાયેલ વિશ્વની હેડ અને નેક કોન્ફરન્સ ૨૦૧૮માં ‘ધ સ્વેલોસ હેડ એન્ડ નેક કેન્સર સપોર્ટ ગૃપ' તરફથી એક માત્ર ભારતીય ગુજ્જુભાઇને સ્થાન મળ્યું. જેમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, સ્પેન, ઝેક રિપબ્લિક અને રોમાનિયા વગેરે દેશોના ૨૦૦ થી ૨૫૦ જેટલા વક્તાઓને આમંત્રિત કરાયાં હતાં.
૭ નવેમ્બરે દિવાળી હોવાને કારણે શ્રેણિક શાહે સૌનું સ્વાગત કરતા પોતાના પ્રેઝન્ટેશનમાં ભારતીય સંસ્કૃતિમાં દિવાળીની મહત્તા દર્શાવી રજુ કરેલ વક્તવ્ય સૌના દિલને સ્પર્શી ગયું. પરિણામે ૨૦૧૯ના વર્ષની કોન્ફરન્સમાં પણ એમનું સ્થાન નિશ્ચિત થઇ ગયું. એ દિવસે પ્રકાશિત થયેલ પુસ્તકમાં પણ કેન્સરના દર્દી તરીકેની તેમની ૨૨ વર્ષની દીર્ઘ સફરનો સમાવેશ કરાયો છે.
તેઓ ડાઇના સાધનો અને કેમીકલ્સનો આંતરરાષ્ટ્રીય બીઝનેસ કરે છે.
તેઓ બે દિકરા અંકિત અને મૌલિકના પિતા અને બે બાળકોના દાદા છે. એમનાં પત્ની નિલમબેન પણ પતિ સાથે ખભેખભા મિલાવી ગંભીર બિમારીને હરાવવા કૃતનિશ્ચયી બન્યાં. જીવનનો સંઘર્ષભર્યો જંગ જીતવામાં કુટુંબીજનોનો સાથ મહત્વની ભૂમિકા ભજવે છે એનું આ ઉજળું ઉદાહરણ છે.
વધુ વિગત માટે અમદાવાદનો સંપર્ક: M: ++ 91 9227205977

