શિયાળાની ઠંડીના આગમન સાથે જ માર્કેટમાં તાજી તાજી લીલીછમ બ્રોકોલી નજરે પડવા લાગે છે. બ્રોકોલીનો સમાવેશ સુપર ફૂડમાં થાય છે કારણ કે તે શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં ધરાવે છે. આ ઉપરાંત તેમાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. બ્રોકોલી એ કેબેજ કુળની વનસ્પતિ છે અને ઠંડા હવામાનમાં ઉગે છે. તેના આરોગ્યપ્રદ લાભોને જોતાં તેને નિયમિત ભોજનમાં સ્થાન આપવું હિતકારક છે. તેને સલાડમાં, પાસ્તામાં કે સૂપમાં ઉમેરીને ખાઈ શકાય છે. તેનું શાક પણ બનાવી શકાય છે. જોકે, તેને જેટલી ઓછી રાંધવામાં આવે તેટલા વધુ પોષકતત્ત્વો જળવાઈ રહે છે.
• કેન્સર સામે આપે લડતઃ બ્રોકોલી શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજન ભરપૂર માત્રામાં ધરાવે છે, જે બ્રેસ્ટ, સર્વાઈકલ અને પ્રોસ્ટેટ કેન્સરને ઉદભવતા અટકાવવામાં મદદ કરે છે.
• પ્રોટીનનો ખજાનોઃ એક કપ બ્રોકોલીમાં એટલું પ્રોટીન હોય છે જેટલું એક કપ રાઈસ કે કોર્નમાં હોય છે, જ્યારે કેલરી તેનાથી માંડ અડધી હોય છે.
• રોગપ્રતિકારક શક્તિ વધારેઃ એક કપ બ્રોકોલીમાં ભરપૂર બીટા-કેરોટીન, ઝિંક અને સેલેનિયમ હોય છે જે આપણા શરીરની ઇમ્યુનિટીમાં વધારો કરે છે.
• જન્મજાત ઉણપો સામે લડેઃ બ્રોકોલીમાં ભરપૂર ફોલિક એસિડ અને વિટામિન-બી હોય છે જે ગર્ભમાં યોગ્ય કોષવિભાજન માટે આવશ્યક હોય છે.
• ડાયાબિટીસને પડકારેઃ હાઈ ફાઈબર અને શર્કરાનું પ્રમાણ ઓછું હોવાથી બ્રોકોલીનો ઉપયોગ ભોજનમાં વધુ કરવાથી ઇન્સ્યુલિનનું પ્રમાણ નીચું રહે છે.
• હૃદયરોગ સામે કારગતઃ બ્રોકોલીમાં કેરોટીનોઇડ લ્યુટિન, વિટામિન-બી૬ અને ફોલેટ સામેલ હોય છે, જે આર્થોસ્કેલરોસીસ, હૃદયરોગ કે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
• હાડકાંને રાખે સ્વસ્થઃ બ્રોકોલી કોઈ પણ ડેરી પ્રોડક્ટ કરતાં વધુ કેલ્શિયમ અને વિટામિન-કે ધરાવે છે, જે હાડકાંની સ્વસ્થતા જાળવે છે અને ઓસ્ટિયોપોરોસીસનું જોખમ ઘટાડે છે.
• બ્લડપ્રેશરને કરે નિયમિતઃ બ્રોકોલીમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજો આપણા શરીરમાં બ્લડપ્રેશરને નિયમિત બનાવે છે.
• શરદીમાં આપે રાહતઃ બ્રોકોલીમાં વિટામિન-સી, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ- ઇન્ફલેમેટરી ગુણધર્મ હોવાથી શરદીની તકલીફમાં રાહત મળી શકે છે.
• પૌરુષત્વ વધારેઃ બ્રોકોલી ફિમેલ હોર્મોન એસ્ટ્રોજન ઘટાડીને ટેસ્ટોસ્ટેરોનમાં વધારો કરે છે.

