લંડનઃ તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોના અભ્યાસ અનુસાર સ્નેહીજનની ચિરવિદાયથી વ્યક્તિનું હૃદય ભાંગી પડે છે અને તેનાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો નોંધાય છે.
સંશોધકોનું કહેવું છે કે બ્રિટનમાં દર વર્ષે હૃદય ભાંગી પડવાથી ૬૦૦૦ લોકો પ્રભાવિત થાય છે. તેમનું કહેવું છે કે તીવ્ર માનસિક તંગદિલી હૃદયના કોષોને પ્રભાવિત કરે છે ત્યારે કેટલીક વખત હંગામી ધોરણે - થોડાક સમય માટે હૃદય બંધ પણ થઈ જાય છે. અચાનક લાગણીકીય તંગદિલી સર્જાતાં આવા કિસ્સા બનતા હોય છે. ખાસ કરીને નજીકના સ્નેહી સાથેના સંબંધ અચાનક કપાઈ જતાં આ પ્રકારની માનસિક તંગદિલી સર્જાય છે.
આ લક્ષણોને સત્તાવાર રીતે તાકોતસુબો સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. તે સ્થિતીમાં શ્વાસ થંભી જતો હોય છે અને છાતીમાં દુઃખાવો થતો હોય છે. ઘણી વાર તેને હૃદયરોગનો હુમલો માની લેવામાં આવે છે, પરંતુ હૃદયરોગની જેમ આ સ્થિતી બ્લોકેજ કે હૃદયમાં લોહીના પુરવઠાની કમીને કારણે નથી સર્જાતી.
ખરેખર તો આવી સ્થિતિમાં હૃદયના સ્નાયુ શિથિલ થઈ જાય છે અને મુખ્ય પમ્પિંગ ચેમ્બર શરીરને યોગ્ય રીતે લોહીનો પુરવઠો પૂરો પાડી શકતું નથી. આમ તો જાપાની સંશોધકોએ ૩૦ વર્ષ પહેલાં હૃદય ભાંગી પડવાની સ્થિતિનો તાગ મેળવીને તેને તાકોતસુબો નામ આપ્યું હતું, પરંતુ નિષ્ણાતો હજી સુધી કળી નહોતા શકતા કે હકીકતે હૃદય ભાંગી પડવાની સ્થિતિમાં થાય છે શું?
જોકે હવે ગ્લાસગો અને એડિનબરા યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા હાથ ધરાયેલા નવા સંશોધન મુજબ આવી સ્થિતિમાં હૃદય શરીરની પોતાની ઈમ્યુન સિસ્ટમના હુમલાનો ભોગ બને છે. મેડિકલ જર્નલમાં બહાર પડેલા સંશોધન અંગેના લેખમાં જણાવ્યા મુજબ કેટલાક કિસ્સામાં આ પ્રકારના હુમલાની અસર પાંચ મહિના પછી પણ જોવા મળે છે. એ બાબત જ કહી જાય છે કે હૃદય ભાંગી પડવાનો ભોગ બનેલા લોકો લાંબો સમય બીમાર શા માટે રહે છે.
સંશોધનનું નેતૃત્વ કરનારા પ્રોફેસર ડાના ડોવસનના જણાવ્યા મુજબ સંશોધન દરમિયાન ધ્યાને આવ્યું હતું કે હૃદય ભાંગી પડવાની સ્થિતિમાં શરીરની ઇમ્યુન સિસ્ટમમાં એક પ્રકારની ઉથલપાથલ સર્જાય છે અને તેને કારણે હૃદયના કોષ પર સોજો આવી જાય છે. હૃદયના કોષ પર સોજો આવવાની ઘટનાના સંકેત પૂરા શરીરમાં ફરી વળે છે અને સ્વાસ્થ્ય પર વિપરિત અસર પહોંચાડે છે.

