વિજ્ઞાનીઓનું માનવું છે કે માત્ર સૂપ અને મિલ્ક શેક્સ જેવો એકદમ ઓછી કેલરી ધરાવતો આહાર લેવાથી ડાયાબિટીસ પાછો વાળી શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે ટાઇપ-ટુ ડાયાબિટીસથી પીડાઈ રહેલા દર્દી આ પ્રકારનો આહાર લે તો તેમને રાહત મળે છે.
ન્યૂ કેસલ અને ગ્લાસગો યુનિવર્સિટીના સંશોધકોએ જીપી સર્જરીઝમાં દાખલ થયેલા ૩૦૦ દર્દીઓને પ્રતિદિન માત્ર ૮૦૦ કેલરી જેટલો આહાર આપી તેમનું પરીક્ષણ કર્યું હતું. તેમણે તે સમયે એ જોયું હતું કે મેદસ્વિતા સાથે સંકળાયેલી તેમની સ્થિતિમાંથી કાયમી ધોરણે બહાર આવીને તેઓ વેટલોસને યથાવત્ જાળવી શકે છે કે નહીં?
આ પરીક્ષણ માટે તેમણે પાંચ પુરુષ અને એક મહિલા દર્દીને સસેક્સનાં એક ઘરમાં મોકલ્યા હતા. આઠ સપ્તાહ સુધી તેમણે માત્ર સૂપ, મિલ્ક શેક જ આહારમાં લીધા હતા. તેઓને પોષક દ્રવ્યો પાણીમાં ઓગાળીને આપવામાં આવ્યાં હતાં. તેમાં વેનિલા, કોકોનટ ફ્લેવર મિલાવવામાં આવ્યાં હતાં. આ આહારપદ્ધતિને પાળી ચૂકેલા તે દર્દીઓ પૈકી બે સાજા થઈ ગયા હતા અને તેમને તે પછી કદી ડાયાબિટીસની દવા લેવાની જરૂર પડી નહોતી.
બ્રિટનને ભરડો લઇ
રહ્યો છે ડાયાબિટીસ
બ્રિટનમાં છેલ્લા ૨૦ વર્ષમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ બમણા જેટલું થઈ ગયું છે. તે પૈકી ૯૦ ટકા તો ટાઇપ-ટુ ડાયાબિટીસ ધરાવે છે. નેશનલ હેલ્થ સર્વિસ વાર્ષિક ૧૪ અબજ પાઉન્ડ ડાયાબિટીસની સારવાર માટે ખર્ચે છે.
બ્રિટનનાં આરોગ્ય બજેટની કદાચ આ દસમા ભાગની રકમ કહી શકાય. સંશોધકોનું માનવું છે કે જીપી સર્જરીના કેસમાં લિક્વિડ ડાયટનું ચલણ વધારી દેવું જોઈએ. આના પરિણામે આરોગ્યસેવાના ખર્ચમાં મોટી બચત તો થશે જ, સાથોસાથ દર્દી પણ હળવાશ અનુભવશે.

