હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ (HCW) દ્વારા ૨જી ઓક્ટોબરને બુધવારે કાર્ડિફ બેના વેલ્સ મિલેનિયમ સેન્ટર ખાતે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. તે અગાઉ ધ ફ્લરિશ, લોયડ જ્યોર્જ એવન્યુ, કાર્ડિફથી કાર્ડિફ બેમાં આવેલી ગાંધીજીની પ્રતિમા સુધીની યાત્રા યોજાઈ હતી.
પૂ. ગાંધીજીએ દુનિયામાં આપેલું યોગદાન તેમજ મેળવેલી સિદ્ધિઓને બીરદાવવા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો હેતુ અહિંસાનો સંદેશ ફેલાવવા અને આજના વિશ્વમાં તેની સંગતતા વિશે લોકોને માહિતગાર કરવા સ્થાનિક સમુદાય અને બાળકોને એકસાથે જોડવાનો હતો. કાર્યક્રમમાં લોર્ડ લેફ્ટનન્ટ, લોર્ડ મેયર, ડેપ્યૂટી મિનિસ્ટર ઓફ વેલ્સ, ભારતના કોન્સુલ અને વિવિધ સંસ્થાઓાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભાષણો, નૃત્ય, સ્કૂલના બાળકો દ્વારા ચર્ચા અને મહાત્મા ગાંધી વિશેના પ્રેઝન્ટેશન્સ રજૂ કરાયા હતા.
ગાંધીજીના પૌત્રી ઈલા ગાંધી અને સાઉથ આફ્રિકામાં રહેતા પ્રપૌત્ર સતીશ ધૂપેલિયાએ મોકલેલા ખાસ સંદેશા સ્ક્રીન પર દર્શાવાયા હતા. ત્યાર બાદ વેલ્સ મિનેલિયમ સેન્ટરથી મહાત્મા ગાંધીની પ્રતિમા સુધીનું સરઘસ યોજાયું હતું. ત્યાં પહોંચીને મહાનુભાવો દ્વારા પૂ. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.
HCWના ચેર ડો. શક્તિ ગૂહાએ જણાવ્યું હતું મહાત્મા ગાંધીજીના ધાર્મિક સહિષ્ણુતા, અહિંસાના સિદ્ધાંતો અને પરસ્પર આદર સાથે આપણે આધુનિક સમાજની રચના કરવાની જરૂર છે.
HCW દ્વારા ૨જી ઓક્ટોબર, ૨૦૧૭ના દિવસે કાર્ડિફ બે ખાતે પૂ. ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે વેલ્સના ઘણાં મહાનુભાવો તેમજ સતીશ ધૂપેલિયા ઉપસ્થિત રહ્યા હતા.

