ગાંધીચિંધ્યા માર્ગે વિજય આપણો જન્મસિદ્ધ હક્ક છે

સી. બી. પટેલ Tuesday 08th October 2019 13:49 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, લેબર પક્ષનું વાર્ષિક અધિવેશન ગયા મહિને બ્રાઇટનના આંગણે યોજાયું હતું. મંગળવારે મુસ્લિમ મતદારોના પ્રભાવવાળા કેટલાક મત વિસ્તારોના પક્ષીય અનુમોદન સાથે એમપી નાઝ શાહે એક ઇમરજન્સી રિઝોલ્યુશન - તાકીદનો ઠરાવ રજૂ કર્યો. અને બુધવારે સવારે તે સર્વાનુમતે પસાર પણ થઇ ગયો. ગયા સપ્તાહના ગુજરાત સમાચાર - Asian Voiceમાં આ ઠરાવ શું હતો તે બાબત વિસ્તૃત અહેવાલ આપે વાંચ્યો જ હશે. આ લખાય છે ત્યારે (સોમવારે લંચ સમયે) લેબર પક્ષની વેબસાઇટમાંથી આ ઇમરજન્સી રિઝોલ્યુશન હટાવી લેવાયો છે. પક્ષનાં આ પગલાંનો એક અર્થ એવો પણ ઘટાવી શકાય કે લેબર નેતાગીરીને એ વાતનું ભાન થઇ રહ્યું છે કે આ ઠરાવ મામલે ક્યાંક કાચું કપાઇ ગયું છે.
પક્ષીય અધિવેશનમાં ઠરાવ પસાર થયા પછીના છેલ્લા પાંચ-સાત દિવસમાં બ્રિટનમાં આમ જનતા (ભારતીય તેમજ અન્ય)એ તેના વિરુદ્ધ તીવ્ર રોષ-આક્રોશ ઠાલવ્યો, ભારત સરકારે બુધવારે જ વળતાં આકરાં પગલાં ભરતાં તેને સ્પષ્ટ શબ્દોમાં વખોડી નાંખ્યો. આ ઠરાવની આકરી ટીકા કરતું નિવેદન ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે આપ્યું તે સાથે જ ઇંડિયા હાઉસે પ્રીતિભોજન રદ કરતો નિર્ણય જાહેર કર્યો હતો. સામાન્ય સંજોગોમાં ભારત સરકાર કે ઇંડિયા હાઉસ આ પ્રકારના આકરાં ગણાય તેવા વળતા પગલાં લેવાનું ટાળતા હોય છે. જોકે હવે તો નવું ભારત છે. ન્યૂ ઇંડિયા છે. આજના ભારતની - ૧૩૦ કરોડની - જનતા અને સરકાર મૂંગા મોંએ અન્યાય, સીતમ કે અપમાન સહન કરવા તૈયાર નથી. આ મામલે કોઇને શંકા - કુશંકા હોય તો ગયા સપ્તાહના બનાવોની હારમાળા પર નજર ફેરવી લેજો, બધું સમજાઇ જશે.
ઇમરજન્સી ઠરાવમાં તો જાણે એવું ખોફનાક ચિત્ર રજૂ કરાયું છે જાણે ભારત સરકાર અને તેના શાસકો અહમદશાહ અબ્દાલી કે તૈમુર લંગ જેવા નિષ્ઠુર શાસકોની જેમ પ્રજાજનોની કત્લેઆમ કરતા હોય, સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારતા હોય, જોરજુલમ કરતા હોય કે પછી મુલતાન અને દિલ્હીમાં જાણે લાશના ગંજ ખડક્યા હોય.
આ જ પ્રમાણે ૨૬ સપ્ટેમ્બરે ઇમરજન્સી રિઝોલ્યુશન પસાર થયું તે અગાઉ પાંચમી ઓગસ્ટે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને એક પત્ર પાઠવીને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં કામચલાઉ અને આમ આદમીના માનવાધિકારો છીનવી લેતાં આર્ટિકલ ૩૭૦ની નાબૂદીનું પગલું લેવામાં આવ્યું છે તેની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ પત્ર પર હસ્તાક્ષર કરનાર સંસદ સભ્યોમાં રોશનઆરા અલી, રોઝીના અલીન ખાન, શબાના મહમૂદ, અફઝલ ખાન, ખાલીદ મહેમૂદ, ફૈઝલ રશીદ, મહમ્મદ યાસીન મલેક તેમ જ બેરોનેસ શાસ સિંહાનનો સમાવેશ થાય છે.
વડા પ્રધાનને લખાયેલા આ પત્ર કે લેબર પક્ષની કોન્ફરન્સમાં ઇમરજન્સી ઠરાવ રજૂ કરનાર આ તમામ સાંસદો પાકિસ્તાની મૂળના અને મુસ્લિમ હતા તે બાબત શું સૂચવે છે?!
જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ, અમાનુષી અત્યાચાર, બળાત્કારો કે જોરજુલ્મો થતા હોવાના કપોળ કલ્પિત ઉશ્કેરણીજનક વિધાનો કરનાર આ બ્રિટિશ સંસદ સભ્યો કે લેબર પક્ષના પાકિસ્તાની મૂળના અગ્રણીઓ એ ભૂલી જાય છે કે ૧૯૪૭ અગાઉ કાશ્મીરમાં એક વ્યવસ્થિત ષડયંત્ર આચરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાક્રમની પરદા પાછળની રાજકીય ગતિવિધિઓની ઝલક મેળવવા આપને આ વેળાના Asian Voiceમાં પ્રકાશિત ડો. હરિ દેસાઇની કોલમ Back to the roots કોલમ વાંચવા વિનંતી છે. આ મામલે મહાત્મા ગાંધી ખુદ કેટલા ચિંતિત હતા તેનો પણ તેમાં ઉલ્લેખ આપેલો છે.
આજે કાશ્મીરી મુસ્લિમોના હિતોની ચિંતા કરીને મગરના આંસુ સારી રહેલા આ જ નેતાઓ કાશ્મીરમાંથી ૭ લાખથી વધુ પંડિતોની હકાલપટ્ટી થઇ, તેમના જર-જમીન, મિલકત વગેરે બધું આંચકી લેવાયા, તેમની બહેન-દીકરીઓ પર અમાનુષી અત્યાચાર ગુજારાયો, જોરજુલમ થયા ત્યારે ક્યાં હતા? કાશ્મીરી મુસ્લિમોના નામે ઝંડો લઇને હાલી નીકળેલા આ લોકોએ પત્રમાં તદ્દન વાહિયાત અને બેબૂનિયાદ આક્ષેપો કર્યા છે.
ગયા સપ્તાહે વિશ્વભરમાં બાપુની દોઢસોમી જન્મજયંતીની ઉજવણી થઇ. આ પ્રસંગે લંડન સહિત બ્રિટનમાં ઠેર ઠેર કંઇ કેટલાય કાર્યક્રમો યોજાયા હતા અને યોજાઈ રહ્યા છે. મહાત્મા ગાંધી ફાઉન્ડેશનની શહીદ દિનની પ્રાર્થના સભા, બીજી ઓક્ટોબરે ટેવીસ્ટોક સ્કવેરમાં યોજાયેલ કાર્યક્રમને ભારતીય હાઇ કમિશન અને કેમડનના મેયરની ઉપસ્થિતિએ શોભાવી હતી. અહીં પરંપરાગત પ્રાર્થનાસભા સાથે બાપુને સ્મરણાંજલિ એનાયત થઇ હતી. લુમ્બા ફાઉન્ડેશન દ્વારા હાઉસ ઓફ લોર્ડસમાં ૪ ઓક્ટોબરે ગાંધી જયંતી પર્વે કાર્યક્રમ યોજાયો હતો.
આ ત્રણેય સ્થળોએ તેમ જ અન્ય કાર્યક્રમોમાં મને મારા વિચારો વ્યક્ત કરવાનો અવસર સાંપડ્યો હતો. જેમાં મેં સીધીસાદી હકીકતના માધ્યમથી કેટલીક રજૂઆતો કરી હતી. ગાંધીજી દોઢસો વર્ષ પૂર્વે ભારતના પોરબંદર નામના નાનકડા નજરમાં જન્મ્યા હતા. મારા-તમારા-આપણા જેવા સામાન્ય નાગરિક હતા. સતત સત્યના માર્ગે આગળ વધતાં વધતાં ‘સત્ય વિશેના મારા પ્રયોગો’ નામની આત્મકથામાં રજૂ થયેલી જાહેર જીવનની વિકાસગાથા, વિચાર-વાણી-વર્તનમાં સમન્વય સાધીને ક્રમે-ક્રમે સફળતાના ઊંચા શીખરો ભણી પ્રયાણ. સૌથી મહત્ત્વની બાબત તો તેમણે આપણને એ સમજાવી કે અન્યાય અને જુલમનો બધાએ પ્રતિકાર કરવો જ રહ્યો. જો તમે મૂંગા મોંઢે અન્યાય સહન કરશો તો જીવન અળસિયા પેઠે વ્યતીત થતું રહેશે અને સંભવ છે કે કોઇના પગ તળે કચડાઇ જ જશો.
ગાંધીજીએ આપણને શીખવ્યું કે અન્યાય - જુલમને પડકાર આપવો, પ્રતિકાર કરવો, અને મૂલ્યોના આધારે સમૂહમાં તેનો શાંતિમય અને અહિંસક સામનો કરવો આપણા સહુની ફરજ છે. ૧૯૧૫માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે માદરે વતન પરત ફર્યા ત્યારે તેમણે અનુભવ્યું કે કોલોનિયલ સંસ્થાનવાદ સામે ઇંડિયન નેશનલ કોંગ્રેસના બુદ્ધિજીવીઓ અને વેપાર-ઉદ્યોગના શ્રેષ્ઠીઓ પિટિશન - અરજીપત્રક રજૂ કરીને પોતાની ફરજ પૂરી થયાનું માની લે છે. આ વલણ આવકાર્ય નથી, સ્વીકાર્ય નથી. આથી ગાંધીજી ટ્રેનના સેકન્ડ ક્લાસમાં જનતા સાથે બેસીને આખા દેશમાં ફર્યા. આના થકી તેમણે જનતા નજીક પહોંચવાનો, તેમની સાથે નાતો જોડવાનો પ્રયાસ કર્યો. ભારત-ભ્રમણના પરિણામે ગાંધીજીની વેશભૂષાથી માંડીને વાણી - વર્તન અને સવિશેષ વૈચારિક બળ પરિવર્તન પામ્યું.
૧૯૧૫-૧૬નો દબાયેલો - કચડાયેલો હિન્દુસ્તાની સામ્રાજ્યવાદી જોરજુલમ મૂંગા મોઢે સહન કર્યા કરતો હતો. સ્ત્રીઓ અબળા તરીકે ઘરમાં - પરિવારમાં - ગામમાં અવર્ણનીય જોરજુલમ સહન કરી રહી હતી. ગાંધીજીએ તેમને અબળામાંથી સબળા બનાવી. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં લાખોની સંખ્યામાં આ બહેન-દીકરીઓને પ્રભાતફેરીથી માંડીને ધરાસણા જેવા સત્યાગ્રહોમાં સામેલ કરી. બાળકોની વાનરસેના બનાવીને ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવતા કરી દીધા. આ બધી હકીકત છે. આમાં કશા પુનરોચ્ચારની જરૂર નથી. ગાંધીજી એક બાબત પર ખાસ ભાર મૂકતા કે આપણો જંગ સત્યાગ્રહ છે. વાચક મિત્રો, મારા મતે સત્યાગ્રહ શબ્દ જો સૌથી પહેલાં કોઇએ ઉપયોગમાં લીધો હોય તો તે ગાંધીજીએ. આ પછી સત્યાગ્રહ શબ્દ જોડણીકોશમાં ઉમેરાયો હોવાનું મારું માનવું છે.
મિત્રો, હું તો સ્પષ્ટપણે માનું છું કે પડકાર, પ્રતિકાર કે વિરોધ - ભલે વ્યક્તિગત વિચારસરણી કે માન્યતા પર આધાર રાખતા હોય, પરંતુ તેના સામૂહિક અમલથી દૂરોગામી અસર જન્મતી હોય છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. અહિંસક લોકોનું જૂથ એકત્ર થઇને જો શાંતિના માર્ગે વિરોધ પ્રદર્શન કરતું હોય તો તેના અવાજને દુનિયાની કોઇ પણ બંદૂકની ગોળી કે ગમેતેવો શક્તિશાળી તોપનો ગોળો પણ દબાવી શકતો નથી.
આજે બાપુની દોઢસોમી જન્મજયંતીની યુનાઇટેડ નેશન્સના સભ્ય એવા લગભગ ૧૯૩ દેશમાં હોંશભેર ઉજવાઇ હોય, દરેક સ્થળે જૂનાગઢના આપણા નરસિંહ મહેતાના ‘વૈષ્ણવ જન...’નું ગાન થયું હોય તો તેનું કારણ શું? ગાંધીજી ના તો સૌથી ધનાઢય હતા, ના તો કુસ્તીબાજ હતા કે ના તો કસાયેલ કદ-કાઠી ધરાવતા હતા. હાથમાં શાસનધુરા પણ નહોતી. અને જીવનના છેલ્લા બે દસકા તો કોંગ્રેસના ચાર આની સભ્ય પણ નહોતા. આમ છતાં તેમની વાતનું વજન પડતું હતું! તેમની વાતને માત્ર ભારતીય જ નહીં, દુનિયાભરના લોકો કાન દેતા હતા. કારણ? તેમની પાસે નૈતિક તાકાત હતી. જોરજુલમો, અત્યાચારો છતાં તેમણે સહનશીલતા કેળવી હતી.
મિત્રો, આપ સહુને ગાંધીજીને બિરદાવતું અને સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા બહુ જ ગાજતું રહેતું એક ગીત યાદ હશે જઃ ‘કોના પગલે પગલે ચાલી જાય છે વણઝાર...’ (જૂઓ બોક્સ...)
ગાંધીજી બાયલા નહોતા, પરંતુ અહિંસાને વરેલા હતા. તેમના શબ્દોમાં એવું જોમ હતું કે તેમની હાક પડતી કે લગ્નમંડપમાં બેઠેલો મિંઢોળબંધો યુવાન પણ ઉભો થઇને સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાઇ જતો હતો. દાંડીકૂચ, નાગપુર, રાસ, ધરાસણા, બારડોલી જેવા અનેક સત્યાગ્રહો આના ઉદાહરણ છે. અહિંસા અને શાંતિના સંકલ્પ સાથે સત્યાગ્રહમાં સામેલ થનારી વ્યક્તિ કદી નિષ્ફળ ગયાનું સાંભળ્યું નથી. વાચક મિત્રો, ગયા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’ના અંકમાં પ્રકાશિત અનુરોધ વિશે આપને જાણકારી હશે જ.
બુધવારે જાણવા મળ્યું કે બ્રાઇટનમાં બેહૂદો ઠરાવ પસાર થયો છે. મને આ સમાચાર જાણીને ગુસ્સો આવ્યો, પારાવાર દુઃખ પણ થયું, પરંતુ આવી લાગણી અનુભવનાર હું એકમાત્ર નહોતો. બ્રિટનમાં વસતાં હજારો - લાખો ભારતીયોમાં આ સમાચાર જાણે જંગલમાં દવની જેમ ફરી વળ્યા. લોકોએ લેબર નેતાગીરી પર ફિટકાર વરસાવ્યો. લંડનમાં ધાર્મિક - સામાજિક સંસ્થાના અગ્રણીઓની ત્રણ સ્થળે બેઠકો યોજાઇ. ભારતીય સમુદાયના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની આ બેઠકમાં નક્કી થયું કે લેબર પક્ષના નેતા જેરેમી કોર્બિનને ખુલ્લો પત્ર લખીને આપણી નારાજગીને, આપણા આક્રોશને વાચા આપવી. આ જવાબદારી ગુજરાત સમાચાર - Asian Voiceને સોંપવાનું નક્કી થયું. સમાજ સાથે સંપર્ક કેળવવાનો, ભારતીય સમાજને એકસૂત્રે બાંધી વિરોધને વાચા આપવાનો નિર્ણય લેવાયો.
સુજ્ઞ વાચક મિત્રો, આપ સહુ જાણો જ છો કે બ્રિટનમાં જ્યારે જ્યારે આપણા હિતોને નુકસાન પહોંચડાવા પ્રયાસ થયો હોય, અન્યાય થયો હોય ત્યારે રાડ પડે રજપૂત છૂપે નહીં એ ન્યાયે ‘ગુજરાત સમાચાર’ - Asian Voice હંમેશા વાચકોની, સમાજની પડખે રહ્યું છે. ’૭૦ના દાયકામાં ઈંદીરા ગાંધીની ઈમરજન્સી હોય કે તે અરસામાં ઇમિગ્રેશન અને નેશનાલિટી કાયદા વિરુદ્ધ, તે પછી ઇમિગ્રેશન, રંગદ્વેષી વિરોધમાં તેમજ સમાન હકો માટે, હોંગ કોંગના ભારતીયોના અધિકારની વાત હોય કે વોટફર્ડ હરેકૃષ્ણ મંદિર કે પછી તાજેતરમાં ડાયરેક્ટ ફ્લાઇટ કેમ્પેઇન હોય... જ્યારે જ્યારે ભારતીય સમુદાયને જરૂરત પડી છે ત્યારે ત્યારે જનતાની વેદનાને વાચા આપવા આપના પ્રિય સાપ્તાહિકોએ પહેલ કરી છે.
ઉકળતા ચરુ જેવા આક્રોશ છતાં અહિંસાના ધ્વજ તળે શાંતિચિત્તે વિરોધ એ જ અન્યાયનો સામનો કરવાનું સૌથી અસરકારક શસ્ત્ર છે તેવું હું માનું છું. આપ સહુ વાચકોના પ્રતાપે આપના આ પ્રિય સાપ્તાહિકોને આ જવાબદારી સોંપવામાં આવી છે. હજુ તો પાંચ જ દિવસ થયા કહેવાયને? પરંતુ અત્યાર સુધીમાં ડઝનબંધ સંસ્થાઓએ લેબર નેતા કોર્બિનને લખાયેલા ખુલ્લા પત્રમાં સહી કરી છે. આપ સહુને પણ એટલો જ આગ્રહભર્યો અનુરોધ કરવાનો કે જેઓએ આ ખુલ્લા પત્રમાં હસ્તાક્ષર નથી કર્યા તેઓ પળનો ય વિલંબ કર્યા વગર તેમાં સહી કરીને પોતાનું નામ લખાવી દે. આગામી સપ્તાહમાં આ ખુલ્લા પત્રની વિધિસર સોંપણી કરવાનો કાર્યક્રમ વિચારાઇ રહ્યો છે.
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થકી દક્ષિણ આફ્રિકાથી માંડીને અમેરિકાના નોર્થ અમેરિકામાં અકલ્પ્ય પરિવર્તન આવ્યું છે તે હકીકત છે. ગાંધીજીએ પ્રશસ્ત કરેલા શાંતિ, અહિંસા, પ્રેમ, સહિષ્ણુતા, સહ-અસ્તિત્વ અને સંવેદનશીલતાના માર્ગ પર જ આપણી પ્રગતિ થઇ શકે તે કોઇએ ન ભૂલવું જોઇએ. અને આ માર્ગ જ ઇચ્છવાયોગ્ય છે. આપણે ૨૦ લાખ બ્રિટિશ ભારતીય સમાજ આ મૂલ્યોના જતનના પ્રતિબદ્ધ છીએ. અંતે તો આપણી જીત નક્કી છે. (ક્રમશઃ)

•••

કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર,
કોના સાટે (કાજે) શહીદ થાવા આવે નર ને નાર.
દશ - પંદર નહિ, સો - હજાર નહિ, લાખ - લાખ પણ નહિ,
કોટિ કોટિ માનવ કેરા ચાલે છે પરિવાર...
હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન, પારસી સૌએ હારોહાર,
કોના અદ્ભુત જાદુથી આ જાગે છે સંસાર.
કોની પૂંખે અંગે અંગે વ્યાપે છે અંગાર.
કોની આંખે ગાજી ઊઠે આઝાદી ઝંકાર.
બુધ્ધ, ઇશુ, મહાવીર સ્વામી એ ત્રણેનો અવતાર.
તારા મુખની વાણી જાણે વહેતી અમરતધાર.
સુકલકડી છે કાયા જેની ને અદ્ભુત છે માયા જેની,
ચાલીસ કોટિ સૈનિકોનો તું સાચો સરદાર.
જીત જરૂર છે જગમાં તારી થાશે જયજયકાર
ગાંધી તારે પગલે પગલે ચાલે છે વણઝાર.
તારા સાથે શહીદ થાવા આવે નર ને નાર

•••


comments powered by Disqus