ભારતની આર્થિક રાજધાની મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષછેદનનો મામલો ગરમાગરમ બની ગયો છે. સુપ્રીમ કોર્ટે વિશાળ વનવિસ્તારમાં ફેલાયેલી ૩૦૦૦ એકરની આરે મિલ્ક કોલોનીમાં મેટ્રો કાર શેડ બનાવવાના પ્રોજેક્ટમાં ૨૦૦૦થી વધુ વૃક્ષો કપાઈ ગયા પછી હવે વધુ વૃક્ષ કાપવા સામે તત્કાળ પ્રતિબંધ ફરમાવ્યો છે.
આરે કોલોનીમાં વૃક્ષછેદન સામે દિલ્હીના કાયદા શાખાના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ચીફ જસ્ટિસ ગોગોઈને લખાયેલા પત્રના આધારે તત્કાળ સુનાવણી હાથ ધરાઈ તે સારી બાબત છે. જોકે, આવી રજૂઆત વહેલા થવી જોઈતી હતી કારણ કે પ્રોજેક્ટ માટે આવશ્યક વૃક્ષો કપાઈ જ ગયા છે. જોકે, કોર્ટ પર્યાવરણની રક્ષા માટે ભાવિ ગાઈડલાઈન્સ જારી કરી શકે છે.
અગાઉ, મુંબઈ હાઇ કોર્ટે આરે કોલોની વનવિસ્તાર જાહેર થયો ન હોવાનો મુદ્દો સ્વીકારી પર્યાવરણ કાર્યકરોની અરજી ફગાવી મુંબઇ મેટ્રોના પ્રોજેક્ટ માટે ૨૬૫૬ વૃક્ષ કાપવા પરવાનગી આપી હતી. આરે કોલોની ઇકો-સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરાઈ છે કે કેમ તેનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. ઈકો-સેન્સેટિવ ઝોનમાં વિકાસ કાર્યો કરી શકાતા નથી. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નવાં કેટલાં છોડ વાવવામાં આવ્યા, તેમાંથી કેટલાની વૃદ્ધિ થઈ વૃક્ષમાં રૂપાંતર થયું તેમ જ મહારાષ્ટ્રમાં જંગલોની સ્થિતિ વિશેનો ઉત્તર માગ્યો છે.
આ બધા વચ્ચે નોંધ લેવા જેવી બાબત એ પણ છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પર્યાવરણ ચૂંટણી મુદ્દો બન્યો છે. રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરામાં પર્યાવરણની રક્ષાને મહત્ત્વ આપે તેની માગણી પણ બળવત્તર બની રહી છે. આરે ફોરેસ્ટ વિસ્તારમાં વૃક્ષોના નિકંદન પછી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મુંબઈના સમુદ્રતટ ક્ષેત્રમાં મેનગ્રૂવ પ્રજાતિના ૫૦,૦૦૦ વૃક્ષ કપાય તેની ચિંતા છે. આ વ્યાપક પ્રમાણના વૃક્ષછેદનથી ભવિષ્યમાં મુંબઈની ઈકોલોજીને ભયંકર નુકસાન પહોંચી શકે.
મુંબઈ જેવા તટક્ષેત્રના શહેરો ક્લાઈમેટ ચેન્જની ભયાનક અસરો સામે અસલામત હોય છે આથી શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથોસાથ હરિયાળી પણ વિકસાવાય તે અતિ આવશ્યક છે. બૃહદ્ મુંબઈ કોર્પોરેશનના એક અભ્યાસ મુજબ મુંબઈમાં દર ચાર વ્યક્તિએ એક વૃક્ષ છે જે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ-બેંગલુરુના અભ્યાસ મુજબ ખરેખર આઠ વૃક્ષ હોવાં જોઈએ. આ માત્ર સરકારી સંસ્થાઓનો પ્રશ્ન નથી. નાગરિકોએ પણ પર્યાવરણના વિકાસમાં સામેલ થવું જોઈએ. આપણે આરે કોલોનીના જ અઠાલ્યે પરિવારનું ઉદાહરણ લઈ શકીએ, જેમણે ખુલ્લા પડી રહેલાં વિસ્તારમાં ૧૫ વર્ષના ગાળામાં પીપળો, વડ, આમળા અશોક અને બિલી જેવાં વૃક્ષોનાં આશરે ૬૦૦૦ પ્લાન્ટ્સ વાવ્યાં છે. આ વિસ્તાર આજે પંચવટી તરીકે ઓળખાય છે. સંદીપ અઠાલ્યે માને છે કે આપણે પ્રકૃતિ પાસેથી જે મેળવીએ છીએ તે પાછું પણ આપવું જોઈએ. આપણે પણ તેને જીવનમંત્ર બનાવીએ.
પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા અને જાળવણી આપણી ફરજ છે. આ વિશે ઉત્તરોત્તર જાગૃતિ વધી રહી છે. સમગ્ર વિશ્વમાં પર્યારણ અને આબોહવા પરિવર્તન મુદ્દે આંદોલનો ચાલી રહ્યાં છે. માત્ર વિરોધ કે આંદોલનોથી ચાલશે નહિ. ગ્રીન સ્પેસની નીતિ અપનાવવી પડશે. સ્કાયક્રેપર્સ વધતાં રહે તે વિકાસની નિશાની હોય તો હરિયાળીને પણ સ્થાન આપવું પડશે કારણ કે વૃક્ષોથી જ જીવનને ઉગારી શકાશે. વિકાસની સાથે પર્યાવર્ણનો સમન્વય સાધવો આવશ્યક છે.
