ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના તેમજ માનવાધિકાર ભંગના મુદ્દે વિશ્વભરમાં કાગારોળ મચાવી ચુકેલા પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનમાં કશું રંધાતુ હોવાના અજૂગતા અણસાર છે. એમ કહેવાય છે કે ધૂમાડો દેખાય ત્યાં આગ હોવાની સંભાવના હોય જ છે. આવું પાકિસ્તાની આર્મી માટે પણ ચોક્કસ કહી શકાય છે. કાશ્મીર અને આતંકવાદ મુદે આંતરરાષ્ટ્રીય મંચ પર નામોશી પછી ઘરઆંગણે પણ વડા પ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર લોકોને એકઠાં થઈ વિરોધ કરવાની હાકલ કરનારા ઈમરાન ખાનને ભીંસમાં લેવા પાકિસ્તાની ધાર્મિક સંગઠનો આગળ આવ્યા છે અને વિપક્ષ સાથે મળીને સત્તાપલટ માટે ‘આઝાદી માર્ચ’ રેલી કાઢવાનું જાહેર કર્યું છે. આ પણ પાકિસ્તાની આર્મીની જ રણનીતિ જણાય છે કારણ કે તાલિબાન સહિત દેશના ધર્મગુરુઓ પર તેનો પ્રભાવ જાણીતો છે.
તાજેતરમાં પાકિસ્તાની આર્મીના ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ દેશના મોટા ઊદ્યોગપતિઓ સાથે ગુપ્ત બેઠક યોજી હોવાના સમાચાર છે. જનરલ બાજવાએ આ વર્ષે ઉદ્યોગપતિઓ સાથે ત્રણ બેઠકો યોજી છે. આ બેઠકોનો વિષય પાકિસ્તાનના અર્થતંત્રની ગાડીને ફરી પાટા પર કેવી રીતે ચડાવવી તે હતો. આ વિષય લશ્કરી વડાનો હોતો નથી. સામાન્યપણે આવી બેઠકો દેશના વડા પ્રધાન અથવા નાણાં પ્રધાન સાથે યોજાતી હોય છે.
જોકે, બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં સેના જ મોટા ઉદ્યોગપતિ જેવી છે અને દેશના ૫૦ મોટા મોટા ઊદ્યોગોનું સંચાલન પણ આર્મી હસ્તક છે. પાકિસ્તાનના લશ્કરી દળોની બિઝનેસ શાખા ફૌજી ફાઉન્ડેશનની વાર્ષિક આવક ૧.૫ બિલિયન ડોલરથી વધુ છે અને રિઅલ એસ્ટેટ, ફૂડ તેમજ કોમ્યુનિકેશન ઈન્ડસ્ટ્રીઝમાં હિસ્સા ધરાવે છે. માઈનિંગ અને ઓઈલની શોધખોળના આકર્ષક ધંધામાં ઝંપલાવવાની તૈયારી લશ્કરી દળોએ કરી છે.
બીજી મહત્ત્વની બાબત એ પણ છે કે જનરલ બાજવાએ રાવલપિંડીમાં તૈનાત અને ‘તખ્તાપલટ બ્રિગેડ’ કહેવાતી ૧૧૧મી બ્રિગેડની તમામ રજા તત્કાળ રદ કરી છે. આ પગલાંથી લશ્કરી બળવાને અંજામ અપાવાની સંભાવના વધી છે કારણકે પાકિસ્તાનના છેક ૧૯૫૮થી માંડી ૧૯૯૯ સુધી લગભગ તમામ લશ્કરી બળવા આ બ્રિગેડના ઉપયોગ થકી જ કરાયા છે. ભારત માટે આ ચિંતાનો વિષય બની શકે છે કારણ કે લશ્કરી શાસન દરમિયાન પાકિસ્તાનના સંબંધો ભારત સાથે હંમેશાં વણસ્યા છે અને યુદ્ધમાં પણ પરિણમી ચુક્યા છે.
આઝાદી પછી ભારતમાં લોકશાહીના મૂળ ઊંડા ઉતર્યા છે જ્યારે પાકિસ્તાનને તો લોકશાહી માફક જ નથી આવી. આઝાદીના સાત દાયકામાં અડધો સમય તો પાકિસ્તાની આર્મીના હાથમાં જ શાસન રહ્યું છે. લોકશાહી સરકાર પણ તે ‘કઠપૂતળી’ જ હોય છે કારણ કે પડદા પાછળથી તો આર્મી જ શાસન ચલાવે છે. લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલગીરી વધારી દેનારા જનરલ બાજવા હમણાં હમણાં ભારત સાથે યુદ્ધની રણભેરીઓ વગાડવા લાગ્યા છે. એટલું જ નહિ, ઈમરાન ખાન દ્વારા પણ પરમાણુ યુદ્ધની ધમકીઓ અપાવવા લાગ્યા છે. પરમાણુ સજ્જ પાકિસ્તાનમાં લશ્કરના હાથમાં સત્તા આવે ત્યારે વિશ્વની ચિંતા પણ વધી જાય તે સ્વાભાવિક છે.
આંતરરાષ્ટ્રીય તખતે કાશ્મીર મુદ્દે ઈમરાન સરકારની કારમી હાર અને દેશની કંગાળ અર્થવ્યવસ્થાને આગળ ધરી આર્મી ફરી દેશનો કારોબાર પોતાને હસ્તક લેવા સજ્જ થતી હોવાનું મનાય છે. પાકિસ્તાનમાં મોંઘવારીથી પરેશાન પ્રજાને તો ઈમરાન હોય કે બાજવા, કોઈ ફરક પડવાનો નથી. પાકિસ્તાન ભલે કંગાળ હોય, આર્મી તો ધનવાન જ છે અને રહેશે. ઈમરાનની સ્થિતિ તો ‘ખાલી ચણો વાગે ઘણો’ જેવી છે. આર્મીના સહારે તેને સત્તા મળી હતી અને હવે આર્મી જ તેને ઉઠાડી મૂકશે તેમાં કોઈ શંકા નથી.
