‘આ ઘડપણ કોણે રે મોકલ્યું..’ ગીત એ તો નિરાશાવાદી ભૂતકાળની વાત છે! હું તો કહીશ કે, આધિ-વ્યાધિ-ઉપાધિથી પર થઇ કોઇ પણ જાતની ચિંતા વિના નિરાંત અનુભવવાની ઉંમર જો હોય તો તે વૃધ્ધત્વ. ખરી મોજ-મજા તો નિવૃત્તિની વયે જ માણી શકાય. નિવૃત્તિમાં ય પ્રવૃત્ત તો રહેવાનું જ. ફક્ત ફરક એટલો કે આપણે આપણી મરજીના માલિક!
મેં એક અંગ્રેજ ચિંતકનું કોટેશન વાંચ્યું હતું, જેનો સાર આ મુજબ છે : ‘વૃધ્ધત્વનું એક જમા પાસું હોય તો એ કે, જેમ જેમ મારી ઉમર વધતી જાય છે તેમ તેમ હું એની મોજ-મસ્તી વધુ માણી શકું છું. એનું કારણ! હું વધુ સ્માર્ટ બનતો જાઉં છું. ઉમર વધવા સાથે શાણપણ અને અનુભવને કારણે હું જે કાંઇ કહું છું એ બીજાને વધુ સાંભળવા યોગ્ય લાગે છે. વૃધ્ધત્વની આ જ મજા છે.’….વૃધ્ધત્વના આ ગરવા અવતરણનો જાત અનુભવ નવનાત વડીલ મંડળના પાંચ દિનના સ્થાનિક પ્રવાસમાં અમે કર્યો.
વડીલોને સદાબહાર રાખતો સોમવાર તા.૨૩-૯-૧૯ થી શુક્રવાર તા. ૨૭-૯-૧૯ સુધીનો આ પ્રવાસ અનેક રીતે અવિસ્મરણીય બની રહ્યો. નવનાત ભવન, હેઝ અને કેન્ટન લાયબ્રેરીથી બે કોચમાં ૧૦૨ પ્રવાસીઓ રમણિય સ્થળ 'કોટ્સ વોલ્ડ'ની સફરે નીકળ્યાં. સૌ પોત-પોતાના કોચમાં ગોઠવાયાં. બસ નં ૧ માં કો-ઓર્ડીનેટર પ્રમુખ શ્રી નલીનભાઇ ઉદાણી અને શ્રી ચંદુભાઇ શાહ હતા. જ્યારે બસ નં.૨ માં કો-ઓર્ડીનેટર શ્રી ભૂપેનભાઇ વસા અને શ્રી ભોગીભાઇ રૂપાણી હતા. એમના સહાય કર્તાઓ શ્રી સુરેન્દ્રભાઇ શાહ અને શ્રી ભરતભાઇ એચ મહેતા હતા. આવા સરસ આયોજન માટે ધન્યવાદ આપવા ઘટે!
પાંચ દિવસના આ પ્રવાસમાં વ્હીલચેરમાં બેઠાં હોય કે લાકડીના સહારે, સૌ કોઇએ વોરીક કાસલ, વોરસેસ્ટરના ક્રાઉનગેટ શોપીંગ સેન્ટર, ૧૭મી સદીના અંગ્રેજી સાહિત્ય જગતના શિરમોર સમા નાટ્યકાર સેક્સપીયરના ગામ સ્ટેટફોર્ડ અપોન એવોન ગયા. સેક્સપીયરના મૂળ જન્મ સ્થળ અને નવા સ્થળની મુલાકાત લીધી. રળીયામણી નગરી 'કોટ્સ વોલ્ડ'ના બર્ટન ઓન ધ વોટર ગયા. જૂના જમાનાની પથ્થરોથી બનેલ ઘરોની દિવાલની આ ગ્રામ્ય નગરીના સાંકડા રસ્તા, માર્કેટ અને નહેરના પાણીમાં તરતા સુંદર રંગબેરંગી પક્ષીઓ તેમજ શુધ્ધ વાતાવરણ મન ભરી માણ્યું. દરરોજ ભજન-ધૂન સાથે બોલીવુડ મ્યુઝીક, ડાન્સ, રોમાન્ટીક ગીતોનું ગાન, અંતકડી અને પાનાં રમીને કરાય એટલી મોજ કરી. સાચે જ પાનખરમાં વસંતનો વાયુ વાયો! (૩૯૨)

