ભાવનગરના રાજકુમારી બ્રિજેશ્વરી કુમારી ગોહિલે ચર્નવુડ અને ભાવનગર શહેર વચ્ચેના વિકસતા જતા સંબંધને વધુ મજબૂત બનાવવા માટે લફબરોની મુલાકાત લીધી હતી. નોટિંગહામ અને ડરહામ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા રાજકુમારી વીરાસતના પુનઃસ્થાપન અને લોકલ કોમ્યુનિટીઝને વધુ સશક્ત બનાવવાના હિમાયતી છે.
બન્ને શહેરો વચ્ચે વેપાર, મૂડીરોકાણ અને શૈક્ષણિક સંપર્ક સહિત સંખ્યાબંધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પ્રિન્સેસ ગોહિલ ચર્નવુડ બરો કાઉન્સિલના અધિકારીઓને મળ્યા હતા. ભાવનગર અને લફબરોને ટ્વિન્સ સિટી બનાવવા માટે પણ ચર્ચા થઈ હતી.
લફબરોમાં ટાઉન સેન્ટર ખાતે ભાવનગર મ્યુનિસિપાલિટી પ્લેકની મુલાકાત બાદ પ્રિન્સેસે જણાવ્યું હતું,‘ ભાવનગર સાથે ગાઢ સંબંધ બાંધવાની ચર્નવુડ બરો કાઉન્સિલની દૂરંદેશીને હું સલામ કરું છું. હાલ વૈશ્વિકરણ થઈ રહ્યું છે તેવી દુનિયામાં ચર્નવુડ અને ભાવનગરના સંબંધને લીધે તેના નાગરિકોને ઘણી રીતે લાભ થશે.’
લફબરો સ્થિત મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર ડો. નીક કોટેચા OBE પણ પ્રિન્સેસ ગોહિલને મળ્યા હતા. લફબરો અને ચર્નવુડ વિસ્તારમાં ફાર્માસ્યુટિકલ્સ અને લાઈફ સાયન્સીસ કંપનીઓની ઉપસ્થિતિ અદભૂત છે. ડો. કોટેચાએ તેને સમર્થન આપતા કહ્યું,‘ રિસર્ચથી લઈને ઈનોવેશન અને NHSને સપ્લાય સુધીની વ્યવસ્થા છે. ભાવનગરમાં પણ વૈશ્વિક સ્તરનું ફાર્માસ્યુટિકલ્સ રો મટિરિયલ્સ અને ઉત્પાદન ક્ષમતા છે. દ્વિપક્ષીય વેપારને હજુ વધારવા અને લફબરો સાયન્સ પાર્ક્સ અને ઈકોનોમિક ઝોન્સમાં મૂડીરોકાણને આકર્ષવા માટે સ્પષ્ટ તક છે.’ તેમણે ઉમેર્યું કે લેસ્ટરશાયરની યુનિવર્સિટીઓમાં વિશ્વ કક્ષાની રિસર્ચ ફેસિલીટી છે. જેને સોલ્ટ વોટર આધારિત કૃષિ સંશોધન જેવી ભાવનગરની વિશિષ્ટ રિસર્ચ ફેસિલીટી સાથે સાંકળી શકાય.
પ્રિન્સેસ ગોહિલે જણાવ્યું, ‘ હું ખૂબ હકારાત્મકતા સાથે લફબરોથી વિદાય લઉં છું અને ચર્નવુડ અને ભાવનગર વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવાની આશા રાખું છું. આપણે હિસ્સેદારોને ભાવનગર ખાતે સંગઠિત કરવાનું ચાલુ રાખીશું અને તે પછી ચર્નવુડમાં રહેલા ભાગીદારો સાથે વાટાઘાટો કરીશું.’ (૨૭૩)

